ભૂતકાળમાં તે પાંચ વખત તો આ જ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી ચૂક્યા છે
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
પુણેમાં શિવાજીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટથી લઈને સ્વારગેટ સુધીની અન્ડરગ્રાઉન્ડ મેટ્રોનું ઉદ્ઘાટન વડા પ્રધાન હવે રવિવારે વર્ચ્યુઅલી કરવાના છે. મૂળમાં ગુરુવારે જ એનું ઉદ્ઘાટન વડા પ્રધાન કરવાના હતા અને એ માટેની તૈયારીઓ પણ થઈ ગઈ હતી. પુણેના એસ. પી. કૉલેજ ગ્રાઉન્ડમાં મંડપ પણ નખાઈ ગયો હતો. જોકે બુધવારે અને ગુરુવારે સખત વરસાદ હોવાને કારણે એ કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો. હવે વડા પ્રધાન એ ઉદ્ઘાટન ઑનલાઇન કરવાના છે એટલું જ નહીં, તેઓ ૫.૪ કિલોમીટર લાંબી સ્વારગેટથી કાત્રજ સુધીની અન્ડરગ્રાઉન્ડ મેટ્રોલાઇનનું ભૂમિપૂજન પણ ઑનલાઇન કરશે એમ સ્થાનિક સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળે કહ્યું હતું.
વડા પ્રધાન મોદી આ ઉદ્ઘાટન સાથે જ ૨૨,૬૦૦ કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ લૉન્ચ કરવાના હતા. દરમ્યાન, કૉન્ગ્રેસ, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર–NCP-SP) અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)નો સમાવેશ કરતી મહા વિકાસ આઘાડીના સમર્થકો અને નેતાઓ ગઈ કાલે શિવાજીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટથી સ્વારગેટ મેટ્રો ચાલુ કરવાના આશયથી શિવાજીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ મેટ્રો સ્ટેશન પહોંચી ગયા હતા. તેમનું કહેવું હતું કે જો વડા પ્રધાન આ ઉદ્ઘાટન ન કરી શકતા હોય તો લોકોને, ટૅક્સપેયરોને અને પુણેકરોને વધુ રાહ જોવડાવવાને બદલે અમે જ સિનિયર સિટિઝનોના હાથે એનું ઉદ્ઘાટન કરીને એ લાઇન ચાલુ કરાવી દઈએ. તેમના એ વલણને જોતાં શિવાજીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ મેટ્રો સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરી દેવાઈ હતી. જોકે એ પછી વડા પ્રધાનના હાથે રવિવારે જ ઑનલાઇન ઉદ્ઘાટન થવાની જાહેરાત થતાં મામલો થાળે પડ્યો હતો.
ADVERTISEMENT
વડા પ્રધાનની વિઝિટ કૅન્સલ થયા બાદ બારામતીનાં સંસદસભ્ય અને NCP-SPનાં નેતા અને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ આ ઉદ્ઘાટન ઑનલાઇન કરી દેવું જોઈએ, કેમ કે ભૂતકાળમાં તે પાંચ વખત તો આ જ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી ચૂક્યા છે.