Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીના સાવરકર વિશેના નિવેદનથી રાજ્યભરમાં વિરોધ

રાહુલ ગાંધીના સાવરકર વિશેના નિવેદનથી રાજ્યભરમાં વિરોધ

19 November, 2022 10:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વતંત્રતાસેનાનીના ગામમાં બંધની સાથે મનસે અને બીજેપીએ આક્રમક વલણ અપનાવ્યું

ગઈ કાલે મુંબઈમાં કૉન્ગ્રેસની ઑફિસની બહાર વિરોધ-પ્રદર્શન કરી રહેલા ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો.

ગઈ કાલે મુંબઈમાં કૉન્ગ્રેસની ઑફિસની બહાર વિરોધ-પ્રદર્શન કરી રહેલા ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો.



મુંબઈ ઃ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકર બાબતે કરેલા વિવાદાસ્પદ નિવેદનના ગઈ કાલે મુંબઈ સહિત રાજ્યભરમાં ભારે પડઘા પડ્યા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અત્યારે મહારાષ્ટ્રમાં ચાલી રહી છે ત્યારે તેમના વીર સાવરકર સંબંધી નિવેદનનો વિરોધ કરવા માટે ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) અને બીજેપીએ આક્રમક ભૂમિકા લીધી હતી. બંને પક્ષોએ મુંબઈ સહિત રાજ્યમાં અનેક સ્થળે વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના આદેશથી મનસેના સેંકડો કાર્યકરો રાહુલ ગાંધીની સભાનો વિરોધ કરવા માટે નીકળ્યા હતા. જોકે પોલીસે તેમને અટકાવી દીધા હતા અને મનસેના નીતિન સરદેસાઈ સહિતના નેતાઓને તાબામાં લીધા હતા.
અકોલાના શેગાંવમાં રાહુલ ગાંધીની સભા યોજવામાં આવી હતી. એનો વિરોધ કરવા માટે ગઈ કાલે સવારથી મનસેના કાર્યકરો નીકળ્યા હતા. જોકે રાહુલ ગાંધીની સભામાં ગરબડ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે તેમને બુલઢાણામાં ચિખોલી પાસે અટકાવી દીધા હતા અને કેટલાક કાર્યકરોને તાબામાં લીધા હતા. પોલીસે રોકી લેવાથી મનસેના કાર્યકરોએ રસ્તામાં બેસીને આંદોલન કર્યું હતું.
મનસેની સાથે બીજેપી પણ રાહુલ ગાંધીના વીર સાવરકર વિશેના નિવેદન બાબતે આક્રમક બની હતી. ગઈ કાલે સવારે મુંબઈમાં દહિસર સહિતના વિસ્તારમાં વિરોધ-પ્રદર્શન કરવાની સાથે પુણેમાં બીજેપીના કાર્યકરોએ કૉન્ગ્રેસની ઑફિસની બહાર મોરચો કાઢ્યો હતો. આ સમયે પક્ષના કાર્યકરોએ રાહુલ ગાંધી મુર્દાબાદના નારા લગવ્યા હતા અને પંડિત જવાહરલાલ નેહરુએ ખુદ વીર સાવરકરની માફી માગી હોવાનાં પોસ્ટરો લગાવ્યાં હતાં. પોલીસે જોકે મામલો સંભાળી લીધો હતો અને બીજેપીના કેટલાક કાર્યકરોને તાબામાં લીધા હતા.
મહાવિકાસ આઘાડી તૂટવાની શક્યતા
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકર સંબંધે વિવાદાસ્પદ નિવેદન કરતાં ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને મહારાષ્ટ્રમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે તેમણે વીર સાવરકરનો મુદ્દો ઉખેળવાની જરૂર જ નહોતી. વીર સાવરકરને યોગ્ય સન્માન મળે એ માટે અમે વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છીએ. એની સામે રાહુલ ગાંધી તેમના વિશે આવું નિવેદન કરે છે એની અસર મહાવિકાસ આઘાડી પર પડી શકે છે. કૉન્ગ્રેસનું આ વલણ બરાબર નથી.’ 
સંજય રાઉતના વક્તવ્ય બાદ કૉન્ગ્રેસે આ મામલે કૂણું વલણ અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
રાહુલ સામે થાણેમાં ફરિયાદ નોંધાઈ
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે થાણેના નગર પોલીસ સ્ટેશનમાં વીર સાવરકર માટે અપમાનજનક શબ્દો ઉચ્ચારવા બદલ ગુરુવારે એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની વંદના ડોંગરે નામની મહિલાએ રાહુલ ગાંધીએ વીર સાવરકર બાબતે આપેલા નિવેદનથી લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે એટલે એફઆઈઆર નોંધાવ્યો હતો. 
રાહુલે સત્ય જ કહ્યું છે ઃ તુષાર ગાંધી
મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ રાહુલ ગાંધીના વીર સાવરકર બાબતે આપેલા નિવેદનને સમર્થન આપ્યું છે. તેઓ ગઈ કાલે શેગાંવમાં રાહુલ ગાંધીની સભામાં હાજર રહ્યા હતા ત્યારે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ કંઈ ખોટું નથી કહ્યું. સાવરકરે અંગ્રેજોની મદદ લીધી હતી. તેમણે માફી માગી હતી અને અંગ્રેજો પાસેથી પેન્શન પણ લીધું હતું. જો આપણે સત્ય કહેતાં ગભરાઈશું તો આપણે સત્ય સાથે દગો કરીએ છીએ. સાવરકર એક સમયે ક્રાંતિકારી હતા. બાદમાં તેમણે અંગ્રેજો સાથે હાથ મિલાવ્યા હતા અને જીવનભર અંગ્રેજો પ્રત્યે ઈમાનદાર રહ્યા હતા. આ સત્ય વાત કહેવાની રાહુલ ગાંધીએ હિંમત કરી છે. મને નથી લાગતું એમાં કંઈ ખોટું છે.’

રાહુલ ગાંધીની ટિપ્પણીને પગલે સાવરકરના વતનમાં વિરોધ-પ્રદર્શન
મુંબઈ (પી.ટી.આઇ.) : વિનાયક દામોદર સારવકર વિરુદ્ધ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીને લઈને આઝાદીના લડવૈયાના જન્મસ્થળ નાશિકના ભાગુરના રહેવાસીઓએ શુક્રવારે બંધ પાળ્યો હતો.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે ત્યારે અકોલા જિલ્લાના વડેગાંવમાં ગુરુવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે દાવો કર્યો હતો કે વીર સાવરકરે બ્રિટિશ શાસનને મદદ કરી હતી અને ડરી જઈને દયાની યાચિકા પાઠવી હતી.
આના વિરોધમાં ભાજપે આવશ્યક સેવાઓ સિવાયની શૉપ્સ અને ઑફિસ માટે બંધનું એલાન જાહેર કર્યું હતું, જેને બાલાસાહેબાંચી શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું સમર્થન સાંપડ્યું હતું. 
દેવલાલી કૅમ્પ-ભાગુરના ભાજપ મંડળના પ્રમુખ પ્રસાદ અડકેએ જણાવ્યું હતું કે ‘રાહુલ ગાંધી સતત સ્વતંત્રતાસેનાની વીર સાવરકરનું અપમાન કરતા રહે છે. તેમણે માફી માગવી જોઈએ. જ્યાં સુધી તેઓ માફી નહીં માગે ત્યાં સુધી અમે ગાંધી પરિવારના એક પણ સભ્યને ભાગુરમાં પ્રવેશવા નહીં દઈએ.’ 
અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે બંધ શાંતિપૂર્ણ હતો અને કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નહોતી.



ભાજપ હિંસા, દ્વેષ, દહેશત ફેલાવે છે ઃ રાહુલ ગાંધી
વીર સાવરકર વિશેનાં વિવાદાસ્પદ નિવેદનોનો સામનો કરી રહેલા રાહુલ ગાંધીએ ગઈ કાલે ભારત જોડો યાત્રામાં અકોલા નજીકના શેગાંવમાં જાહેર સભાને સંબોધી હતી. આ સભામાં રાહુલ ગાંધીએ વીર સાવરકર વિશે એક પણ શબ્દ નહોતો ઉચાર્યો. બીજેપી પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘ડર, હિંસા, દ્વેષથી બધું તોડવામાં આવી રહ્યું છે; જ્યારે પ્રેમથી બધું જોડાઈ રહ્યું છે. ભારત જોડો યાત્રાનો લક્ષ્યાંક મન કી બાત કરવા માટેનો નથી. હિંસા અને દ્વેષથી દેશને ક્યારેય ફાયદો નહીં થાય. મોદી સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે. ખેડૂતોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ નથી થઈ રહી, પણ ઉદ્યોગપતિઓને હજારો કરોડનું કરજ માફ કરી દે છે. યુવાનો લાખો રૂપિયાનો ખર્ચ કરીને શિક્ષણ મેળવે છે, પણ તેમને રોજગાર નથી મળતો.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2022 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK