દાદરમાં કપડાંની દુકાનમાં ચોરીને અંજામ આપતી બે મહિલાની પોલીસે કરી ધરપકડ : માલિકને મહિલાઓ પર શંકા જતાં તેમની તપાસ કરી ત્યારે અન્ય દુકાનમાંથી ચોરેલાં કપડાં પણ મળી આવ્યાં
સુવિધા દુકાનમાં ચોરી કરવા આવેલી બે મહિલાઓ.
મુંબઈ ઃ મુંબઈ અને થાણે વિસ્તારમાં આવેલી કપડાંની દુકાનોમાં ખરીદી કરવાના બહાને આવતી મહિલાઓ હાથચાલાકી કરીને કપડાંની ચોરી કરતી હોવાના કેટલાક કિસ્સા સામે આવતા હોય છે. જોકે એમાં ચોરી કરી ગયેલી મહિલાની કોઈ ભાળ લાગતી નથી. દાદરમાં આવેલી સાડીની એક દુકાનમાં ખરીદી કરવા આવેલી મહિલાઓએ પણ હાથચાલાકી કરીને સાડીની ચોરી કરી હતી. જોકે વેપારીની સજાગતાને કારણે ચોરી કરનાર બન્ને મહિલાની શિવાજી પાર્ક પોલીસે ધરપકડ હતી.
દાદર સ્ટેશન નજીક આવેલી સુવિધા દુકાનમાં ૧૩ ઑગસ્ટે બે મહિલા બુરખો પહેરીને ખરીદી કરવા આવી હતી. તેમની સાથે એક છોકરાને પણ લાવી હતી. મહિલાઓએ હાથચાલાકી કરીને ૮૦૦૦ રૂપિયાની એક સાડી ચોરી હતી અને ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દુકાનના માલિક રમણીક મારુને તેના પર શંકા જતાં તેને અટકાવીને દુકાનમાં હાજર મહિલા પાસે તેની ઝડતી લેતાં સાડી અને અન્ય દુકાનોમાંથી ચોરેલાં કપડાં મળી આવ્યાં હતાં. ત્યાર પછી ઘટનાની જાણ શિવાજી પાર્ક પોલીસને કરવામાં આવી હતી. પોલીસે બન્ને મહિલાની ધરપકડ કરી છે.
શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમરીન અબદુલ્લા ખાન અને શબાના જમીલ કુરેશી તરીકે મહિલાઓની ઓળખ થઈ છે. બન્ને મહિલાઓ અંધેરીમાં રહે છે. તેમણે દાદર વિસ્તારમાંની અન્ય દુકાનોમાંથી પણ ચોરી કરી હોવાની માહિતી અમને મળી છે. વધુ તપાસ હાથ ધરી રહ્યા છીએ.’