° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


કયામત કે સાત દિન

10 January, 2022 08:39 AM IST | Mumbai | Prajakta Kasale

ત્રીજી લહેરની દિશા અને દશા આ અઠવાડિયું નક્કી કરશે : નિષ્ણાતોને રોજનો કોરોનાનો આંકડો ૩૫,૦૦૦ને પાર થવાનો ડર લાગી રહ્યો છે

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણી

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણી

છેલ્લા ચાર દિવસથી મુંબઈમાં કોરોનાના દૈનિક ૨૦,૦૦૦ જેટલા કેસ ઉમેરાઈ રહ્યા છે, જેને પગલે ઍક્ટિવ કેસ એક લાખ કરતાં વધી ગયા છે. શહેરમાં પૂરતા બેડ્સની વ્યવસ્થા હોવાનો કૉર્પોરેશન પુનરોચ્ચાર કરી રહ્યું હોવા છતાં ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ગઈ કાલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આગામી અઠવાડિયું ત્રીજી લહેરની દિશા પારખવા માટે ઘણું મહત્ત્વનું છે. સાથે જ તેમણે સ્થિતિને પહોંચી વળવાની કૉર્પોરેશનની યોજના વિશે વાતચીત કરી હતી.

મુંબઈમાં એક લાખથી વધુ ઍક્ટિવ કેસ છે. તમારા મતે જો કેસ વધતા રહ્યા તો વધુ બેડની જરૂર પડશે?
આગામી અઠવાડિયું કોરોનાની વર્તમાન લહેરને પારખવા માટે ઘણું અગત્યનું સાબિત થશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી અઠવાડિયે મુંબઈમાં રોજ આશરે ૩૫,૦૦૦ કેસ નોંધાવાની શક્યતા છે. અત્યારે ૯૦ ટકા કેસ ઍસિમ્પ્ટોમૅટિક છે અને દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડતી. જોકે જો હાલના ઍસિમ્પ્ટોમૅટિક દરદીઓમાં આગામી દિવસોમાં લક્ષણો દેખાવાનાં શરૂ થાય તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે.

સેન્ટરની તાજેતરની માર્ગદર્શિકામાં ફક્ત ૯૩ ટકાથી નીચા ઑક્સિજન લેવલ સાથે લક્ષણો ધરાવનારા (સિમ્પ્ટોમૅટિક) અથવા તો ગંભીર કોમોર્બિડિટી ધરાવનારા દરદીઓને જ દાખલ કરવા જણાવાયું છે. શું આ નિયમોનો મુંબઈમાં અમલ થઈ રહ્યો છે?
કેસોમાં તીવ્ર વધારો નોંધાયો હોવાથી જરૂરિયાતમંદ દરદીઓ માટે બેડ્સના વ્યવસ્થાપનના હેતુથી માર્ગદર્શિકા જારી કરાઈ છે. અત્યારે શહેરમાં પૂરતા બેડની વ્યવસ્થા છે. માંડ ૧૦ ટકા દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે અને ૭૦ ટકા બેડ્સ ખાલી પડ્યા છે. જો અમે નવા નિયમો લાગુ કરવાનું શરૂ કરીશું તો એનાથી નાગરિકોમાં બિનજરૂરી ભય ફેલાશે. પૂરતા બેડ્સ ઉપલબ્ધ હોવાથી અમારે હાલના તબક્કે નિયમોનો અમલ કરવાની જરૂર નથી.

ઘણા હેલ્થકૅર-વર્કર્સ અને ડૉક્ટર્સ કોરોનાને લીધે બીમાર પડી રહ્યા છે. તમે સ્ટાફની અછતના પડકારનો સામનો કેવી રીતે કરી રહ્યા છો?
અમે ૧૦ ટકા સ્ટાફ સંક્રમણને કારણે હાજર નહીં હોય એવી ધારણા સાથેનો પ્લાન તૈયાર કર્યો હતો. આથી એ કોઈ સમસ્યા નથી, પણ એનઈઈટી-પીજી હેઠળ ઍડ્મિશનમાં વિલંબ થવાથી અમને વિપરીત અસર થઈ છે. સુપ્રીમ કોર્ટે હવે નવા ક્વૉટા ક્લિયર કર્યા છે, પણ નવાં ઍડ્મિશન કરતાં અમને એક-બે મહિનાનો સમય લાગશે. ત્યાં સુધી અમે વૉક-ઇન ઇન્ટરવ્યૂ થકી ડૉક્ટર્સને સિનિયર રેસિડેન્ટ્સ તરીકે પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે.
 
તમારા મતે, શું વધુ નિયંત્રણો લાદવાની જરૂર ઊભી થશે?
ના, અમને નથી લાગતું કે મુંબઈમાં વધુ નિયંત્રણની જરૂર હોય. હાલના નિયમો પૂરતા છે, કારણ કે આરોગ્ય વ્યવસ્થા સુસજ્જ છે. ઑક્સિજન સપોર્ટની જરૂર ધરાવનારા દરદીઓની સંખ્યા વધુ નથી. માગ વધે તો પણ અમે ઑક્સિજન સપ્લાયની ત્રણ ગણી ક્ષમતા માટે તૈયાર છીએ.
 
સિરો સર્વે અંગેની બીએમસીની યોજના કેટલે પહોંચી છે?
હા, અમે જાન્યુઆરીમાં એની યોજના ઘડી હતી, પણ ત્રીજી લહેરનું આગમન થવાથી અને લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે ઍન્ટિબૉડીઝ શોધવાનો હેતુ સિદ્ધ ન થયો હોત. આથી અમે એ કાર્ય પાછળ ઠેલ્યું છે. ત્રીજી લહેર શમ્યા પછી અમે એના પર કામ કરી શકીએ છીએ.

 
શું લોકોએ બૂસ્ટર ડોઝ માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે?
આશરે ૧.૮૨ લાખ હેલ્થકૅર અને ફ્રન્ટલાઇન-વર્કર્સ અને સિનિયર સિટિઝન્સ બૂસ્ટર ડોઝ માટેની યોગ્યતા ધરાવે છે. તેઓ ૩૫૦ પૈકીના કોઈ પણ સુધરાઈ રસીકરણ કેન્દ્ર પર જઈ શકે છે અને રજિસ્ટ્રેશન માટે ઑનલાઇન કે સ્થળ પર તત્કાળ, બંનેમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકે છે.

10 January, 2022 08:39 AM IST | Mumbai | Prajakta Kasale

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સેલ્ફ-ટેસ્ટ કિટ્સના વેચાણની વિગતો રોજ સાંજના છ વાગતા સુધીમાં આપી દો

પાલિકાના અધિકારીઓએ જણાવ્યા અનુસાર ૧૦ જાન્યુઆરી પહેલાં લગભગ ત્રણથી સાડાત્રણ લાખ હોમ ટેસ્ટ કિટ્સનું વેચાણ થયું હતું

16 January, 2022 11:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ચૅટ બૉટ નંબર લૉન્ચ કરવામાં વળ્યો સત્તાધારી પક્ષની ઉતાવળથી છબરડો?

ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા હોવાથી મુંબઈ સુધરાઈએ પૂર્વતૈયારી વિના એ લૉન્ચ કરી દીધો : બીએમસીના અધિકારી કહે છે કે અડધો સ્ટાફ કોવિડમાં સપડાયો હોવાથી કચાશ રહી ગઈ, પણ ટૂંક સમયમાં બધું ઠીક થઈ જશે

16 January, 2022 11:06 IST | Mumbai | Prakash Bambhrolia
મુંબઈ સમાચાર

ક્લીન શેના, ડર્ટી માર્શલ

લૅમિંગ્ટન રોડના વેપારીઓએ બે દિવસમાં ઑથોરિટી લેટર કે યુનિફૉર્મ વગર ફરતા ક્લીન-અપ માર્શલોને ખુલ્લા પાડ્યા

15 January, 2022 09:33 IST | Mumbai | Rohit Parikh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK