નવાઈ ન પામતા અને જો ઓપન ગ્રાઉન્ડમાં હોય ફંક્શન તો વણનોતર્યા મહેમાન વરસાદની તૈયારી રાખજો : હવામાન વિભાગની ચોમાસા પહેલાંનાં વરસાદી ઝાપટાં ૧૫ મેથી શરૂ થઈ જવાની આગાહી : કેરળમાં ચોમાસું ચાર દિવસ વહેલું બેસી જવાની શક્યતા

આવી ગયો વરસાદ...
સામાન્ય રીતે કેરળ કે આંદામાન-નિકોબારમાં પહેલી જૂનથી ચોમાસાની શરૂઆત થાય છે, પરંતુ આ વર્ષે અહીં ચાર દિવસ વહેલો એટલે કે ૨૬ મેથી વરસાદ શરૂ થઈ જવાની શક્યતા છે. આથી મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં ચોમાસા પહેલાંનાં વરસાદી ઝાપટાં ૧૫ મેથી શરૂ થઈ જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આથી કોઈએ ૧૫ મે પછી ઓપન ગ્રાઉન્ડમાં કોઈ ફંક્શન રાખ્યું હોય તો બૅકઅપ પ્લાન કરી લેવો. હવામાન વિભાગે સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
ભારતમાં નૈર્ઋત્યના ચોમાસાની શરૂઆત આંદામાન-નિકોબાર અને કેરળથી થાય છે. દર વર્ષે મોટા ભાગે પહેલી જૂને કેરળમાં વરસાદનું આગમન થાય છે. મુંબઈમાં જૂનના પહેલાં અથવા તો બીજા અઠવાડિયાની આસપાસ ચોમાસાની શરૂઆત થાય છે. કેરળ અને આંદામાન-નિકોબારમાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદનાં છૂટાંછવાયાં ઝાપટાં શરૂ થાય છે, પરંતુ અસાની સાયક્લોનને લીધે છેલ્લા બે દિવસમાં કેરળમાં ભારે વરસાદ નોંધાયો હતો. આવી જ રીતે ગઈ કાલે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પણ વરસાદ પડ્યો હતો.
ભારતીય હવામાન વિભાગના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ વર્ષે કેરળ તેમ જ આંદામાન-નિકોબારમાં ચોમાસા પહેલાંનાં વરસાદી ઝાપટાં ૧૪ મેએ એટલે કે આવતી કાલે પડવાની શક્યતા છે, જે સામાન્ય કરતાં એક અઠવાડિયું વહેલાં છે. ૧૪થી ૧૬ મે દરમ્યાન અહીંના કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. કેરળમાં બે દિવસ પડેલા ભારે વરસાદને પગલે પશ્ચિમી મહારાષ્ટ્ર તેમ જ કોંકણ, રાયગડ, થાણે અને મુંબઈમાં બે દિવસથી આકાશ વાદળછાયું રહ્યું હતું. આવતી કાલથી મુંબઈ સહિતના આસપાસના વિસ્તારમાં ચોમાસા પહેલાંનાં વરસાદી ઝાપટાં પડી શકે છે. એમાં પણ કેટલાંક સ્થળે મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
મોટા ભાગે જૂનના બીજા અઠવાડિયામાં મુંબઈમાં વરસાદનું આગમન થતું હોય છે. એટલે બધા જૂન મહિનાના પહેલા અઠવાડિયા સુધી ઓપન જગ્યામાં કાર્યક્રમમું આયોજન કરતા હોય છે. જોકે આ વખતે ચોમાસું વહેલું શરૂ થવાની આગાહી હોવાથી જો કોઈએ ઓપન ગ્રાઉન્ડમાં કોઈ આયોજન કર્યું હોય તો કાર્યક્રમ બગડે નહીં એ માટે બૅકઅપ રાખવું જરૂરી બનશે.
છેલ્લાં પાંચ વર્ષની ક્યારે આવ્યો વરસાદ?
૨૬ મેએ કેરળમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લાં પાંચ વર્ષમાં અંદાજ અને હકીકતમાં વરસાદની શરૂઆત ક્યારે થઈ હતી એના પર નજર નાખીએ.