Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંગેરી લાલ કે હસીન સપને

મુંગેરી લાલ કે હસીન સપને

25 July, 2022 09:35 AM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

બે વર્ષમાં મુંબઈના રોડને ખાડામુક્ત કરવા અશક્ય. નિષ્ણાતોના મતે સુધરાઈએ દાવાને સાચો સાબિત કરવા માટે ૮૦૦ કિલોમીટરના કૉન્ક્રીટ રોડ બનાવવા પડે, પરંતુ એક વર્ષમાં ૨૦૦ કિલોમીટરનો રોડ પણ બનતો નથી.

બોરીવલીમાં મે મહિનામાં કૉન્ક્રીટ રોડ બનાવવા માટે કામ ચાલી રહ્યું હતું (તસવીર : નિમેશ દવે)

બોરીવલીમાં મે મહિનામાં કૉન્ક્રીટ રોડ બનાવવા માટે કામ ચાલી રહ્યું હતું (તસવીર : નિમેશ દવે)


મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બે વર્ષની અંદર મુંબઈના રોડને ખાડામુક્ત કરવાનું ચૂંટણીવચન આપ્યું છે, પરંતુ ઍક્ટિવિસ્ટો એ પૂરું થવાના મામલે શંકા વ્યક્ત કરી રહ્યા છે. સુધરાઈને પૈસાની કોઈ અછત નથી; પરંતુ રોડના નિર્માણની ઝડપ માટે પાણીપુરવઠાની લાઇન, ઇલેક્ટ્રિક કેબલ, ઇન્ટરનેટ કેબલ જેવી અન્ય જરૂરી લાઇનોને ખસેડવી મહત્ત્વની છે. આ ઉપરાંત પહેલેથી ભીડભાડવાળા રસ્તાઓ બંધ કરવાની પરવાનગી પણ જરૂરી છે. સુધરાઈ ૨૦૨૦-’૨૧માં ૧૨૩ કિલોમીટર રોડ અને ૨૦૨૧-’૨૨માં ૧૯૬ કિલોમીટર રોડ બનાવી શકી હતી. મુખ્ય પ્રધાને આપેલા વચનને યથાર્થ સાબિત કરવા સુધરાઈએ બે વર્ષની અંદર ૮૦૦ કિલોમીટરના કૉન્ક્રીટ રોડ બનાવવા પડે એમ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ રોડ પર ચંદ્ર પર હોય એવા ખાડા જોવા મળ્યા હતા. સુધરાઈએ ખાડા પૂરવાની કામગીરી પુરજોશમાં હાથ ધરી હોવા છતાં રાહત નથી. ખાડાઓ પૂરવા માટેની નવી-નવી ટેક્નિક પણ કામ લાગતી નથી. હવે નવા મુખ્ય પ્રધાને નવા વચનની લહાણી કરી છે. ઍક્ટિવિસ્ટ ગૉડફ્રે પિમેન્ટાએ કહ્યું હતું કે ‘જો રાજકીય ઇચ્છાશક્તિ હોય તો બધું જ શક્ય છે; પરંતુ જૂના અનુભવોને જોતાં આ વચનને ગંભીરતાથી લેવું જોઈએ નહીં, કારણ કે સુધરાઈ પાસે પાણીની પાઇપલાઇન, ઇન્ટરનેટ કેબલ, ટીવીના કેબલ અને પાઇપ વિશે કોઈ જ માહિતી નથી.’



સુધરાઈના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ૨૦૨૩-’૨૪માં ૪૫૦ કિલોમીટરથી વધુ રોડને સિમેન્ટ-કૉન્ક્રીટના કરવાની ખાતરી આપી છે. સુધરાઈએ ગયા વર્ષે એક વર્ષની અંદર ૨૫૦ કિલોમીટરના રોડના નિર્માણની યોજના બનાવી હતી, પરંતુ એમાંથી અડધા જ એક વર્ષમાં પૂરા થયા હતા. ૨૦૨૧-’૨૨માં પણ સુધરાઈએ ૫૦૫ રસ્તાઓ (૨૬૦ કિલોમીટર)ના નિર્માણનું આયોજન કર્યું હતું અને માત્ર ૧૧ જ ચોમાસા પહેલાં પૂરા થયા હતા.


ઍક્ટિવિસ્ટ નિખિલ દેસાઈએ કહ્યું હતું કે ‘સુધરાઈ ડામરના જે રસ્તાઓ બનાવે છે એની ગુણવત્તા એટલી નબળી હોય છે કે એક ચોમાસું પણ ટકી શકતા નથી. તેથી સુધરાઈએ તમામ રસ્તાઓ સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવવાનું જાહેર કર્યું હતું, પરંતુ બે વર્ષમાં તમામ રસ્તાઓને સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવવા ઘણા મુશ્કેલ છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2022 09:35 AM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK