Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પહેલાં સંવાદ ને પછી જંગ

પહેલાં સંવાદ ને પછી જંગ

25 September, 2022 10:14 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

આવા સંકેત શ્રી રાણકપુર અને શ્રી મૂછાળા મહાવીર તીર્થની માલિકી સંબંધી વિવાદમાં આગળની વ્યૂહરચના વિશે શ્રી પંડિત મહારાજે આપ્યા : આજે બોરીવલીમાં શ્રી પંડિત મહારાજની નિશ્રામાં ધર્મસભા યોજાશે

જૈન તીર્થ

જૈન તીર્થ


આણંદજી કલ્યાણજી પેઢીનું કહેવું છે કે આ વાત વાહિયાત છે અને બન્ને તીર્થની માલિકી અને વહીવટ પેઢીના હાથમાં જ છે

રાજસ્થાનના રાણકપુરમાં આવેલા વિશ્વવિખ્યાત શ્રી રાણકપુર તીર્થની માલિકી એના વહીવટકર્તા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની બેદરકારીને લીધે જૈનોના હાથમાંથી ઝૂંટવીને રાજસ્થાન સરકારના હાથમાં જતી રહી છે એવો દાવો દસ્તાવેજી પુરાવા સાથે પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી વિજયયુગભૂષણસૂરીશ્વરજી મહારાજ (પંડિત મહારાજ) તરફથી કરવામાં આવતાં જૈન સમાજમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. ખળભળાટ સાથે જૈન સંઘોમાં બંને પક્ષોમાંથી કોણ સાચું છે એ મુદ્દે ગૂંચવણો પણ ઊભી થઈ છે. એની સામે આજે પંડિત મહારાજા બોરીવલીના સાંઈનગરમાં આવેલા ગીતાર્થ ગંગા સંકુલમાં સવારે નવ વાગ્યે એક ધર્મસભાનું આયોજન કરીને આ બાબતની વધુ વિસ્ફોટક માહિતી આપશે અને આ તીર્થની માલિકી સરકારના હાથમાંથી કેવી રીતે પાછી લઈ શકાય એના ઉપાયો અને માર્ગદર્શન જૈન સમાજને આપશે. જોકે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ પંડિત મહારાજનો આ દાવો વાહિયાત છે એમ કહીને આખા મામલાને રદિયો આપ્યો છે. આ મામલે હવે પછીની રણનીતિ વિશે પૂછ્યું ત્યારે પંડિત મહારાજે કહ્યું હતું કે ‘અમે સૌથી પહેલાં રાજસ્થાન સરકાર સમક્ષ અમારી માલિકી બાબતની રજૂઆત કરીશું. જો સરકાર આ મુદ્દે ગંભીર થઈને આ તીર્થોની માલિકી જૈન સંઘોને સોંપી દેશે તો કાયદાકીય લડતની જરૂર પડશે નહીં. ’



આખો મામલો શું છે?
રાણકપુર તીર્થમાં આજથી આશરે ૬૦૦ વર્ષ અગાઉ રાજસ્થાનના જૈન શ્રેષ્ઠીવર્ય ધરણાશાએ રાણા પાસેથી જમીન લઈને ૧,૪૪૪ થાંભલાવાળા શિલ્પસ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ ભવ્ય જિનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ માહિતી આપતાં પંડિત મહારાજેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિર્માણ પછી વર્ષો સુધી આ તીર્થનો વહીવટ નજીક આવેલા સાદડી ગામના શ્રાવકો સંભાળતા હતા. ઈ.સ. ૧૮૯૭માં સાદડીના શ્રી સંઘે શ્રી રાણકપુર અને ૧૯૬૪માં ધાણેરાવના આગેવાનોએ શ્રી મૂછાળા મહાવીર તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સોંપ્યો હતો. ત્યાર બાદ ૧૯૩૦માં જોધપુર રાજ્યે પટ્ટો જારી કરીને રાણકપુર તીર્થની માલિકી રાણકપુર જૈન મંદિરની હોવાની હકીકત પર મંજૂરી આપી હતી. જોકે ૧૯૪૨માં તત્કાલીન રાજ્યે રાણકપુર તીર્થની જમીનની માલિકી પોતાના ચોપડે ચડાવી દીધી હતી. આ વાતને પેઢીએ ગુપ્ત રાખી હતી. ભારતને સ્વતંત્રતા મળી એ પછી રાણકપુર તીર્થના લૅન્ડ રેકૉર્ડ સ્વતંત્ર ભારતની રાજસ્થાન સરકારના નામે ચડાવવામાં આવ્યા હતા. ત્યારે પણ પેઢીએ જૈન સમાજને આ માહિતીથી અજાણ રાખ્યો હતો. રાજસ્થાન સરકારે ૧૯૫૦માં રાણકપુર તીર્થ અને મૂછાળા મહાવીર તીર્થને ફૉરેસ્ટ જાહેર કર્યું હતું. ત્યારે પણ પેઢીના સંચાલકો ઊંઘતા રહ્યા હતા. તેમણે સરકાર સમક્ષ માલિકી પોતાની હોવાના પુરાવા રજૂ કરીને માલિકી પુરવાર કરવાના પ્રયાસો કર્યા નહોતા. રાજસ્થાન સરકારે ૧૯૭૧માં એને સંરિક્ષત ક્ષેત્ર જાહેર કરતી વખતે રિઝર્વ ફૉરેસ્ટની સીમા ફરીથી અંકિત કરવા દ્વારા સરકારની માલિકી પુનઃ પ્રસ્થાપિત કરી ત્યારે પણ પેઢીએ સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો નહોતો.’
પંડિત મહારાજાએ વધુમાં કહ્યું હતું કે ‘રાજસ્થાન સરકારે ૧૯૯૭માં શ્રી રાણકપુર તીર્થ, શ્રી મૂછાળા મહાવીર અને એની આસપાસના વિસ્તારને કુંભલગઢ વન્યજીવ અભયારણ્ય બનાવવાની જાહેરાત કરી હતી. સરકારે ૧૯૯૮માં આ બંને તીર્થનો સમાવેશ વન્યજીવ અભયારણ્યમાં કર્યો હતો. ત્યારે પણ પેઢીએ એના પણ લક્ષ આપ્યું નહોતું. પેઢીને જ્યારે આ બાબતનો ખ્યાલ આવ્યો ત્યારે પેઢીએ આ બાબતની શ્રી જૈન સંઘને જાણકારી આપવાને બદલે રાજકીય ધોરણે પ્રયત્નો હાથ ધર્યા હતા. એમાં પૂરી સફળતા ન મળતાં પેઢીએ ૨૦૦૬ની સાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીમાં રજૂઆત કરી કે આ બંને તીર્થોને રિઝર્વ ફૉરેસ્ટ અને વન્યજીવ અભયારણ્યની સીમામાંથી બહાર રાખવામાં આવે. કમિટીએ પેઢીની માગણી ઠુકરાવી દીધી અને જાહેર કર્યું કે આ બંને તીર્થોની જમીન પર પેઢીને માત્ર ‘પરમિસિવ પઝેશન’ આપવું જોઈએ. એનો સીધો અર્થ એવો થાય છે કે સરકારની જ્યાં સુધી પરવાનગી હોય ત્યાં સુધી જ પેઢી આ તીર્થ પર કબજાનો અધિકાર ધરાવી શકે છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે પેઢીએ આ રિપોર્ટનો વિરોધ કરવાને બદલે એના પર મંજૂરીની મહોર મારીને કાંડાં કાપી આપ્યાં હતાં. આમ સુપ્રીમ કોર્ટમાં આ બંને તીર્થોની માલિકી માટેનો કેસ હારી ગયા પછી પણ પેઢીએ આ તીર્થોને પાછાં મેળવવાને બદલે શ્રી જૈન સંઘને આજ સુધી અંધારામાં રાખ્યો છે.


પેઢી તરફથી કોઈ જવાબ નથી
મારી પાસે થોડા મહિના પહેલાં આ ગંભીર હકીકતના દસ્તાવેજી પુરાવાઓ આવી ગયા હતા એમ જણાવીને પંડિત મહારાજે કહ્યું હતું કે ‘મેં તરત જ પેઢીને પત્ર લખીને આખા મામલા પર પ્રકાશ પાડવા કહ્યું હતું. જોકે આજ સુધી પેઢી તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આ બાબતની જાણકારી બધા જ ગચ્છાધિપતિઓને આપવા છતાં તેમના તરફથી પણ કોઈ જ જાતનો પ્રતિસાદ મળ્યો નથી. એને પગલે મારા માર્ગદર્શન હેઠળ ચાલતી જ્યોત સંસ્થા દ્વારા સોશ્યલ મીડિયા પર આ બંને તીર્થોની જાગૃતિની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આથી જાગૃત બનેલા જૈન સંઘો દ્વારા આ તીર્થોની માલિકી પાછી જૈન સંઘોના હાથમાં લાવવા માટે તેમણે શું કરવું જોઈએ એ સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે.’

આજે બોરીવલીમાં તીર્થરક્ષા માટે ધર્મસભા  
શ્રી જૈન સંઘોના આ સવાલનો જવાબ આપવા અને શ્રી રાણકપુર અને શ્રી મૂછાળા મહાવીર તીર્થની માલિકીના સત્યની જૈન સમાજને જાણ કરવા માટે આજે બોરીવલીમાં શ્રી પંડિત મહારાજની નિશ્રામાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સવારે ૯થી ૧૦ વાગ્યા સુધી પંડિત મહારાજ બંને તીર્થોની માલિકી બાબતના દસ્તાવેજી પુરાવા સાથે જૈન સંઘોને અને જૈન સમાજને જાણકારી આપશે. ત્યાર બાદ ત્યાં હાજર રહેલા લોકો તેમના મનમાં જે કોઈ શંકાકુશંકા હોય તો એના સવાલો રજૂ કરશે જેના પંડિત મહારાજ તરફથી જવાબ આપવામાં આવશે. અંતમાં પંડિત મહારાજા આ તીર્થોની માલિકી કેવી રીતે પાછી મેળવી શકાય એ માટેનું માર્ગદર્શન આપશે.


આખી વાત વાહિયાત છે
પંડિત મહારાજના દાવાની સ્પષ્ટતા કરવા ‘મિડ-ડે’એ સૌથી પહેલાં શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી સંવેગ શાહનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. જોકે તેમના તરફથી ફોનનો કે મેસેજનો કોઈ જ જવાબ મળ્યો નહોતો. ત્યાર પછી શ્રી રાણકપુર તીર્થના અત્યારના સંચાલક જસરાજ માળી સાથે વાતચીત કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હૈતું કે ‘શ્રી રાણકપુર તીર્થ અને શ્રી મૂછાળા મહાવીર તીર્થની માલિકી અને વહીવટ બંને હજી પણ પેઢીના હાથમાં જ છે. સરકાર તરફથી આ મુદ્દે કોઈ પણ હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો નથી.’ આવો જ જવાબ પાલિતાણામાં શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના જનરલ મૅનેજર હર્ષદભાઈએ ‘મિડ-ડે’ને આપ્યો હતો. તેમણે પંડિત મહારાજાના દાવાને વાહિયાત ગણાવ્યો હતો. 

પેઢી તેમના પુરાવા રજૂ કરે
શ્રી આણંદજી કલ્યાણજી પેઢી પાસે તેમની વાતને સત્ય સાબિત કરવાના કોઈ દસ્તાવેજી પુરાવા હોય તો તેઓ જૈન સંઘો સમક્ષ એને રજૂ કરે એમ જણાવતાં પંડિત મહારાજાએ કહ્યું હતું કે ‘જો તેઓ પુરાવા આપવામાં સફળ જશે તો અમે અમારી ઝુંબેશને રોકીને મિચ્છા મિ દુક્કડમ્ કહેવા તૈયાર છીએ.’

શું તમે કાયદાકીય લડત લડશો?
શ્રી આણંદજી કલ્યાણજી પેઢી આ બંને તીર્થોના માલિકીના મુદ્દે મૌન રહેશે તો શું તમે આ મુદ્દે કાયદાકીય લડત લડશો? આ સંદર્ભમાં પંડિત મહારાજાએ કહ્યું હતું કે ‘અમે સૌથી પહેલાં રાજસ્થાન સરકાર સમક્ષ અમારી માલિકી બાબતની રજૂઆત કરીશું. જો સરકાર આ મુદ્દે ગંભીર થઈને આ તીર્થોની માલિકી જૈન સંઘોને સોંપી દેશે તો કાયદાકીય લડતની જરૂર પડશે નહીં, પણ જો સરકાર તરફથી સકારાત્મક વલણ અપનાવવામાં નહીં આવે તો આગળની રણનીતિ અમે નક્કી કરીશું.’

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 10:14 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK