Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રતિબંધનાં છ વર્ષ પછીયે લાલ બત્તીનું વીઆઇપી કલ્ચર કાયમ

પ્રતિબંધનાં છ વર્ષ પછીયે લાલ બત્તીનું વીઆઇપી કલ્ચર કાયમ

14 January, 2023 07:47 AM IST | Mumbai
Prakash Bambhrolia

થાણે આરટીઓએ પરવાનગી આપતાં મીરા-ભાઈંદર સુધરાઈના કમિશનર બે કારમાં એનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જણાયું

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનરની કારમાં મૂકવામાં આવેલી લાલ બત્તી અને કમિશનર દિલીપ ઢોલે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનરની કારમાં મૂકવામાં આવેલી લાલ બત્તી અને કમિશનર દિલીપ ઢોલે.



મુંબઈ ઃ વડા પ્રધાનથી લઈને મુખ્ય પ્રધાન અને પ્રધાનોનાં વાહનોમાં લાલ, પીળી અને બ્લુ લાઇટ લગાવવાનું વીઆઇપી કલ્ચર કેન્દ્ર સરકારે ૨૦૧૭માં ખતમ કરી નાખ્યું હોવા છતાં કેટલાક લોકો આજે પણ વાહનોની ઉપર લાલ, પીળી કે બ્લુ બત્તીઓ લગાવીને ફરતા જોવા મળે છે. મીરા-ભાઈંદરમાં સુધરાઈના કમિશનરની કાર પર બત્તી લગાવવા માટે થાણે આરટીઓએ રીતસરની પરવાનગી આપી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, અત્યારના સુધરાઈના કમિશનર એક નહીં પણ બે કારમાં બત્તી લગાવી બિન્દાસ ફરીને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. કમિશનર કહે છે કે ૨૦૨૧માં આરટીઓ પાસેથી પરવાનગી લેવામાં આવી હોવાથી તેઓ બત્તીનો ઉપયોગ કરી રહ્યા છે; પણ સવાલ એ છે કે ઍમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસ સિવાયનાં વાહનોને આવી કોઈ પરવાનગી નથી તો આરટીઓ થાણેએ કેવી રીતે પરવાનગી આપી?
૨૦૧૭ની પહેલી મેએ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મંત્રાલય દ્વારા વાહનોની ઉપર કે અંદર મુકાતી લાલ, પીળી કે બ્લુ રંગની બત્તીઓના વપરાશ સંબંધે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. આ નોટિફિકેશનમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ઍમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓનાં વાહનો સિવાય કોઈ આવી બત્તીઓનો ઉપયોગ કરી શકશે નહીં અને કોઈ એવું કરતાં ઝડપાશે તો ત્રણ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર દિલીપ ઢોલે અત્યારે બે કારનો ઉપયોગ કરે છે, જે સીતારામ ટ્રાવેલ્સ નામની કંપની પાસેથી સુધરાઈ દ્વારા ભાડેથી રાખવામાં આવી છે. આ બંને કારમાં તેઓ બત્તીનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. એમએચ૧૨એનએક્સ૩૭૫૬ નંબરની કારનો તેઓ મીરા-ભાઈંદરમાં ઉપયોગ કરે છે, જ્યારે મુંબઈ કે નવી મુંબઈ કે બીજાં સ્થળોએ જવા માટે તેઓ બીજી એક કારનો ઉપયોગ કરે છે.
સુધરાઈના કમિશનર કારની ઉપર કે અંદર લાલ બત્તીનો ઉપયોગ કરી શકે એ માટે મીરા-ભાઈંદરના તત્કાલીન ઍડિશનલ કમિશનરે થાણે આરટીઓ ઑફિસમાં ૨૦૨૧ની ૧૬ જુલાઈએ અરજી કરી હતી. એ સમયે થાણેના અસિસ્ટન્ટ આરટીઓ અધિકારી દયાનંદ ઠાકરેએ ૨૦૨૧ની ૬ ઑગસ્ટે સુધરાઈને આવી પરવાનગી આપી પણ દીધી હતી. ઇમર્જન્સી સિવાયનાં કોઈ વાહનોમાં કોઈ પણ રંગની બત્તીઓ ન વાપરી શકાય એ પ્રકારનું કેન્દ્ર સરકારનું નોટિફિકેશન હોવા છતાં થાણેના આરટીઓ અધિકારીએ પોતાના સ્તરે આવી પરમિશન આપી હતી.
નવાઈની વાત એ છે કે થાણે આરટીઓએ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની માલિકીની એમએચ૦૪જેએમ૯૮૫૫ નંબરની કારમાં બત્તી વાપરવાની પરવાનગી આપી હતી, પરંતુ આ કારને બદલે અત્યારના કમિશનર દિલીપ ઢોલે બીજી જ બે કારનો ઉપયોગ કરી રહ્યા છે. 

આ પણ વાંચો:ભાઈંદરના જૈન અગ્રણીનું થયું અકસ્માતમાં નિધન



સુધરાઈના કમિશનર આરટીઓની ગેરકાયદે પરવાનગીના આધારે તેમની કારોમાં બત્તીનો ઉપયોગ કરી રહ્યા છે એટલે તેમની તેમ જ સુધરાઈને કાર ભાડે આપતી કંપનીના માલિક સામે આઇપીસી અને મોટર વેહિકલ ઍક્ટ ઍન્ડ પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ મુજબ પગલાં લેવામાં આવે એવી ફરિયાદ સ્થાનિક રહેવાસી જતીન દાધીચે મીરા-ભાઈંદર, વસઈ-વિરારના પોલીસ કમિશનર મધુકર પાંડેને કરી છે. રાજ્ય સરકારે ૨૦૧૪માં આ સંબંધે નોટિફિકેશન જારી કર્યું હતું એ વિશે જતીન દાધીચે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્ય સરકારના આ નોટિફિકેશનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ‘એ ’અને ‘બી’ કૅટેગરીની સુધરાઈના કમિશનરો તેમના વિસ્તારમાં વાહનો પર બત્તીઓ લગાવી શકે છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકા ‘ડી’ કૅટેગરીમાં આવે છે એટલે કમિશનર દિલીપ ઢોલે ખુલ્લેઆમ નિયમનો ભંગ કરી રહ્યા છે. પોલીસ કમિશનરને મેં આ સંબંધે ફરિયાદ કરી છે.’


શું છે નોટિફિકેશન?
સડક પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં લખવામાં આવ્યું છે કે સામાન્ય સંજોગોમાં ઍમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસનાં વાહનોમાં જ લાલ, પીળી કે બ્લુ રંગની બત્તીનો ઉપયોગ કરી શકાશે. આ સિવાય ધરતીકંપ, પૂર, જમીન ધસી પડવી, સાઇક્લોન, સુનામી અને પરમાણુ, રાસાયણિક અને જૈવિક ઇમર્જન્સી કે માનવનિર્મિત ઇમર્જન્સી સમયે કર્તવ્ય નિભાવી રહેલાં વાહનોની ઉપર આવી બત્તીઓ અને સફેદ રંગની રોશનીને પરવાનગી આપવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2023 07:47 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK