° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


દસમાના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તો આવ્યું, પણ ‘પરીક્ષા’ હજી બાકી

30 July, 2021 10:07 AM IST | Mumbai | Rohit Parikh

અગિયારમા ધોરણમાં ઍડ્‍‍‍‍મિશનને લઈને એટલા ગૂંચવાડા ઊભા થયા છે કે સીઈટી માટે કઈ રીતે તૈયારી કરવી એને લઈને સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ દ્વિધામાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દસમા ધોરણમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સીઈટી (કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ)માં આવેલા માર્ક્સને આધારે અગિયારમાંના ઍડ્‍‍‍‍મિશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે એવી રાજ્યના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જાહેરાત કર્યા બાદ એને લઈને ઘણી ગૂંચવણો ઊભી થઈ છે જેમાં આ સીઈટી એસએસસી બોર્ડના અભ્યાસક્રમને આધારે લેવામાં આવનારી હોવાથી બીજા બોર્ડના સ્ટુડન્ટ્સ અને વાલીઓએ એનો વાંધો લીધો હતો. વાત ત્યાં નથી અટકતી, આઇસીએસઈ બોર્ડની એક વિદ્યાર્થિનીએ તો કોર્ટમાં યાચિકા દાખલ કરી કે મેં આઇસીએસઈ બોર્ડ જે વિષયો સાથે પાસ કર્યું છે એ વિષયો સીઈટીમાં નહીં હોય અને એને માટે મારે નવેસરથી એસએસસી બોર્ડના અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવી પડશે જે મારા જેવા લાખો વિદ્યાર્થીઓ માટે અન્યાયકારક છે.

હાઈ કોર્ટે પણ આ વિદ્યાર્થિનીની વાતને ધ્યાનમાં રાખીને ગઈ કાલે રાજ્ય સરકારને તમામ બોર્ડના એક્સપર્ટની એક પૅનલ બનાવીને તેમની પાસે કૉમન ક્વેશ્ચન પેપર તૈયાર કરાવવું શક્ય છે કે નહીં એ ચકાસવા કહ્યું છે. કોર્ટના ગઈ કાલના સૂચન બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ વધારે ગૂંચવણમાં મૂકાઈ ગયા છે. અત્યારે એસએસસી બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે સીઈટીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને હવે ચિંતા સતાવી રહી છે કે જો કોર્ટના સૂચન મુજબ રાજ્ય સરકાર કૉમન ક્વેશ્ચન પેપર માટે તૈયાર થઈ જશે તો અમારે બીજા બોર્ડનું પણ વાંચવું પડશે? જ્યાં સુધી આ બાબતની સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી અમારે સીઈટીની તૈયારી કઈ રીતે કરવી એ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને નથી સમજાઈ રહ્યું. આ સિવાય સીઈટીને લઈને સ્પષ્ટતા ન હોવાથી પેરન્ટ્સ એની તૈયારી માટે કોઈ ટીચર કે ક્લાસિસમાં જાય છે ત્યાં પણ તેમને પ્રોપર ગાઇડન્સ નથી મળતું. છેલ્લા દોઢ વર્ષથી ભણી-ભણીને કંટાળી ગયેલા દસમાના ઘણા વિદ્યાર્થીઓને સીઈટીની તૈયારી કરવામાં કોઈ રસ નથી, પણ ઍડ્‍‍‍‍મિશન પ્રક્રિયામાં એને પ્રાથમિકતા આપવામાં આવવાની હોવાથી વિદ્યાર્થીઓ એ આપવા તૈયાર થયા છે. આ બાબતે દસમાના વિદ્યાર્થીઓના પેરન્ટ્સ સાથે વાત કરતાં તેમણે પોતાની ચિંતા ‘મિડ-ડે’ સમક્ષ વ્યક્ત કરી હતી.

વિદ્યાર્થીઓ મેન્ટલી ડાઉન થઈ ગયા છે

કૉમન એન્ટ્રન્સ ટેસ્ટના રજિસ્ટ્રેશનની ટિકિટ કઢાવી લીધા પછી હવે અમે મૂંઝવણમાં મુકાયા છીએ કે ગાડી ઊપડશે કે નહીં અને ઊપડશે તો સ્ટેશને પહોંચે છે કે નહીં ?

અમારા નાના પરિવારના કોઈ કાર્યક્રમનું આયોજન હોય તો પણ અમે બે-ત્રણ મહિના પહેલાંથી સંપૂર્ણ આયોજન બધાં જ પાસાંઓ વિગતવાર વિચારીને કરતા હોઈએ છીએ. જ્યારે અહીં સરકાર તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય તથા કારકિર્દીનો જેના પર આધાર છે એવા કૉલેજના ઍડ્‍‍‍‍મિશન માટેના નિર્ણય માટે કોઈ દીર્ઘદૃષ્ટિ આયોજન નહીં? અલગ-અલગ બોર્ડના વિદ્યાર્થીઓને ઉદ્ભવતી આ સમસ્યાનું સમાધાન છેક છેલ્લી ઘડી સુધી તેઓ કરી શક્યા નથી. આ પ્રૉબ્લેમ આવશે જ એ જાણતા હોવા છતાં તેઓ હજી સુધી શું ઊંઘમાં હતા? કોરોનાના આ કપરા કાળમાં આવી હાલક-ડોલક પરિસ્થિતિએ વિદ્યાર્થીઓને માનસિક રીતે નબળા પાડી દીધા છે. મારા દીકરા રાહિલને ૯૩ ટકા મળ્યા પછી પણ પહેલાં તો એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડશે એ તો સમજ્યા છેલ્લાં દોઢ વર્ષથી એકનું એક વાંચીને તેઓ કંટાળી ગયા છે. વિવિધ બોર્ડ સીઈટી માટે એકમત ન થાય તો પછી સ્કૂલના રિઝલ્ટના બેઝ પર જ અગિયારમાંનું ઍડ્‍‍‍‍મિશન આપીને હવે તો નેકસ્ટ ઍકૅડેમિક યરનું જલદીથી શ્રીગણેશ કરવું જ જોઈએ.

હેતલ મેહુલ ગાલા કુર્લા-વેસ્ટ.

શૉર્ટ નોટિસમાં તૈયારી કઈ રીતે થાય?

મારા પુત્ર વેદાંત દાનાણીએ આઇસીએસઈ બોર્ડમાંથી દસમાની એક્ઝામ ૯૪ ટકા માર્ક્સ લઈને પાસ કરી, છતાં સરકારની કોઈ સીઈટીની પૉલિસી આજ દિન સુધી નક્કી ન હોવાથી અમને તેની સીઈટીની એકઝામની ચિંતા થાય છે. સૌથી પહેલું તો તેનો  અભ્યાસક્રમ બધા બોર્ડથી તદ્દન અલગ છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ફક્ત બે કલાકની પરીક્ષા માટે કયા ભાગ અને પ્રકરણો તૈયાર કરવા જોઈએ એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. જો સીઈટી ટકાવારી સ્કૂલ દ્વારા આપવામાં આવેલી ટકાવારી કરતાં ઓછી હોય તો શું થશે? કોઈ સ્પષ્ટતા નથી. રાજ્ય બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ માટે આવા ટૂંકા ગાળામાં તૈયારી અને અભ્યાસ કરવો અન્યાયી છે. અત્યારે તો વેદાંત ભણવામાં હોંશિયાર હોવા છતાં એવી અનેક બાબતો છે જેની સ્પષ્ટતા ન હોવાથી વેદાંત જ નહીં, એની સાથે અમે બધા જ મૂંઝવણમાં છીએ. સરકાર અમારી મૂંઝવણ ઘટે એવો નિર્ણય લે તો જ બાળકો તેમની કેરિયર શું બનાવવી એના પર વિચારી શકશે.

જિતેન દાનાણી, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, મુલુંડ-વેસ્ટ

બધાં જ બોર્ડની અલગ-અલગ સીઈટી હોવી જોઈએ

સરકારની રોજ બદલાતી પૉલિસી એમાં પાછું કોર્ટ દ્વારા નવું સૂચન. સૌથી પહેલાં તો કોઈ પણ બાળક એક વાર બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ જાય પછી તેના માટે સૌથી મોટી મૂંઝવણ એ હોય છે કે શું હવે હું એવા જ સારા પર્સન્ટેજ એન્ટ્રન્સ એક્ઝામમાં મેળવી શકીશ. મારો પુત્ર મીતાંશ છેડા ૮૫.૨ ટકા સાથે એસએસસી બોર્ડમાંથી પાસ થયો છે. તો એન્ટ્રન્સ માટે તેને માર્ગદર્શનની બહુ જ જરૂરિયાત હોય છે પણ, કોઈ સ્કૂલો આ બાબતમાં રસ લેતી ન હોવાથી બાળકે કેવી રીતે એન્ટ્રન્સ એક્ઝામ આપવી એ બહું મોટો સવાલ હોય છે. શું વાંચવાથી તેને એન્ટ્રન્સ એક્ઝામમાં ફાયદો થશે એના માટેની રૂપરેખા તેને પોતે જાતે તૈયાર કરવી પડે છે, જે આકરું હોય છે. આમ છતાં બાળકો તેમની બુદ્ધિમત્તાને આધારે એની તૈયારી કરે છે. બે કલાકની એક્ઝામ પણ મહેનત તો દસમાની એક્ઝામ માટે કરી હોય એનાથી વધારે કરવી પડે છે. જે બાળકોને મૂંઝવવા સાથે થકવી પણ દે છે. આ ટેન્શન ઓછું હોય એમ કોર્ટનું કહેવું છે કે શું એક કૉમન પેપર બધાં બોર્ડ સાથે મળીને કાઢી શકે કે નહીં. આ પણ એક અત્યંત અઘરો સવાલ છે. બધાં જ બોર્ડનો અભ્યાસક્રમ અલગ-અલગ હોય છે. મારું બાળક એસએસસી બોર્ડમાંથી પાસ થયો છે. હવે તેના માટે ટૂંકા ગાળામાં અન્ય બોર્ડનો અભ્યાસ કરવો અશક્ય છે. એવું જ બીજા બોર્ડનાં બાળકો માટે પણ બની શકે. હું તમને દરેક બોર્ડ માટે સીઈટી પરીક્ષાઓ અલગ રાખવા સૂચન કરીશ.

અવની છેડા, દાદર-ઈસ્ટ

30 July, 2021 10:07 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઑક્ટોબરથી ફરી ખૂલશે

મહારાષ્ટ્રમાં નવરાત્રિના પહેલા દિવસે 7 ઑક્ટોબરથી તમામ ધાર્મિક સ્થળો ફરી ભક્તો માટે શરૂ કરાશે.

24 September, 2021 10:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં 4 ઑક્ટોબરથી ખૂલશે શાળાઓ

કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને શાળાઓ શરૂ કરવામાં આવશે.

24 September, 2021 08:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Thane: મીરા રોડ રેલવે સ્ટેશન પર મહિલાની છેડતી કરનાર ઝડપાયો

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના રેલવે સ્ટેશન પર એક મહિલાની છેડતી કરવાના આરોપસર 21 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

24 September, 2021 07:57 IST | Thane | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK