કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સના અસોસિએશને સમાજને આ ઝુંબેશમાં જોડાવાની હાકલ કરી
પ્રતીકાત્મક તસવીર
આજના સોશ્યલ મીડિયાના સમયમાં આપણે એક પળ માટે પણ મોબાઇલથી દૂર નથી રહી શકતા ત્યારે એક આખો દિવસ એનાથી દૂર રહેવાનું કહેવામાં આવે તો મોટા ભાગના લોકો આવા સૂચનને ફગાવી દેશે. અત્યારે જૈન ધર્મનું પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે અને આવતી કાલે એટલે કે સાતમી સપ્ટેમ્બરે સંવત્સરી છે એને ધ્યાનમાં રાખીને એક દિવસની શાંતિ રાખવા માટે કચ્છી વીસા ઓસવાળ ચાર્ટર્ડ ઍન્ડ કૉસ્ટ અકાઉન્ટન્ટ્સ અસોસિએશન (CVOCA)એ આ નો વૉટ્સઍપ ડે અભિયાન શરૂ કર્યું છે જેને બહુ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે.
આ અભિયાન વિશે CVOCAના અધ્યક્ષ વિનીત ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈની હાડમારીવાળી જિંદગી વચ્ચે સોશ્યલ મીડિયામાં આવતા મેસેજ આપણને ડિસ્ટ્રૅક્ટ કરી દે છે. દર મિનિટે મેસેજ આવે છે જેને લીધે આપણો ઘણો સમય એ ચેક કરવામાં જાય છે. સવારના આંખ ખૂલે ત્યારથી રાત્રે આંખ બંધ થાય ત્યાં સુધી વૉટ્સઍપમાં આપણો કીમતી સમય વેડફાય છે. હું જૈન છું એટલે છેલ્લા ઘણા સમયથી સંવત્સરીના સમયે આઠ દિવસ મોબાઇલનું ઇન્ટરનેટ બંધ રાખતો હતો. જોકે હવે મેસેજ ન આવ્યો હોય તો પણ થોડી-થોડી વારે મોબાઇલ જોવાની આદત પડી ગઈ છે. આ વાત મારા ધ્યાનમાં આવતાં અમારા અસોસિએશનનમાં મુંબઈના ૨૫૦૦ જેટલા જૈન, ગુજરાતી અને કચ્છી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ છે તેમને આ આદતથી એક દિવસ છુટકારો મેળવવા સંવત્સરીમાં નો વૉટ્સઍપ ડે ઝુંબેશ શરૂ કરવાનું સૂચન કર્યું હતું. બધાએ સંમતિ આપતાં પંદર દિવસ પહેલાં અમે પોસ્ટર અને બૅનર બનાવીને જૈન દેરાસર, ઉપાશ્રય અને સંસ્થાઓમાં લગાવવાની શરૂઆત કરી હતી. એટલું જ નહીં, સોશ્યલ મીડિયામાં વિડિયો તૈયાર કરીને લોકોને અપીલ કરી છે. મને લાગતું હતું કે લોકો આ અભિયાનને બહુ ગંભીરતાથી નહીં લે. જોકે મને આશ્ચર્ય છે કે આ અભિયાનને બહુ સારો રિસ્પૉન્સ મળ્યો છે. અમે થોડી વહેલી શરૂઆત કરી હોત તો કદાચ સમાજના વધુ લોકો સુધી પહોંચી શક્યા હોત. અપેક્ષા મુજબની સફળતા મળશે તો આવતા વર્ષે માત્ર વૉટ્સઍપ જ નહીં, મોબાઇલમાં નેટવર્ક જ બંધ કરવાની ઝુંબેશ કરીશું.’
ADVERTISEMENT
જીવંત સત્ય અને જીવંત સંબંધ
એક દિવસ વૉટ્સઍપથી દૂર રહેવા માટે કેવી અપીલ કરવામાં આવી છે એ વિશે વિનીત ગડાએ કહ્યું હતું કે અમે ‘આ દિવસ આપણો છે, આપણી મનોશાંતિનો છે’, ‘જીવંત સત્ય અને જીવંત સંબંધ’ અને ‘મનોશાંતિ અને સંબંધોને બચાવવા અભિયાનમાં જોડાઓ’ એવા મેસેજ, બૅનર, પોસ્ટર અને વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યાં હતાં.