વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુંબઈ આવીને મહાયુતિના વિધાનસભ્યોને આપ્યા વિવિધ મંત્ર
ગઈ કાલે સવારે નેવલ ડૉકયાર્ડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તેઓ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કરવા આવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે મુંબઈની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે મહારાષ્ટ્રના સત્તાધારી પક્ષોના ૨૩૦ વિધાનસભ્યો સાથે એક બેઠક કરી હતી, જેમાં વડા પ્રધાને ભારતીય જનતા પાર્ટી (BJP), અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને એકનાથ શિંદેની શિવસેનાના વિધાનસભ્યોને લોકોના મન જીતીને લાંબા સમય સુધી સત્તા જાળવી રાખવા માટેનો મંત્ર આપ્યો હતો.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મહાયુતિ તરીકે સંગઠનને વધારવા પર ધ્યાન આપો. મહાયુતિમાં સામેલ પક્ષોની વચ્ચે એકસૂત્રતા વધારવા માટે મતદારસંઘમાં સાથીપક્ષોના વિધાનસભ્ય, પદાધિકારી અને તેમની ઑફિસની મુલાકાત કરો. મહાયુતિને વધુ શક્તિશાળી બનાવવા ગામેગામ ડબ્બા-પાર્ટીનું આયોજન કરો. ગુજરાતમાં ગ્રામપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભામાં BJPએ ડબ્બા-પાર્ટીનું આયોજન કરીને સત્તા કાયમ રાખી છે. વિધાનસભ્યોએ તેમના મતદારસંઘની કાળજી રાખવાની સાથે પોતાની તબિયતનું પણ ધ્યાન રાખવું જોઈએ. હું સવારના વહેલો જાગીને યોગ-પ્રાણાયમ કરીને મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખું છું એ રીતે તમારે પણ ફિટ રહેવું જરૂરી છે. પત્ની, માતા-પિતા અને સંતાનોને પણ સમય આપો. પોતાના હાથે કોઈ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું. મીડિયામાં વાત કરતી વખતે સંભાળીને બોલવું. પોતાના મતદારક્ષેત્રમાં જે લોકોએ તમને મત નથી આપ્યા તેમનો સંપર્ક કરીને તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. વિધાનપરિષદના સભ્યોએ પણ એક મતદારસંઘ દત્તક લઈને સારું કામ કરવું જોઈએ. અધિકારીઓ સાથે કામ નિમિત્તે બોલતી વખતે નમ્રતા રાખીને કામ કરાવીને લો. આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તો તમારી લોકપ્રિયતામાં વધારો થવાની સાથે લાંબા સમય સુધી સત્તામાં રહી શકશો.’
ADVERTISEMENT
ભારતને સમજવા અધ્યાત્મને આત્મસાત કરવો પડશેઃ નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવી મુંબઈના ખારઘરમાં ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શ્યસનેસ (ISKCON-ઇસ્કૉન) દ્વારા નવા બાંધવામાં આવેલા શ્રી શ્રી રાધા મદનમોહન ટેમ્પલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે તેમણે કહ્યું હતું કે ‘જેવી રીતે ઇસ્કૉન સેવાના ભાવથી કામ કરે છે, મને સંતોષ છે કે અમારી સરકાર પણ આવા જ સેવાભાવથી કામ કરી રહી છે. આ મંદિરમાં અધ્યાત્મની સાથે તમામ પરંપરાનાં દર્શન થાય છે. અહીં ‘રામાયણ’ અને ‘મહાભારત’નાં મ્યુઝિયમ પણ બનાવવામાં આવી રહ્યાં છે. મારા જીવનમાં પ્રભુપાદજી સ્વામીનું અલગ સ્થાન છે. જ્યારે આપણો દેશ ગુલામ હતો અને ચારેતરફ અંધકાર ફેલાયેલો હતો ત્યારે તેમણે ઇસ્કૉન જેવું મિશન શરૂ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે તેમની અથાગ ભક્તિના આશીર્વાદ જોડાયેલા છે. આજે તેઓ ભૌતિક શરીર સાથે આપણી વચ્ચે નથી, પણ તેમની અધ્યાત્મિક ઉપસ્થિતિનો આપણે બધા અનુભવ કરી રહ્યા છીએ. દુનિયાભરમાં ફેલાયેલા ઇસ્કૉનના અનુયાયી ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિની દોરીથી બંધાયેલા છે. તેમને એકબીજા સાથે કનેક્ટ કરનારું બીજું એક સૂત્ર છે શ્રી પ્રભુપાદ સ્વામીના વિચારોનું સૂત્ર. ભારત ભૌગોલિક સીમામાં બંધાયેલો એક જમીનનો ટુકડો નથી; ભારત એક જીવંત ધરતી છે, એક જીવંત સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિની ચેતના છે અહીંનું અધ્યાત્મ. આથી ભારતને સમજવા માટે અધ્યાત્મને આત્મસાત કરવો પડશે.’
શિવાજી મહારાજની ભૂમિમાં નૌસેનાને સશક્ત બનાવવાની દિશામાં એક મોટું પગલું
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આર્મી ડે નિમિત્તે મુંબઈમાં બે યુદ્ધજહાજ INS સુરત અને INS નીલગિરિ ઉપરાંત INS વાઘશીર નામની સબમરીન નૌસેનાને સમર્પિત કરી હતી. વડા પ્રધાને આ સમયે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજે નૌસેનાને એક નવી તાકાત અને દૃષ્ટિ આપી હતી. આજે ભારત સરકારે શિવાજી મહારાજની ભૂમિમાં ભારતની એકવીસમી સદીની નૌસેનાને સશક્ત બનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. ભારતના નૌસેનાના ઇતિહાસમાં પહેલી વખત સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવેલી મિસાઇલ ડિસ્ટ્રૉયર, ફ્રિગેટ અને સબમરીન નૌસેનામાં સામેલ કરવામાં આવ્યાં છે. આજે ભારત દુનિયામાં એક મુખ્ય સામુદ્રિક શક્તિના રૂપમાં ઊભરી રહ્યું છે એની એક ઝલક આજે સમર્પિત કરવામાં આવેલાં આ બે યુદ્ધજહાજ અને સબમરીન છે.’
વડા પ્રધાનની મીટિંગમાં અજિત પવારના ૧૦ વિધાનસભ્યોએ દાંડી મારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગઈ કાલે મુંબઈની મુલાકાત દરમ્યાન મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી, અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેનાના તમામ વિધાનસભ્ય અને વિધાન પરિષદના સભ્યોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અજિત પવાર સહિત તેમના ૪૧માંથી ૩૧ વિધાનસભ્ય હાજર રહ્યા હતા, જ્યારે તેમના પક્ષના વરિષ્ઠ નેતા દિલીપ વળસે પાટીલ અને છગન ભુજબળ, ધનંજય મુંડે, સરોજ અહિરે, રાજુ નવઘરે, પ્રકાશ સોળંકે, ઇદ્રીસ નાઈકવાડી સહિત ૧૦ વિધાનસભ્ય ન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

