° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


સો સલામ કરીએ આ અમદાવાદી કન્યાને

28 November, 2012 03:25 AM IST |

સો સલામ કરીએ આ અમદાવાદી કન્યાને

સો સલામ કરીએ આ અમદાવાદી કન્યાનેશૈલેશ નાયક

અમદાવાદ, તા. ૨૮

હાલમાં લગ્નની સીઝન બરોબરની જામી છે ત્યારે અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા કોબામાં આવતી કાલે અમદાવાદની પલક અને મુંબઈના બોરીવલીમાં રહેતા ચિરાગનાં લગ્ન યોજાશે. આ લગ્ન સામાન્ય લગ્ન કરતાં કંઈક વિશેષ કહી શકાય એવાં છે, કારણ કે એમાં મહાલવા માટે ઘરડાઘરના ૨૦૦ જેટલા વૃદ્ધોને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમની અલાયદી રીતે આગતાસ્વાગતા કરવામાં આવશે.

પલક દકે (જૈન) તેનાં લગ્ન નિમિત્તે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવનસંધ્યા નામના વૃદ્ધાશ્રમના ૨૦૦ વૃદ્ધોને દીકરીપક્ષે હાજર રહેવા ખાસ હેતભર્યું આમંત્રણ પાઠવ્યું છે એટલું જ નહીં, પલકે એક અનોખો નિર્ણય પણ કર્યો છે કે તેનાં લગ્નમાં જે ચાંદલો આવશે એ તમામ જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે આપી દેવામાં આવશે તેમ જ લગ્ન બાદ હનીમૂન પર નહીં જાય અને એ માટે જે ખર્ચ થવાનો હશે એ પણ વૃદ્ધાશ્રમમાં આપી દેશે.

બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં ગ્રૅજ્યુએશન અને ફૅશન-ડિઝાઇનિંગનો અભ્યાસ કરનાર પલકે તેના આ નિર્ણય વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં લગ્નમાં મમ્મી-પપ્પાના આર્શીવાદ સાથે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના આર્શીવાદ મળી રહે તેમ જ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને લગ્નપ્રસંગમાં જવાનું બહુ જ ઓછું થતું હોય ત્યારે મને એવું લાગ્યું કે આ વૃદ્ધોને મારાં લગ્નમાં બોલાવું તો? આપણે વૃદ્ધાશ્રમમાં જઈને તેમને કોઈ વસ્તુ આપીએ, જમાડીએ કે થોડી ક્ષણો તેમની સાથે વિતાવીએ એના કરતાં તેમને લગ્નપ્રસંગમાં લઈ આવીએ તો આ વૃદ્ધોને કેટલો આનંદ આવે? અને મેં નિર્ણય કર્યો કે મારાં લગ્નમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો આવશે અને લગ્નને એન્જૉય કરશે. બસ આ વાત મારા મનમાં બેસી ગઈ. મેં ઘરમાં આ બાબતે જાણ કરી અને મારી ફૅમિલીએ પણ મારા નિર્ણયને વધાવી લીધો.

આ સાથે એવો નિર્ણય પણ કર્યો કે લગ્નમાં જે ચાંદલો આવશે એ આ વૃદ્ધોને આપવાનો તેમ જ અમે હનીમૂન પર નહીં જઈએ અને એનો ખર્ચ જે થતો હશે એટલી રકમ પણ આપી દેવામાં આવશે. મારી ફૅમિલીમાંથી મને સંસ્કાર મળ્યાં છે એટલે હું ફ્રેન્ડ્સ સાથે ઘણી વખત વૃદ્ધાશ્રમમાં જતી-આવતી રહું છું એટલે આ વડીલો સાથે મને એક પ્રકારનું અટૅચમેન્ટ છે.’

પલકનાં જેની સાથે મૅરેજ થવાનાં છે તે મુંબઈમાં રહેતા અને કમ્પ્યુટર-હાર્ડવેરનું કામ કરતા ચિરાગ મહેતાએ પણ પલકના નિર્ણયને મંજૂરીની મહોર મારી દીધી છે. પલકે કહ્યું હતું કે ‘ચિરાગને જ્યારે આ વાત કરી ત્યારે તેને અને તેની ફૅમિલીને પણ આ વાતથી ખુશ થઈ હતી. ચિરાગે મને કહ્યું હતું કે તારા આ નિર્ણયમાં હું તારી સાથે છું.’

પલકે યંગસ્ટરને મેસેજ આપતાં કહ્યું હતું કે ‘આપણે એ સ્થિતિ જ ન લાવવી જોઈએ કે માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં રહેવા જવું પડે. આપણે આપણા સંસ્કારોથી ઘરનું સિંચન કરીએ જેથી માતા-પિતા દુખી થઈને ઘર ન છોડે.’

અમદાવાદમાં વાસણ બનાવવાની ફૅક્ટરી ધરાવતા પલકના પિતા સુરેશભાઈ અને માતા દક્ષાબહેનને તેમની દીકરીના નિર્ણય પર ગર્વ છે. સુરેશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘરડાઘરમાં રહેતા વૃદ્ધો લગ્નપ્રસંગ ક્યારે માણે? જો તેઓ અમારે ત્યાં લગ્નમાં આવે તો તેમને કેટલી ખુશી થાય? અને મારી દીકરીને આર્શીવાદ પણ મળે.’દીકરીનો વિવાહપ્રસંગ માણવા જવાનું હોવાથી વૃદ્ધાશ્રમના વૃદ્ધો હરખઘેલા બન્યા

ગઈ કાલે સાંજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમની વૃદ્ધાઓએ હરખઘેલી થઈને પલકનાં લગ્ન-ગીતો ગાયાં હતાં.

જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મંડળના સભ્ય ફરશુભાઈ કક્કડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પલકના લગ્નનું આમંત્રણ મળતાં તમામ વૃદ્ધોમાં જાણે કે તેમના ઘરે તેમની દીકરીનાં લગ્નમાં જવાનો આનંદ હોય એવો આનંદ વ્યાપી ગયો છે. પોતાના દીકરાની દીકરીનાં લગ્નપ્રસંગમાં નહીં જઈ શકનાર નારણપુરાના વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને ખાસ કરીને માજીઓ દીકરીનો વિવાહપ્રસંગ માણવા જવાનું હોવાથી હરખઘેલા થઈ ગયાં. તમામ વૃદ્ધો ચિ. પલક અને ચિ. ચિરાગને આર્શીવાદ આપશે.’

28 November, 2012 03:25 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

દસમાના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તો આવ્યું, પણ ‘પરીક્ષા’ હજી બાકી

અગિયારમા ધોરણમાં ઍડ્‍‍‍‍મિશનને લઈને એટલા ગૂંચવાડા ઊભા થયા છે કે સીઈટી માટે કઈ રીતે તૈયારી કરવી એને લઈને સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ દ્વિધામાં

30 July, 2021 10:07 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

વરસાદમાં થાણેમાં બ્રિજ ધોવાઈ ગયો, મુમ્બ્રા બાયપાસ રોડને પણ નુકસાન

થાણે અને એની નજીકના વિસ્તારોમાં ગયા સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે

30 July, 2021 08:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

રશ્મિ શુક્લાએ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરીને ફોનટૅપિંગની મંજૂરી મેળવી હતી: નવાબ

શું રશ્મિ શુક્લાએ તત્કાલીન મુખ્ય પ્રધાનની પરવાનગી લીધી હતી? એમ ૨૦૧૪-’૧૯ દરમિયાન મુખ્ય પ્રધાન રહેલા દેવેન્દ્ર ફડણવીસ તરફ આડકતરો ઇશારો કરતાં નવાબ મલિકે સવાલ કર્યો હતો

30 July, 2021 08:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK