હેરાન પબ્લિકે આઝાદ મેદાનમાં દેખાવો કર્યા
આઝાદ મેદાનમાં દેખાવો કરી રહેલા FACCના સભ્યો
પ્રૉપર્ટીને લગતી બાબતોમાં રજિસ્ટ્રાર ઑફિસના અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારના વિરોધમાં ફાઇટ અગેઇન્સ્ટ કો-ઑપરેટિવ કરપ્શન (FACC) સંસ્થા દ્વારા ગઈ કાલે આઝાદ મેદાનમાં દેખાવો કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે તેમને મળવા અને તેમની માગ જાણવા કેટલાક સરકારી અધિકારીઓ આવ્યા હતા અને તેમણે આ બાબતે ઘટતું કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું, એમ FACCનાં કો-ઑર્ડિનેટર રેશ્મા ચક્રોબર્તીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.
આઝાદ મેદાનમાં ગઈ કાલે એ પ્રોટેસ્ટમાં એવા પીડિતોએ, તેમના ગ્રુપે ભાગ લીધો હતો જેઓનો મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA), કો-ઑપરેટિવ સોસાયટી ડિપાર્ટમેન્ટ, સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA), બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), પોલીસ અને જુડિશ્યરી સાથે પનારો પડ્યો હતો અને એમ લાગતું હતું કે તેમને અન્યાય થઈ રહ્યો છે. આ પીડિતોનું કહેવું હતું કે તેઓએ સરકારી અધિકારીઓના એવા વલણને કારણે આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો વેઠવી પડી હતી. તેમનો એવો આરોપ હતો કે આ અધિકારીઓ અનૈતિક હથકંડાઓ અપનાવે છે, તેઓ કાયદાને મારીમચડી તેમને અનુકૂળ એવું અર્થઘટન કરે છે, તેઓ જે કાયદાકીય પગલાં લેવાનાં હોય ત્યાં જાણી જોઈને મોડું કરે છે, ઢીલું વલણ અપનાવે છે, તેઓ લોકોથી કાયદાકીય બાબતો છુપાવે છે અને કાયદો તોડે છે.
ADVERTISEMENT
આ બાબતે રેશ્મા ચક્રોબર્તીએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે પણ અમે આવું વિરોધ-પ્રદર્શન કર્યું હતું જેના કારણે ફરક પડ્યો હતો અને એ ફરક પૉઝિટિવ નહીં પણ નેગેટિવ હતો અને પરિસ્થિતિ વધુ વણસી હતી. હવે તો એવું લાગી રહ્યું છે કે BMC, MHADA, પોલીસ અને બધી જ સરકારી ઑથોરિટીના અધિકારીઓ એકબીજા સાથે સાઠગાંઠ કરીને જ કામ કરે છે. અમારી ડિમાન્ડ કંઈ એક્સ્ટ્રા ઑર્ડિનરી નથી, અમારું એટલું જ કહેવું છે કે આ સરકારી અધિકારીઓ કાયદા પ્રમાણે કામ કરે. જો એવું થશે તો ૮૦ ટકા સમસ્યાઓ ઉકેલાઈ જશે.’
FACCની મુખ્ય માગણીઓ
નાગરિકોના અધિકારોની માહિતી આપતું બોર્ડ દરેક સરકારી ઑફિસમાં લગાડવામાં આવે.
જે સરકારી કર્મચારી કાયદાનો ભંગ કરે અથવા કોર્ટના આદેશનો અનાદર કરે તેની સામે ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કામ ચલાવાય.
નાગરિકોને સરકારી અધિકારી સાથેની વાતચીતનો ઑડિયો-વિડિયો રેકૉર્ડ કરવાની છૂટ મળવી જોઈએ જેમાં MHADA, SRA, BMC અને પોલીસની પાસે કરવામાં આવેલી સુનાવણીનો પણ સમાવેશ કરવામાં આવે.
સહકાર ડિપાર્ટમેન્ટના રજિસ્ટ્રાર સહિત MHADA, SRA, BMC દ્વારા જે પણ આર્ડર્સ આપવામાં આવે એ અપલોડ કરવામાં આવે.
કોઈ પણ સરકારી કર્મચારી સામે ઑનલાઇન ફરિયાદ કરી શકાય અને એ ફરિયાદ કોઈ પણ નાગરિક જોઈ શકે એવી ગોઠવણ કરવામાં આવે.
જે સરકારી કર્મચારી સામે વધુ ફરિયાદ થઈ હોય તેને બ્લૅક-લિસ્ટ કરવામાં આવે.