Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નેમ-ફેમ, મની, બ્યુટી નકામાં, અમારો તો મારગ વૈરાગ્યનો

નેમ-ફેમ, મની, બ્યુટી નકામાં, અમારો તો મારગ વૈરાગ્યનો

23 November, 2021 07:34 AM IST | Mumbai
Alpa Nirmal

યસ, આવતા સોમવારે મુંબઈના ૩૧ સહિત કુલ ૭૫ મુમુક્ષુઓ ધારણ કરશે સંયમમાર્ગ

સુરતમાં દીક્ષા લેનાર તમામ મુમુક્ષુઓ એકસાથે.

સુરતમાં દીક્ષા લેનાર તમામ મુમુક્ષુઓ એકસાથે.


એક પરિવાર ચાંદીની ચમચી સાથે જન્મ્યો છે. કરોડોની સંપત્તિ વારસામાં મળી છે. વળી પોતાની એવી ધીંગી કમાણી છે કે આગામી પેઢીઓને ખાતાં-વાપરતાં ખૂટે નહીં એટલું ધન ભેગું થયું છે. સાથે ઊંચી ડિગ્રી અને સેલિબ્રિટીઓ સાથે ઘરોબો તો સોનામાં સુંગધ જેવી વાત છે. જોકે આ એકેય પરિબળ તેમને આર્કષી રહ્યું નથી અને તેઓ સંસાર છોડવા અધીર થયા છે.
* * *
સંપન્ન ફૅમિલીનો દીકરો હજી પાંચ વર્ષ પહેલાં જ પરણ્યો છે. સુંદર-હાઇલી એજ્યુકેટેડ વાઇફ છે. સેટ બિઝનેસ છે અને પોતે તો યુથ આઇકન છે. હજારો ઑન્ટ્રપ્રનર તેને ફૉલો કરે છે. જોકે પૈસો કે પ્રસિદ્ધિ તેને રોકી શક્યું નથી અને તે સર્વ છોડી વૈરાગી બનવા નીકળી પડ્યો છે.
* * *
ઉંમર છે સત્તર વર્ષની. વર્લ્ડ ટૂર કરવી કે મોંઘી ગાડીઓમાં ફરવું તેના માટે સાવ સહજ વાત છે. પપ્પા-મમ્મી પાણી માગતાં દૂધ હાજર કરે છે અને પરિવારનો પ્રેમ અધધધ છે. છતાં આ ટીનેજરની સમજણ પહાડ જેવી વિરાટ છે. એટલે તે આ બધી જાહોજલાલી છોડી સિંહ જેવું સત્ત્વ ફોરવીને સંયમના માર્ગે જવા નીકળી પડ્યો છે.
* * *
ફિઝિયોથેરપિસ્ટની ડિગ્રી લેવા માટે એક યૌવનાએ તનતોડ મહેનત કરી છે. રાત-દિવસ ઉજાગરા કરીને વાંચ્યું છે અને સારા ગ્રેડમાં ઉત્તીર્ણ થઈ છે. હવે પ્રૅક્ટિસ જામી જવાની તૈયારીમાં જ છે અને એ જામતાં જ પૉશ લાઇફસ્ટાઇલ, નામના બધું જ કતારમાં છે. છતાં કરીઅરના મધ્યાહને તેણે આ બધું સંકેલી લીધું છે અને ત્યાગ અને સમર્પણના રસ્તે ચાલી નીકળી છે. 
* * *
આ તો ફક્ત ચાર કિસ્સા છે. ૨૯ નવેમ્બરે સુરતમાં થનારી ૭૫ દીક્ષાના દરેક મુમુક્ષુની કથા ન્યારી અને નોખી છે. 
આજે વિશ્વમાં ચારે બાજુ ભૌતિકવાદની બોલબાલા છે. દરરોજ લાઇફસ્ટાઇલને બેટર ઍન્ડ બેટર કરતાં લેટેસ્ટ ટેક્નૉલૉજીનાં જાતજાતનાં સાધનો ઇન્ટ્રોડ્યુસ થાય છે એ ખરીદવાની, ભોગવવાની ક્ષમતા, ફાઇનૅન્શિયલ સધ્ધરતા હોવા છતાં, નેમ-ફેમ, મની, બ્યુટી, બુદ્ધિ બધું હોવા છતાં આવી વ્યક્તિઓ સંયમના કઠિન માર્ગે જવા, શરીરને કષ્ટ આપતી જીવનશૈલી અપનાવવા કેમ તૈયાર થાય છે? એના જવાબમાં આ દીક્ષાર્થીઓના સાર્થવાહ પ.પૂ. આચાર્ચ યોગતિલકસૂરીશ્વરજી મ.સા. ‘મિડ-ડે’ને કહે છે, ‘આજે લોકો ખૂબ બુદ્ધિશાળી અને જિજ્ઞાસુ થઈ ગયા છે. સાચું શું? સારું શું? એ જાણવા, સમજવા વ્યક્તિઓ દરેક વાતની, કાર્યની ખૂબ ઊંડે સુધી જાય છે અને એમાં તેમને મહાવીર પ્રભુની સરળ, સહિષ્ણુ ફિલોસૉફી આકર્ષી જાય છે. વીર પરમાત્માની સમજણ, દેશના, વાણી એટલી સચોટ અને જડબેસલાક છે કે ઓપન માઇન્ડેડ, બુદ્ધિશાળી વ્યક્તિ જાણે કે સાંભળે અને એની ગહનતામાં ઊતરે તો તેને બરાબર ગળે ઊતરી જાય છે અને એનું મનન-ચિંતન કરે એટલે સંસાર છોડવામાં તેને સાચી સફળતા અને સાર્થકતા લાગે. દુન્યવી વૈભવ, માન-મોભો, ડિગ્રી કે સગવડો કરતાં તેને વૈરાગ્યમાં આત્મકલ્યાણ લાગે, ભોગવવા કરતાં છોડવામાં વધુ આનંદ લાગે.’
યસ, સુરત આ મહિનાના અંતિમ અઠવાડિયામાં એક ઐતિહાસિક અવસરનું સાક્ષી બનવાનું છે. અહીં એકસાથે, એક જ મંચ પરથી પોણોસો દીક્ષાર્થીઓ પ્રવજ્યા અંગીકાર કરવાના છે. જૈન ધર્મમાં તીર્થંકરો સહિત સેંકડો કેવલી ભગવંતોએ હજારો મુમુક્ષુઓ સાથે દીક્ષા લીધાનો ઉલ્લેખ છે અને એ પરંપરાએ ૫૨૩ વર્ષ પહેલાં પણ એકસાથે ૫૦૦ દીક્ષા થઈ હોવાનું તવારીખમાં નોંધાયું છે. જોકે આજના દુષમ કાળમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં મુમુક્ષુઓ સંયમ અંગીકાર કરે એ ઘટના ચોક્કસ રિમાર્કેબલ છે. ૭૫ મુમુક્ષુઓને દીક્ષા માટે પ્રેરણા આપનારા, પ્રખર પ્રવચનકાર અને આ દીક્ષા અવસરના માર્ગદર્શક આચાર્ય યોગતિલકસૂરીશ્વરજી મ.સા. વધુમાં કહે છે, ‘દીક્ષાજીવન જેમ સરળ નથી એમ દીક્ષા મળી જાય કે લઈ લેવી પણ સરળ નથી. દીક્ષા લેવાનું મન થાય એ પછી દરેક મુમુક્ષુએ સાધુજીવનની તાલીમ લેવા કમસે કમ છ મહિના સાધુ-સાધ્વી પાસે રહેવું પડે છે. એ દરમિયાન તેઓ મન, વચન, કાયાથી સંસાર છોડવા તૈયાર થાય એ પછી જ તેમને દીક્ષા અપાય છે. આ વખતે આ ૭૫ આત્માઓ તૈયાર થયા છે જેમની ટ્રેઇનિંગ કેટલાય સમયથી ચાલતી હતી. તેઓ મનથી મક્કમ હોય, ધર્મના માર્ગે જવા માગતા જ હોય પછી તેમને સંસારનાં બંધનોમાં વધુ સમય શા માટે રોકી રાખવા જોઈએ? આથી તેમનાં દીક્ષા મુહૂર્ત કઢાયાં. હા, એક વાત છે કે છેલ્લાં આઠ વર્ષના ગાળામાં એકસાથે સામૂહિક દીક્ષાઓ મોટા પ્રમાણમાં થઈ છે. ૪૪, ૪૫, ૩૬, ૨૬. ગયા વર્ષે અહીં સુરતમાં જ એકસાથે ૭૭ દીક્ષાઓ થઈ છે. એ સંદર્ભે હું માનું છું કે ૧માં ૧ ઉમેરો તો બે થાય, પણ જ્યારે બેઉ આંકડાને બાજુ-બાજુમાં મૂકો તો ૧૧ થઈ જાય. એવી રીતે જ આટલી મોટી સંખ્યામાં એકસરખા ભાવ ભેગા થાય ત્યારે ઉત્કૃષ્ટ પરિણામ આવે અને એનું ફળ પણ ઉત્કૃષ્ટ આવે.’ 
હાલમાં સુરત વેસુમાં સામૂહિક દીક્ષાની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. અહીં આવેલા બલર હાઉસના ગ્રાઉન્ડમાં ૪ લાખ સ્ક્વેરફીટમાં અધ્યાત્મનગરી બની છે. એમાં દીક્ષામંડપ ઉપરાંત સાધુ-સાધ્વી અને મહેમાનોના ઉતારા, એકસાથે ૫૦,૦૦૦ માણસો બેસીને જમી શકે એવો ભોજન મંડપ, કાચનું જિનાલય, મહાપુરુષોની જીંવત શૌર્યગાથાની રચનાવલિઓ ઊભી કરાઈ રહી છે. એની દેખરેખ અને મૅનેજમેન્ટ માટે ૫૫ કમિટીઓ કાર્યરત છે તો ૫૦૦ જિનભક્તો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. પાંચ દિવસના મહોત્સવમાં ૨૫ નવેમ્બરે એટલે કે પહેલા દિવસે દીક્ષાર્થીઓનાં વસ્ત્ર રંગવાનો કાર્યક્રમ, ૨૬મીએ સમસ્ત સુરતના જૈન શ્રાવિક મંડળોની સાંજી અને દીક્ષાર્થીઓનો વિદાય સમારંભ, ૨૭મીએ વિદાય સમારોહનું દ્વિતીય ચરણ, ચોથા દિવસે શાહી વર્ષીદાન યાત્રા અને અંતિમ વાયણું તથા પાંચમા દિવસે એટલે ૨૯ નવેમ્બરે દીક્ષાવિધિ થશે. અંતિમ બે દિવસમાં સુરતમાં વિવિધ સ્થળેથી દીક્ષાના સ્થળે પહોંચવા માટે ફ્રી બસસર્વિસ રાખવામાં આવી છે. આયોજકોનું માનવું છે આ બે દિવસ દરમિયાન એક લાખથી વધુ લોકો મહોત્સવમાં પધારશે.

અનુકંપા દાન અને મીઠાઈનું વિતરણ
સુરતમાં યોજાયેલા સિંહસત્ત્વોસવમાં સુરતના ૧૦,૦૦૦ જરૂરિયાતમંદ પરિવારોને રૅશનકિટ પહોંચાડાઈ છે તેમ જ ઉત્સવની વધામણીરૂપે સમસ્ત સુરતના ૪૦,૦૦૦થી વધુ સરકારી એમ્પ્લૉઈને મીઠાઈ-બૉક્સનું વિતરણ કરવામાં આવશે. મ્યુનિસિપાલટીના સફાઈ કામદારોથી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ, ઉચ્ચ સનદી અધિકારીઓ, ગર્વનર સુધીના તમામ લોકોનું મોઢું મીઠું કરાવવામાં આવશે.



અનોખી અંતિમ વાયણા વિધિ
જનરલી દીક્ષાર્થીઓનું અંતિમ ભોજન તેમના પરિવારજનોના હસ્તે થાય, પરંતુ અહીં એક જ મંચ પર દરેક મુમુક્ષુ આત્માની વાયણા વિધિ થશે અને કોઈ પણ ભાવિક એ કરાવી શકશે. બધા જૈન ભક્તોને વાયણાનો લાભ મળે એ સારું તેમને સાકર મોકલવાની હાકલ કરાઈ છે. એનું પાણી બનાવીને દીક્ષાર્થીઓને અંતિમ વાયણા કરાવાશે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2021 07:34 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK