Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખેડૂતોની વહારે આવેલી સરકારે વેપારીઓની હાલત કરી નાખી ખરાબ

ખેડૂતોની વહારે આવેલી સરકારે વેપારીઓની હાલત કરી નાખી ખરાબ

22 September, 2023 10:20 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

અન્નદાતા પાસેથી ૨૪ રૂપિયે કિલો કાંદા લઈને ગવર્નમેન્ટ એને નુકસાન કરીને દિલ્હી અને દક્ષિણનાં રાજ્યોમાં ૧૮ રૂપિયામાં વેચે છે, પણ ટ્રેડર્સ જો એવું કરવા જાય તો એને એક ટ્રક પાછળ અંદાજે ત્રણ લાખ રૂપિયાનો થઈ રહ્યો છે લૉસ.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


આ તકલીફનું નિરાકરણ લાવવાના આશય સાથે તેમણે કરી દીધી છે બેમુદત માર્કેટ બંધ 


સરકાર એણે નક્કી કરેલા ૨૪ રૂપિયે ‌પ્રતિ કિલોના ભાવથી કાંદા ખરીદીને દિલ્હી અને અન્ય રાજ્યોમાં ૧૮ રૂપિયે પ્રતિ કિલો વેચી રહી છે. આમ સરકાર પ્રતિ કિલોએ છ રૂપિયાનું નુકસાન કરી રહી છે. નાશિકના કાંદાના વેપારીઓ કહે છે કે અમે ખેડૂતો પાસેથી ૨૪ રૂપિયે કિલો કાંદા ખરીદીએ છીએ અને પછી એને અન્ય રાજ્યોમાં મોકલવા પાછળ ત્રણ રૂપિયા કિલોએ ટ્રાન્સપોર્ટ અને અન્ય ચાર્જ ચૂકવીએ છીએ એટલે કાંદા ૨૭ રૂપિયે કિલો ઘરમાં પડે છે. આ કાંદાને અમે સરકાર જે ‍રીતે છ રૂપિયા નુકસાન કરીને દિલ્હી અને સાઉથના રાજ્યોમાં વેચી રહી છે એ અમારા માટે અશક્ય છે. અમને એક ટ્રક કાંદા પાછળ અંદાજે ત્રણ લાખ રૂપિયા નુકસાની ભોગવવી પડે છે. આટલું મોટું નુકસાન કરીને ધંધો કરવા કરતાં અમે અમારો કાંદાનો બિઝનેસ બંધ કરી દઈએ એ જ અમારા માટે યોગ્ય છે. આમ પણ સરકારે કાંદા પર ૪૦ ટકા એક્સપોર્ટ ડ્યુટી લાદી દીધા પછી કાંદાનો ખૂબ જ ભરાવો થઈ ગયો છે જેને પ‌રિણામે અમે આર્થિક મંદી ભોગવી રહ્યા છીએ. આ બધા સંજોગોને કારણે અમારે નાછૂટકે માર્કેટ બંધ કરવી પડી છે.



સરકારનું કામ ઍડ્મિનિસ્ટ્રેશનનું છે, પરંતુ આ સરકાર અભ્યાસ વગર કાંદાના બિઝનસમાં કૂદી પડી છે જેને કારણે કાંદાના બિઝનેસમાં અરાજકતા ફેલાઈ છે એમ જણાવતાં વર્ષો જૂના કાંદાના એક્સપોર્ટર નીતિન પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારને બે-ચાર કરોડ રૂપિયા નુકસાન કરવાથી કોઈ ફરક પડતો નથી, જ્યારે કાંદાના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. પહેલાં તો અચાનક એક્સપોર્ટ ડ્યુટી લાદીને સરકારે ઑલરેડી એક્સપોર્ટ માટે બંદરો પર તૈયાર ઊભેલાં કાંદાનાં કન્ટેનરો પાછાં વાળીને વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી કરી દીધી છે. આની અસર ખેડૂતોને પણ થાય છે. સરકારે લીધેલા એક્સપોર્ટ ડ્યુટીના નિર્ણયથી વેપારીઓએ માલ સસ્તો વેચવાની નોબત આવી એટલે વેપારીઓએ તેમની પાસે એક્સપોર્ટના ઑર્ડર હોવા છતાં ખેડૂતો પાસેથી કાંદા ખરીદવાના બંધ કરી દીધા. આથી ખેડૂતો પાસે માલનો ભરાવો થઈ ગયો છે. સરકાર તેમને ૨૪ રૂપિયે કિલો કાંદાના ભાવ આપીને સસ્તામાં માલ વેચવાથી વેપારીઓએ ફરીથી એક વાર માલ ખરીદવાનો બંધ કરી દેતાં ખેડૂતો પાસે અત્યારે માલનો જબરો ભરાવો થઈ ગયો છે. સરકારની એજન્સી નાફેડ ક્યાં સુધી અને કેટલો માલ ખેડૂતો પાસેથી ખરીદશે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. સરકાર નાશિકમાંથી ૨૪ રૂપિયે માલ ખરીદી સાઉથમાં અને દિલ્હીમાં ૧૮ રૂપિયે કિલો વેચી રહી છે, જેની ગુણવત્તા સામે પણ પ્રશ્ન ઊભો થાય છે. સરકારે જો ગ્રાહકોને ફાયદો આપવો છે તો ખરીદેલા કાંદા રીટેલમાં સસ્તા ભાવે રૅશિનિંગની દુકાનોના માધ્યમથી વેચવા જોઈએ. સરકાર આમ પણ કરી રહી નથી એટલે ‍ગ્રાહકો સુધી પણ ફાયદો પહોંચી રહ્યો નથી.’


સરકારની નવી ની‌તિથી સ‍રકારને નામ મળ્યું હશે, પણ અમને દામ મળ્યા નથી એમ જણાવતાં પુણે પાસે કાંદાની ખેતી કરી રહેલા સંતોષ ધાગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારની નવી પૉલિસીથી અમે તો હતા ત્યાંના ત્યાં જ છીએ. સરકારની મધ્યસ્થી વગર અમારા અને વેપારીઓ વચ્ચે સારા સંબંધો હતા અને અમને આર્થિક સહાય પણ મળતી હતી. એક્સપોર્ટ બંધ થઈ જતાં અમારા ઘરમાં કાંદાનો ભરાવો થવા લાગ્યો છે, જે સમય જતાં બગડી જશે. અમને જે ફર્સ્ટ ક્વૉલિટી કાંદાના ૨૦ રૂપિયા કિલોએ મળતા હતા એ પણ હવે નહીં મળે. લાસણગાવમાં ત્રણથી ચાર વેપારીઓ મજબૂતીથી ખરીદી કરતા હતા. હવે બે દિવસથી એ પણ બંધ થઈ ગઈ છે જેને કારણે અમારી મુસીબતમાં વધારો થયો છે.’

અમને ૨,૪૨૦ રૂપિયા ક્વિન્ટલનો ભાવ આપવાની સરકારની વાત હતી એમ જણાવતાં સંતોષ ઘાગેએ કહ્યું હતું કે ‘જોકે બે દિવસ પહેલાં નાફેડમાં ખેડૂતોને કાંદાના ભાવ ૨,૦૧૭ રૂ‌પિયા જ મળ્યા હતા. આમ સરકાર અમને ફાયદો અપાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.’


એક્સપોર્ટ ડ્યુટી વધારીને સરકાર ખેડૂતોનો ફાયદો કરાવવાની મોટી-મોટી વાતો કરતી હતી જેમાં સરકાર નિષ્ફળ ગઈ છે એમ જણાવતાં વેજિટેબલ્સ ગ્રોઅર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ શ્રીરામ ગાડવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે એક્સપોર્ટ ડ્યુટી વધારવાથી ખેડૂતો પાસે માલનો ભરાવો થઈ ગયો છે. ખેડૂતો અત્યારે બૅન્કરપ્ટ થવા લાગ્યા છે. એમાં માર્કેટ બંધ થવાથી વેપારીઓ પાસેથી જે ભાવ મળતા હતા એ પણ ખેડૂતોને મળશે નહીં. મહત્ત્વની વાત તો એ છે કે સરકાર એના નિર્ણયમાં પીછેહઠ કરવા તૈયાર નહીં થાય અને વેપારીઓ તેમના નિર્ણય પર અડીખમ રહેશે તો બંને વચ્ચે ખેડૂતો અને ગ્રાહકોની સૅન્ડવિચ થઈ જશે.’ 
 

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2023 10:20 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK