હાઇવે ઑથોરિટીએ દાવો કર્યો છે કે આ બધી સમસ્યા દૂર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે
વિરોધ
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વિવિધ સ્થળોએ ખાડા, કૉન્ક્રીટીકરણના કામમાં નબળી ગુણવત્તાની કામગીરી અને ટ્રાફિક જૅમને કારણે નાગરિકો ભારે પરેશાની વેઠી રહ્યા છે એથી હાઇવે પર આવેલા સસૂનવઘર ખાતે રોષે ભરાયેલા લોકોએ હાઇવે પરના ખાડાઓ પર ફૂલ ચડાવીને બૅન્ડવાજાં વગાડીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. એ સમયે આંદોલનકારીઓએ ઑથોરિટીના નબળા સંચાલન સામે ગાંધીગીરી-સ્ટાઇલમાં આંદોલન કર્યું હતું ત્યારે હાઇવે ઑથોરિટીએ દાવો કર્યો છે કે આ બધી સમસ્યા દૂર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
માતોશ્રીમાં સાપ
ADVERTISEMENT
શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના બાંદરાના કલાનગરના નિવાસસ્થાન ‘માતોશ્રી’માં ઉગાડાયેલા ફૂલઝાડમાંથી ગઈ કાલે ધામણ જાતિનો એક સાપ જોવા મળ્યો હતો. એ પછી સર્પમિત્રનો સંપર્ક કરી તેને બોલાવવામાં આવ્યો હતો. તેણે સાપને પકડીને સુરક્ષિત જગ્યાએ છોડી દીધો હતો.
નાલાસોપારાની અગ્રવાલ નગરીનાં ૪૧ ગેરકાયદે બિલ્ડિંગો તોડવાનો કોર્ટનો આદેશ
નાલાસોપારા-ઈસ્ટમાં અગ્રવાલ નગરીમાં આવેલાં ૪૧ ગેરકાયદે બિલ્ડિંગોને તોડી પાડવાનો બૉમ્બે હાઈ કોર્ટે આદેશ આપ્યો છે. એના અનુસંધાનમાં વસઈ-વિરાર મહાનગરપાલિકાએ રહેવાસીઓને તેમનાં ઘર ખાલી કરવાની નોટિસ આપી છે. ખાનગી જમીન પચાવીને અને મહાનગરપાલિકાની આરક્ષિત જમીન પર અતિક્રમણ કરીને આ બિલ્ડિંગો બનાવવામાં આવ્યાં છે એટલે આ જગ્યામાં રહેતા હજારો લોકો બેઘર થવાના હોવાથી ચિંતિત જોવા મળી રહ્યા છે.
સેમી-કન્ડક્ટરના પ્લાન્ટ માટે ત્રણ કંપની સાથે વાતચીત ચાલી રહી છે : દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે રાજ્યમાં સેમી-કન્ડક્ટરના ત્રણ પ્લાન્ટ શરૂ કરવા માટે ત્રણ કંપની સાથે વાતચીત ચાલી રહી છે. નાગપુરમાં ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સાથે મેડિકલ ઇક્વિપમેન્ટ્સનું ઉત્પાદન કરતી હોરીબા ઇન્ડિયા નામની કંપનીનું ઉદ્ઘાટન કરતી વખતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હોરીબા સહિતની ત્રણ કંપની સાથે નાગપુરમાં સેમી-કન્ડક્ટર બનાવવા માટેના પ્લાન્ટ શરૂ કરવા ચર્ચા કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટ માટે જમીન પણ રિઝર્વ રાખવામાં આવી છે.

