Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના ત્રણમાંથી એક પણ ગુજરાતી એમએલએને કૅબિનેટમાં સ્થાન ન મળ્યું

મુંબઈના ત્રણમાંથી એક પણ ગુજરાતી એમએલએને કૅબિનેટમાં સ્થાન ન મળ્યું

10 August, 2022 06:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકમાત્ર મલબાર હિલના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાને મળ્યું સ્થાન. એકેય મહિલાને જગ્યા ન મળી. મુંબઈથી મરાઠી ચહેરો કૅબિનેટમાં લેવામાં ન આવતાં વિપક્ષોએ કર્યો હલ્લાબોલ

ગઈ કાલે રાજભવનના દરબાર હૉલમાં શપથવિધિ વખતે ગવર્નર ભગત સિંહ કોશ્યારી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ.

ગઈ કાલે રાજભવનના દરબાર હૉલમાં શપથવિધિ વખતે ગવર્નર ભગત સિંહ કોશ્યારી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ.



મુંબઈ : એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે ૩૦ જૂને મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના શપથ લીધા બાદ ગઈ કાલે ૪૦મા દિવસે રાજ્યના પ્રધાનમંડળનું પહેલું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં બીજેપી અને એકનાથ શિંદે જૂથના ૯-૯ મળીને કુલ ૧૮ વિધાનસભ્યોએ કૅબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ વખતે પણ બીજેપીએ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો આંચકો આપ્યો હતો એવી જ રીતે વિધાનસભ્યોની બમણી સંખ્યા હોવા છતાં શિંદે જૂથને  પ્રધાનમંડળમાં પણ સમાન હિસ્સો આપીને સોનૈ ફરી ચોંકાવી દીધા છે. મોટા ભાગના લોકો પ્રધાનમંડળના વિસ્તરણમાં ૬૦ઃ૪૦ કે ૬૫ઃ૩૫ની ફૉર્મ્યુલાની શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ બીજેપીએ એકનાથ શિંદેને પચાસ ટકા આપીને સરકારમાં પોતાનો હાથ ઉપર રાખ્યો છે. મુંબઈમાં ગુજરાતીઓની સારીએવી વસતિ હોવાની સાથે ત્રણ ગુજરાતી વિધાનસભ્યોમાંથી એકને પણ કૅબિનેટમાં સ્થાન નથી અપાયું. મુંબઈમાંથી હિન્દીભાષીના ક્વોટામાંથી એકમાત્ર મંગલ પ્રભાત લોઢાને કૅબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે. જ્યારે એક પણ મરાઠી ચહેરો લેવામાં ન આવતા શિવસેનાના નેતા સચિન આહિરે સરકારની ટીકા કરી હતી. એટલું જ નહીં, નવી કેબિનેટમાં એક પણ મહિલા ચહેરાને સ્થાન આપવામાં ન આવ્યું હોવાથી એને લઈને પણ વિપક્ષોએ સરકારને મહિલા વિરોધી ગણાવી છે. જોકે, દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે અમે મહિલાઓનું સન્માન કરીએ છીએ અને યોગ્ય સમયે તેમનું પ્રતિનિધિત્વ જોવા મળશે.

રાજભવનમાં આવેલા દરબાર હૉલમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કૅબિનેટ પ્રધાનોને ગઈ કાલે શપથ લેવડાવ્યા હતા. પ્રધાનમંડળના વિસ્તરણના પહેલા તબક્કામાં ૧૮ પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષનું ચોમાસું દોઢેક મહિનામાં પૂરું થવામાં છે ત્યારે ચોમાસુ સત્ર બોલાવવાનું જરૂરી હોવાથી સરકારે અત્યારે સત્રનું કામ ચાલી શકે એ માટે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સહિત ૨૦ પ્રધાનોનો સમાવેશ કર્યો છે. ચોમાસુ સત્ર બાદ બીજા તબક્કામાં કૅબિનેટની સાથે રાજ્ય કક્ષાના પ્રધાનોના શપથ થઈ શકે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ગઈ કાલે કૅબિનેટ પ્રધાનના શપથ લેનારા ૧૮ વિધાનસભ્યોને ટૂંક સમયમાં ખાતાંની ફાળવણી કરવામાં આવશે. શિવસેનામાં બળવો કરનારા એકનાથ શિંદે સાથે ૫૧ વિધાનસભ્યો છે, જ્યારે બીજેપી પાસે ૧૦૫ વિધાનસભ્યો હોવા છતાં ૩૦ જૂને એકનાથ શિંદેને બીજેપીએ મુખ્ય પ્રધાનપદ આપીને સૌને ચોંકાવી દીધા હતા. 
આ વિધાનસભ્યોએ શપથ લીધા



૩૦ જૂને એકનાથ શિંદેની આગેવાનીમાં નવી સરકારની રાજ્યમાં સ્થાપના થયા બાદ ગઈ કાલે રાજ્યનાં કુલ ૫૦ પ્રધાનપદમાંથી પહેલા તબક્કામાં ૧૮ કૅબિનેટ પ્રધાનની શપથવિધિ હાથ ધરવામાં આવી હતી. સૌથી પહેલાં બીજેપીના શિર્ડીના વિધાનસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલે શપથ લીધા હતા. બાદમાં બીજેપીના બલ્લારપુરના વિધાનસભ્ય સુધીર મુનગંટીવાર, બીજેપીના કોથરુડના વિધાનસભ્ય ચંદ્રકાંત પાટીલ, બીજેપીના નંદુરબારના વિધાનસભ્ય વિજયકુમાર ગાવિત, બીજેપીના જામનેરના વિધાનસભ્ય ગિરીશ મહાજન, જળગાવના શિવસેનાના વિધાનસભ્ય ગુલાબરાવ પાટીલ, શિવસેનાના માલેગાંવના વિધાનસભ્ય દાદાભુસે, શિવસેનાના દિગ્રજના વિધાનસભ્ય સંજય રાઠોડ, બીજેપીના મિરજના વિધાનસભ્ય સુરેશ ખાડે, શિવસેનાના પૈઠણના વિધાનસભ્ય સંદીપાન ભુમરે, શિવસેનાના રત્નાગિરિના વિધાનસભ્ય ઉદય સામંત, શિવસેનાના પરાંડાના વિધાનસભ્ય તાનાજી સાવંત, બીજેપીના ડોમ્બિવલીના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ, શિવસેનાના સિલ્લોડના વિધાનસભ્ય અબ્દુલ સત્તાર, શિવસેનાના સાવંતવાડીના વિધાનસભ્ય દીપક કેસરકર, બીજેપીના ઔરંગાબાદ-પૂર્વના વિધાનસભ્ય અતુલ સાવે, શિવસેનાના સાતારાની પાટણના વિધાનસભ્ય શંભુરાજ દેસાઈ અને બીજેપીના મલબાર હિલ વિસ્તારના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ કૅબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા.
એકનાથ શિંદેની વિધાનસભ્યો સાથે બેઠક


ગઈ કાલે કૅબિનેટ પ્રધાનના શપથ લીધા બાદ મંગલ પ્રભાત લોઢા ફૅમિલી મેમ્બરો સાથે.   આશિષ રાજે


પ્રધાનમંડળના વિસ્તરણ પહેલાં ગઈ કાલે સવારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમની સાથેના શિવસેનાના ૪૦ વિધાનસભ્યો સાથે સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં બેઠક યોજી હતી. જાણવા મળ્યું હતું કે તેમણે નવ વિધાનસભ્યોનાં નામ રાજ્યપાલને કૅબિનેટ પ્રધાન માટે મોકલી આપ્યાં છે અને બાકીના વિધાનસભ્યોને બીજા તબક્કાના પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવશે. જેમનો એમાં પણ નંબર નહીં લાગે તેમને ભરપૂર ફન્ડ આપવામાં આવશે એવું કહેવાય છે, જેથી કોઈને અસંતોષ ન રહે.
મુંબઈમાંથી એકમાત્ર મંગલ પ્રભાત લોઢાને સ્થાન

કૅબિનેટના વિસ્તરણમાં મુંબઈમાંથી બીજેપીના મલબાર હિલ વિસ્તારના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાને સ્થાન આપવામાં આવ્યું છે. તમને હિન્દીભાષીઓના ક્વોટામાંથી કૅબિનેટ પ્રધાન બનાવાયા હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈની નજીક આવેલા ડોમ્બિવલીના બીજેપીના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણને સ્થાન અપાયું છે. જોકે મુંબઈની ૩૬માંથી અનેક વિધાનસભા બેઠકોમાં ગુજરાતીઓની સારીએવી વસતિ હોવાની સાથે બીજેપીના ત્રણ વિધાનસભ્યો યોગેશ સાગર, મિહિર કોટેચા અને પરાગ શાહને કૅબિનેટમાં સ્થાન નથી અપાયું.

બીજેપી પ્રદેશાધ્યક્ષ-મુંબઈ અધ્યક્ષ માટે લૉબિંગ
બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને મુંબઈ બીજેપીના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાને કૅબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. બીજેપીની એક વ્યક્તિ, એક પદની પૉલિસી છે. આથી પ્રદેશાધ્યક્ષ અને મુંબઈ અધ્યક્ષનાં પદો ચંદ્રકાંત પાટીલ અને મંગલ પ્રભાત લોઢાએ ખાલી કરવાં પડશે. પ્રદેશાધ્યક્ષ માટે ચંદ્રકાંત બાવનકુળે અને મુંબઈ અધ્યક્ષ તરીકે આશિષ શેલારની નિયુક્તિ થવાની શક્યતા છે. જોકે આ બંને પદ માટે બીજેપીના નેતાઓ લૉબિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

વિવાદનો સામનો કરી રહેલા ત્રણ પ્રધાનનો સમાવેશ
રાજ્યના પ્રધાનમંડળના વિસ્તરણમાં ત્રણ પ્રધાન એવા છે જેઓ વિવાદમાં સપડાયા છે. એકનાથ શિંદે જૂથના સંજય રાઠોડ સામે પુણેની એક મહિલાના મૃત્યુના મામલાનો વિવાદ છે. તેમણે આ જ કારણસર મહાવિકાસ આઘાડી સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. સંજય રાઠોડને કૅબિનેટમાં સામેલ કરવા બદલ બીજેપીનાં નેતા ચિત્રા વાઘે કમનસીબી ગણાવી હતી. તેમણે પોતાની લડત ચાલુ રાખવાનું કહ્યું હતું. એકનાથ શિંદે જૂથના સિલ્લોડના વિધાનસભ્ય અબ્દુલ સત્તારનાં ચાર સંતાન ટીઈટીની પરીક્ષામાં પાત્ર ન હોવા છતાં સામેલ કરવામાં આવ્યાં હોવાનું બે દિવસ પહેલાં જાહેર થયું હતું. બીજેપીના વિધાનસભ્ય વિજયકુમાર ગાવિત સામે પાંચ વર્ષ પહેલાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં તેઓ દોષી ઠેરવાયા હતા. ૨૦૦૪થી ૨૦૦૯ દરમ્યાન તેઓ એનસીપીના વિધાનસભ્ય હતા ત્યારે તેમની સામે ભ્રષ્ટાચારના આરોપ થયા હતા. બાદમાં તેઓ બીજેપીમાં સામેલ થયા હતા અને ૨૦૧૪ અને ૨૦૧૯માં તેઓ બીજેપીમાંથી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ આદિવાસી હોવાની સાથે ગુજરાતના આદિવાસીઓને ગુજરાતની આગામી ચૂંટણીમાં બીજેપીતરફી કરવા માટે તેમને ગુજરાત બીજેપીના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલની ભલામણથી કૅબિનેટ પ્રધાન બનાવાયા હોવાનું કહેવાય છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી હતી કે સંજય રાઠોડને ક્લીન ચિટ આપવામાં આવી હોવાથી તેમને કૅબિનેટમાં સ્થાન અપાયું છે.

૪૪૧ કરોડ સાથે મંગલ પ્રભાત લોઢા સૌથી  શ્રીમંત, સંદીપન ભુમરે પાસે માત્ર બે કરોડ
કૅબિનેટ પ્રધાનોમાં ૪૪૧ કરોડ સાથે બીજેપીના મંગલ પ્રભાત લોઢા સૌથી શ્રીમંત છે. તેમના પછી શિવસેનાના વિધાનસભ્ય તાનાજી સાવંત પાસે ૧૧૫ કરોડની સંપત્ત‌િ છે. દીપક કેસરકર પાસે ૮૨ કરોડ, વિજયકુમાર ગાવિત પાસે ૨૭ કરોડ, ગિરીશ મહાજન પાસે ૨૫ કરોડ, રાધાકૃષ્ણ વિખે પાટીલ પાસે ૨૪ કરોડ, અતુલ સાવે પાસે ૨૨ કરોડ અને 
અબ્દુલ સત્તાર પાસે ૨૦ કરોડની સંપત્તિ છે. બાકીના પ્રધાનો પાસે ૧૦ કરોડથી ઓછી સંપત્ત‌િ છે અને સંદીપાન ભુમરે પાસે માત્ર બે કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ કરતાં થાણેનું મહત્ત્વ વધ્યું
મહાવિકાસ આઘાડી સરકારમાં મુંબઈમાંથી ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, વર્ષા ગાયકવાડ, નવાબ મલિક, અસલમ શેખ, અનિલ પરબ અને સુભાષ દેસાઈ મળીને કુલ સાત વિધાનસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન અપાયું હતું. આની સામે એકનાથ શિંદેની સરકારમાં મુંબઈમાંથી એકમાત્ર મંગલ પ્રભાત લોઢાને કૅબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. એકનાથ શિંદે થાણેના છે એટલે તેમની સાથે અહીંથી રવીન્દ્ર ચવાણને કૅબિનેટમાં સામેલ કરાયા છે. આથી કહી શકાય કે પ્રધાનમંડળના પહેલા તબક્કામાં મુંબઈ કરતાં થાણેને વધારે મહત્ત્વ અપાયું છે.
વિધાનસભ્યને મુંબઈનો 

ટ્રાફિક નડ્યો
મુંબઈગરાઓ દરરોજ ટ્રાફિકને કારણે કલાકો સુધી હેરાન થાય છે. ગઈ કાલે પ્રધાનમંડળમાં જેમને સ્થાન આપવામાં આવ્યું છે એ એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય તાનાજી સાવંત રાજભવનમાં ટ્રાફિકને કારણે મોડા પહોંચ્યા હતા. તેઓ ૧૧ વાગ્યાને ‍બદલે દસ મિનિટ મોડા એટલે કે ૧૧.૧૦ ‍વાગ્યે રાજભવન પહોંચ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાનાજી સાવંતની મશ્કરી કરતાં કહ્યું હતું કે ‘સારું થયું તમે આવી ગયા. નહીં તો મારે તમારું નામ જ કાપી નાખવું પડત.’ 
૧૭ ઑગસ્ટથી શરૂ થશે વિધાનસભાનું ચોમાસુ સત્ર
રાજ્યની કૅબિનેટનું વિસ્તરણ ગઈ કાલે થયા બાદ મુંબઈમાં ૧૭ ઑગસ્ટથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ કરવાનો આદેશ ગઈ કાલે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપ્યો હતો. જોકે સત્ર કેટલા દિવસ ચાલશે એનો ખુલાસો રાજ્યપાલે આપેલા આદેશમાં કર્યો નથી. 

 

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2022 06:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK