Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉત્સાહ પૂરતો છે, સમય પૂરતો નથી

ઉત્સાહ પૂરતો છે, સમય પૂરતો નથી

03 October, 2022 10:12 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

નવરાિત્રના છ દિવસ પૂરા થઈ ગયા છે ત્યારે લૉકડાઉનની કસર પૂરી કરવા મેદાનમાં ઊતરેલા ખેલૈયાઓ કહે છે કે તેમને ઉત્સાહના ઊર્જાની નહીં પણ સમયની મર્યાદા નડે છે

તસવીર : શાદાબ ખાન

નવરાત્રિ સ્પેશ્યલ

તસવીર : શાદાબ ખાન


આજે નવરાત્રિનો આઠમો દિવસ છે ત્યારે કોરોનાને લીધે બે વર્ષથી ગરબા રમ્યા વગર રહી ગયેલા મુંબઈગરાઓને ‘મિડ-ડે’એ પૂછ્યું કે તમે બે વર્ષની કસર પહેલાં સાત દિવસમાં કાઢી લીધી કે પછી હવે જુવાનિયાઓમાં પહેલાં જેવો જોમ કે જુસ્સો નથી રહ્યો? તો મોટા ભાગના રાસરસિયાઓએ નકારાત્મક જવાબ આપીને કહ્યું કે ગરબા રમતા થાકે એ બીજા. 

એનર્જી તો ખૂબ જ છે, સમય ઓછો પડે છે : રચના શાહ, રાહેજા વિહાર, ચાંદિવલી



નવરાત્રિ વર્ષમાં એક એવો સમય છે જ્યારે યુવાનો હિલોળે ચડે છે. તેમને એકસાથે મળવાનો અને આપણા પરંપરાગત નૃત્ય સ્વરૂપના રાસગરબા રમવાનો ઉત્સાહ હોય છે. મિત્રો સાથે સારો સમય પસાર કરવાની તક મળે છે. જોકે નિયમોને આધીન હવે મુંબઈમાં રાસગરબા નવરાત્રોત્સવ દરમ્યાન રાતના ૧૦ વાગ્યે બંધ કરી દેવામાં આવે છે. આજનો યુવાવર્ગ જૉબ-ઓરિયેન્ટેડ છે. એને શોખની સાથે તેની જૉબની પણ ચિંતા કરવાની હોય છે. ઑફિસથી ઘરે પહોંચીને એ ગરબાના મેદાનમાં પહોંચવા લિટરલી સંઘર્ષ કરે છે. અમે થોડા સમયમાં પણ રાસગરબા રમવા અને માણવા ઝઝૂમતા હોઈએ છીએ. જે દિવસે સરકાર અમને રાતના બાર વાગ્યા સુધી રમવાની પરવાનગી આપે છે ત્યારે અમે જોશમાં આવી જઈએ છીએ. હું ચોક્કસ કહીશ કે મેં એક પણ યુવાનને આ ઉત્સવ દરમિયાન થાકતો જોયો નથી. તે પૂરી ઊર્જા સાથે માતાજીના ગરબા વિવિધ નૃત્ય સ્ટાઇલથી રમે છે. તે થાકતો નથી, તેને સમયની મર્યાદા થકવી દે છે. અમારા ઉત્સાહને ઊર્જા નહીં પણ સમયની મર્યાદા નડે છે. જો સમય હોય તો આજના યુવાનોમાં ઊર્જા ભારોભાર છે.


આજના યુવાનોની જીવનશૈલીમાં ફરક છે : રજની પારેખ, કલ્પતરુ ઓરા, ઘાટકોપર-વેસ્ટ

યુવાનોમાં લાંબું રમવાની કૅપેસિટી નથી, કારણ કે પહેલાં કરતાં આજની જીવનશૈલીમાં ઘણો ફરક છે. સ્કૂલ-કૉલેજમાં જતા હોય તેમને ભણતરનો બોજ વધારે હોય છે. નોકરી-ધંધાવાળાને તો પોતાના કામ સિવાય અન્ય ચીજોમાં રસ જ નથી અથવા સમય જ નથી. પહેલાં કરતાં હાલમાં રમવાની રીત પણ બદલાઈ ગઈ છે. કોઈ પણ વ્યક્તિ થોડી વારમાં જ થાકી જાય એવી રીતે રમતી હોય છે. આમાં માતાજીની આરાધના કે ભક્તિ કરતાં નાચ અને દેખાડો વધારે હોય છે. જેમાં ભક્તિ ન હોય એમાં શક્તિ રહેતી નથી. આજના યુવાનો પહેલાં કરતાં વધારે જવાબદારી અને કામના બોજા હેઠળ જીવી રહ્યા છે એટલે પણ વધારે રમી શકતા નથી. સમયની સાથે રમત પણ બદલાઈ ગઈ છે.


વી આર વિથ ફુલ ઑફ એનર્જી : નિપમ આસર, ભાટિયા મહાજનવાડી, કાલબાદેવી

કોણ કહે છે કે યુવાનોની એનર્જી ઘટી ગઈ છે કે લુપ્ત થઈ ગઈ છે. હું સહેજ પણ આ વાત સાથે સહમત નથી. આજના યુવાનોમાં જબરી એનર્જી છે. અમે અત્યારે કાલબાદેવીથી ૩૫થી ૪૬ વર્ષના યુવાનો રાસગરબા રમવા અલગ-અલગ ઉપનગરોમાં જઈએ છીએ. અમે છેલ્લાં બે વર્ષથી લૉકડાઉનને લીધે રાસગરબા રમી શક્યા નહોતા. અમારી એનર્જી બધી જમા કરીને રાખી હતી. આ વર્ષે ફાલ્ગુની પાઠક, પિન્કી, કિંજલ દવે સાથે રમવા માટે મરીન ડ્રાઇવથી બોરીવલી જઈએ છીએ. સરકારે આ વર્ષે બેને બદલે ત્રણ દિવસ રાતના બાર વાગ્યા સુધી રમવાની છૂટ આપી તેથી અમારો હરખ સમાતો નથી. અમે નૉન-સ્ટૉપ રાસગરબા રમીએ છીએ અને પ્રાઇઝ પણ જીતીને લાવીએ છીએ. અમારા ગ્રુપની આસપાસ રમતા ખેલૈયાઓ પણ આ નવરાત્રોત્સવને માણી રહ્યા છે. તેઓ પણ ફુલ ઑફ એનર્જી સાથે ત્રણ કલાકથી પાંચ કલાક સુધી રાસગરબા રમે છે. ત્યાર પછી પણ અમારા કે તેમના ચહેરા પણ થાક વર્તાતો નથી. 

રાસગરબા માટે નવરાત્રિના નવ દિવસ ઓછા પડે છે : ડિમ્પલ સંપટ, રાજાવાડી, ઘાટકોપર-ઈસ્ટ

આજના યુવાનોમાં પૂરી શક્તિ છે. તેમને રાસગરબા જ્યાં રમવા મળે ત્યાં તેઓ કલાકો સુધી રમી શકે. એટલે હું એમ માનવા તૈયાર નથી કે આજના યુવાનો રાસગરબા રમતા થાકી જાય છે. હા, તેઓ હવે કમાવા માટે વધુ મહેનત કરે છે. આમ છતાં નવરાત્રિના નવ દિવસ તેમને રાસગરબા રમવા માટે ઓછા પડે છે. તેઓ નવરાત્રોત્સવ આવે એ પહેલાં જ થનગનવા લાગે છે અને જ્યારે તેમને મેદાન મળી જાય ત્યારે તો તેમનો જુસ્સો જોરદાર વધી જાય છે. બાર વાગ્યા સુધી પહેલાંના લોકોની જેમ આજનો યુવાન સવાર સુધી રમી શકવા સમર્થ છે. તેની રમવાની ગતિ પણ પહેલાં જેવી વધુ જોરદાર છે. સાર્વજનિક નવરાત્રોત્સવમાં યુવાનો રમવા માટે પડાપડી કરતા હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 10:12 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK