પાર્ક+ ઍપના માધ્યમથી વાહનચાલકો ડિજિટલ પદ્ધતિથી પાર્કિંગ ચાર્જિસ ભરી શકે છે

ફાઇલ તસવીર
આખું દેશ જ્યારે અમૃત મહોત્સવની તૈયારી કરી રહ્યું છે ત્યારે બેસ્ટે પણ એના ૭૫માં વર્ષે ડિજિટલ માધ્યમથી વૅલેટ પાર્કિંગની સુવિધા શરૂ કરી છે. મુંબઈના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જૅમની સમસ્યા જોવા મળતી હોય છે. આ ટ્રાફિક જૅમની સમસ્યાનું એક કારણ રસ્તા પર થતું ગેરકાયદ પાર્કિંગ પણ છે. એને ધ્યાનમાં રાખીને બેસ્ટ દ્વારા ૨૦૧૯થી લોકોને સુવિધા મળે એટલા માટે પે ઍન્ડ પાર્કની યોજના પણ શરૂ કરાઈ હતી. એ પ્રમાણે દિવસના બસો બસરૂટ પર જતી રહે ત્યારે બેસ્ટના બસડેપો અને બસસ્થાનકમાં ખાલી રહેલી જગ્યામાં વાહનચાલકો તેમનાં વાહનો પાર્ક કરી શકતા હતા. બેસ્ટની આ યોજનાને પણ લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. એથી અમૃત મહોત્સવ નિમિત્તે સાત ઑગસ્ટથી ‘પે ઍન્ડ પાર્ક’ યોજના સાથે વૅલેટ પાર્કિંગ આ નવી સંકલ્પના શરૂ કરવામાં આવી હતી. પાર્ક+ આ કંપનીના માધ્યમથી આ યોજના શરૂ કરવામાં આવશે. પાર્ક+ આ ઍપના માધ્યમથી વાહનચાલકોને મુંબઈની બેસ્ટ ઉપક્રમના બસડેપો અને બસસ્થાનકમાં પાર્કિંગ માટે ઉપલબ્ધ કરેલી જગ્યા પર માહિતી પ્રાપ્ત થઈ શકશે. એના પરથી વાહનચાલકો જ્યાં જગ્યા આરિક્ષત કરવી હોય ત્યાં કરી શકે છે.
બેસ્ટના ઉપજનસંપર્ક અધિકારી સુરેશ ગાયકવાડે જણાવ્યું હતું કે ‘પાર્ક+ ઍપના માધ્યમથી વાહનચાલકો ડિજિટલ પદ્ધતિથી પાર્કિંગ ચાર્જિસ ભરી શકે છે. એથી રોકડ રકમ રાખવાની પણ જરૂર નહીં રહેશે. વૅલેટ પાર્ક સ્કીમ બેસ્ટના પાંચ ડેપો કોલાબા, મુંબઈ સેન્ટ્રલ, વરલી, દિંડોશી અને બાંદરામાં શરૂ થશે. અહીં બે કલાક સુધીના ૧૦૦ રૂપિયા તેમ જ ૩૦ રૂપિયા પ્રત્યેક કલાકના ચૂકવવાના રહેશે.’