° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


ઔરંગાબાદ એટલે ‌સંભાજીનગર એવું કહેનારો તું વલ્લભભાઈ પટેલ કે મહાત્મા ગાંધીજી છે?

23 May, 2022 10:11 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સત્તાવાર નામ બદલવાને બદલે મુખ્ય પ્રધાને આવી જાહેરાત કરી હોવાથી રાજ ઠાકરેએ લીધો તેમનો ઊધડો. પુણેની સભામાં સીએમને તુંકારે સંબોધન કરતાં શિવસૈનિકો થયા નારાજ

પુણેની સભામાં ગઈ કાલે કાર્યકરોનું અભિવાદન સ્વીકારી રહેલા રાજ ઠાકરે.  પી.ટી.આઇ.

પુણેની સભામાં ગઈ કાલે કાર્યકરોનું અભિવાદન સ્વીકારી રહેલા રાજ ઠાકરે. પી.ટી.આઇ.


મુંબઈ ઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈ કાલે પુણેના ગણેશ કલા ક્રીડા મંચ સભાગૃહમાં આયોજિત સભામાં અયોધ્યા મુલાકાત બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને એમઆઇએમ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘મારે ઉત્તર ભારતીયોની માફી માગવી જોઈએ એ આ લોકોને ૧૨-૧૪ વર્ષ બાદ યાદ આવ્યું છે. માફી માગવાની વાત હોય ત્યારે ગુજરાતમાં અલ્પેશ ઠાકોર નામના નેતાએ ઉત્તર પ્રદેશ-બિહારના લોકોને ગુજરાતમાંથી હાંકી કાઢ્યા હતા તેઓ મુંબઈ આવ્યા હતા. તેઓ મુંબઈ થઈને તેમના વતન ગયા હતા. ગુજરાતમાં કોણ માફી માગશે? આ લોકોનું રાજકારણ સમજવાની જરૂર છે.’ 
અયોધ્યાની મુલાકાતમાં એમએનએસના કાર્યકરોને અટકાવવાનું કાવતરું મહારાષ્ટ્રમાં ઘડાયું હોવાની માહિતી મળ્યા બાદ પોતે આ મુલાકાત રદ કરી હોવાનું રાજ ઠાકરેએ 
કહ્યું હતું. અયોધ્યા કે ઉત્તર પ્રદેશમાં કંઈ થાત તો મોટી સંખ્યામાં કાર્યકરો કાયદાની ચુંગાલમાં ફસાઈ જાત, જેને લીધે મહારાષ્ટ્રની વિવિધ ચૂંટણીમાં પક્ષને મુશ્કેલી થવાની શક્યતા ઊભી થાત એમ તેમણે વધુમાં કહ્યું હતું.
રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લેતાં કહ્યું હતું કે ‘મુંબઈમાં મુખ્ય પ્રધાનની સભા થઈ. શું બાળકો જેવું ચાલી રહ્યું છે એ મને નથી સમજાતું. અમારું હિન્દુત્વ સાચું, તેમનું ખોટું. તમે શું વૉશિંગ પાઉડર વેચો છો? તમારું શર્ટ મારા શર્ટથી સફેદ કેમ? સવાલ હિન્દુત્વ અને મરાઠીઓને રિઝલ્ટ આપવાનો છે જે અમે આપીએ છીએ. ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરવા સામે મુખ્ય પ્રધાન કહે છે કે મેં કહ્યું એટલે સંભાજીનગર થઈ ગયું. તું શું વલ્લભભાઈ પટેલ કે મહાત્મા ગાંધી છો? હિન્દુ-મુસ્લિમોના મત મેળવવા માટે તમે આ મુદ્દાને વર્ષોથી સળગતો રાખી રહ્યા છો. વર્ષોથી કેન્દ્ર સરકારમાં તમે સહભાગી હતા ત્યારે સંભાજીનગર કેમ ન કરાવ્યું? સંભાજીનગર અને જાલના સહિત અનેક જગ્યાએ ૧૦ દિવસે લોકોને પાણી મળે છે. લોકોની હાલતની તમને કંઈ પડી નથી.’
રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાનને તુંકારે બોલાવ્યા હોવાથી એને લઈને શિવસૈનિકો નારાજ થઈ ગયા છે. એટલું જ નહીં, ઘણા લોકોએ સોશ્યલ મિડિયા પર તેમને ટ્રોલ પણ કર્યા છે.
વડા પ્રધાનને ત્રણ અપીલ
રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘દેશભરમાં તાત્કાલિક સમાન નાગરિક કાયદો લાવો, દેશની વસતિ પર નિયંત્રણ લાવવા માટે વધુ એક કાયદો લાવો અને ત્રીજી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરો. આમ કરવાથી મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ પક્ષોનું રાજકારણ જ ખ‍તમ થઈ જશે. રાજકારણ માટે આ લોકોએ હિન્દુ-મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરવા માટે એમઆઇએમને મોટી કરી. એમઆઇએમ સતત હિન્દુઓની વિરોધમાં બોલતી રહેવી જોઈએ, જેથી આ લોકોની રોજીરોટી ચાલતી રહે. તેમને ખ્યાલ ન રહ્યો કે તેઓ એક રાક્ષસને મોટો કરી રહ્યો છે. પરિણામે શિવસેનાના સંસદસભ્ય ઔરંગાબાદમાં હાર્યા અને એમઆઇએમ સંસદમાં પહોંચી. નિઝામની ઔલાદને મહારાષ્ટ્રમાં આ લોકોએ જ જમીન આપી.’
શરદ પવાર, ઇતિહાસ કેમ બદલો છો?
રાજ ઠાકરેએ એનસીપીના ચીફ શરદ પવાર પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજને ખતમ કરવા માટેના અનેક પ્રયાસ કરનારા ઔરંગઝેબની પ્રતાપગઢમાં પહેલાં છ ફુટ બાય દસ ફુટની કબર હતી. અત્યારે અહીં ૧૫થી ૨૦ હજાર ચોરસ ફીટની અફઝલ ખાનની મસ્જિદ બની ગઈ છે. આના માટે ફન્ડ કોણ આપે છે? શરદ પવારને ઔરંગઝેબ સૂફી સંત લાગે છે. તેઓ પોતાને ઉપયોગી થાય એ રીતે ઇતિહાસ સાથે ચેડાં કરે છે. સામાન્ય લોકોએ તેમના રાજકારણને સમજવાની જરૂરી છે.’
તમારું લોહી કેમ ઊકળતું નથી?
રાજ ઠાકરેએ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા દુશ્મન ઔરંગઝેબની કબર પર એમઆઇએમના માણસો જવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી જશે એવું લાગતું હતું. જોકે આવું કંઈ ન થયું. ભારતના ઇતિહાસ પર નજર નાખીએ તો આપણે ૯૦૦ વર્ષ વિદેશીઓની ગુલામીમાં હતા. આપણે એ સમયે સાવધ નહોતા એટલે 
ગુલામ બન્યા. હજી પણ સાવધ નથી એટલે દેશ અને રાજ્યમાં આવી ઘટનાઓ બની રહી છે. દુશ્મનની કબર પર દુશ્મનો પહોંચીને માથું ટેકવે છે. આ તમને કેમ ખૂંચતું નથી? રાજ્યને લૂંટનારાનું રાજકારણ નહીં સમજો તો તમે ગુલામ જ રહેશો.’
કાયદાનું પાલન કરનારાને નોટિસ
રાજ ઠાકરેએ આગળ કહ્યું હતું કે ‘રાજ્યભરમાં લાઉડસ્પીકરના કાયદાનું પાલન કરવાનું કહેનારા ‍૨૮ હજાર એમએનએસના સૈનિકોને સરકારે નોટિસ મોકલી છે અને જેઓ કાયદાનો ભંગ કરી રહ્યા છે એવા મુસ્લિમો સાથે લાઉડસ્પીકરનો અવાજ કેટલો રાખવો જોઈએ એ વિશે ચર્ચા કરી રહી છે. આવું આપણે ક્યાં સુધી ચલાવી લઈશું? 
દરેક ઘરમાં પત્ર મોકલાશે
રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘પહેલી જૂને મારી પીઠની સર્જરી થશે. બાદમાં એકાદ મહિનો હું રિકવરીના સ્ટેજમાં હોઈશ. આથી હું જાહેર સભા નહીં કરી શકું, પરંતુ રાજ્યની દરેક વ્યક્તિ સાથે સંપર્ક સાધવા માટે ટૂંક સમયમાં એક પત્ર જારી કરીશ. આ પત્ર એમએનએસના કાર્યકરો દરેક ઘરમાં પહોંચાડીને હું શું કરવા માગે છે એની માહિતી આપશે.’ 
જોકે આ પત્રમાં શું હશે એ વિશે રાજ ઠાકરેએ કોઈ ફોડ નહોતો પાડ્યો.

23 May, 2022 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ચોમાસાની બીમારીઓએ માથું ઊંચક્યું

ઝાડા, ઊબકા, ઊલટી અને તાવ જેવી પેટ સંબંધિત બીમારીઓ વધતાં ડૉક્ટરોએ મુંબઈવાસીઓને સ્વચ્છ પાણી અને હેલ્ધી ફૂડ ખાવાની સલાહ આપી

06 July, 2022 10:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ટૂંક સમયમાં થશે કૅબિનેટનું વિસ્તરણ : દેવેન્દ્ર ફડણવીસ

એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યા બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ટૂંક સમયમાં રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે.

06 July, 2022 09:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

જો હમણાં મધ્યસત્ર ચૂંટણી યોજાય તો અમે ૧૦૦થી વધુ બેઠકો જીતીશું : સંજય રાઉત

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે જો હમણાં મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણી થાય તો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી ૧૦૦ કરતાં વધુ બેઠકો જીતે, કારણ કે લોકો બળવાખોર વિધાનસભ્યો સામે નારાજ છે.

06 July, 2022 08:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK