દાઉદ શેખે કબૂલ કર્યું કે તેણે મર્ડર કર્યું, યશશ્રીનો મોબાઇલ હજી નથી મળ્યો
ક્રાઇમ બ્રાંચના ઑફિસરોએ આરોપી દાઉદ શેખને તેના ગામમાંથી ઝડપી લીધો હતો
ઉરણ હત્યાકાંડનો ભોગ બનેલી યશશ્રી શિંદેના હત્યારા દાઉદ શેખને નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ની ટીમ કર્ણાટકના શાહપુરથી પકડી લાવી છે. તેણે યશશ્રીની હત્યા કરી હોવાનું કબૂલી લીધું છે. ગઈ કાલે સવારે તેને ઝડપી લેવાયો હતો.
હત્યાના આ ચકચારભર્યા કેસના આરોપીને કઈ રીતે પકડી લેવાયો એ વિશે માહિતી આપતાં નવી મુંબઈના ઍડિશનલ પોલીસ-કમિશનર દીપક સાકોરેએ કહ્યું હતું કે ‘યશશ્રીના પિતાએ ગુરુવારે જ તેના મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. એ પછી શુક્રવારે સાંજે યશશ્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. અમે ગુરુવારથી જ તેને શોધવાના પ્રયાસ ચાલુ કરી દીધા હતા. યશશ્રીના પિતાએ બે-ત્રણ જણ સામે શંકા વ્યક્ત કરી હતી. એમાં મુખ્ય દાઉદ શેખ હતો. એથી અમે તેના પરિવાર, મિત્રો એમ બધા પાસેથી તેના વિશે માહિતી મેળવવી શરૂ કરી હતી. એ પછી ટેક્નિકલ હેલ્પ પણ લેવાઈ હતી. દાઉદે તેનો મોબાઇલ બંધ કરી દેતાં તેને ટ્રૅક કરવો થોડું મુશ્કેલ હતું. જોકે અમને ક્લુ મળી કે તે કર્ણાટક નાસી ગયો હોવો જોઈએ. એથી અમારી ચાર ટીમ અમે કર્ણાટક મોકલી હતી. એમાં બે ટીમ બૅન્ગલોરમાં અને બે ટીમ યાદગીર જિલ્લાના શાહપુરમાં તહેનાત કરી હતી. આમાં દાઉદના સંપર્કમાં રહેલો મોહસિન પણ અમારા શંકાસ્પદોના લિસ્ટમાં હતો. જોકે તેણે અને અન્ય બે-ત્રણ જણે આપેલી માહિતીના આધારે અમે દાઉદને અલ્લર ગામમાંથી ઝડપી લીધો હતો. દાઉદ અને યશશ્રી એકબીજાને ઓળખતાં હતાં અને એક જગ્યાએ બન્ને મળ્યાં હતાં. તે બન્ને મળ્યાં અને ત્યાર બાદ તેમનામાં કોઈ મુદ્દે વિવાદ થતાં આ ઘટના બની હોઈ શકે એવું હાલ લાગી રહ્યું છે. ચોક્કસ કારણ તો આરોપીની ડીટેલ પૂછપરછ થશે ત્યારે જાણી શકાશે. અમે પોસ્ટમૉર્ટમ કરનાર ડૉક્ટર પાસેથી લીધેલી માહિતી અનુસાર યશશ્રીનું મોત મુખ્યત્વે દાઉદે તેના પર કરેલા ચાકુના હુમલાને કારણે થયું હતું; જ્યારે તેનો ચહેરો જે રીતે વિકૃત થયેલો છે એ તેનો મૃતદેહ જ્યાંથી મળી આવ્યો છે ત્યાં આસપાસ જંગલી જાનવરોએ કે શ્વાને ફાડી ખાધો હોય એવી શંકા છે. આજે ડીટેલ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ એ વિશે કશું સ્પષ્ટ કહી શકાશે. અમે ડૉક્ટર સાથે હત્યા કરતાં પહેલાં દાઉદે તેના પર બળાત્કાર કર્યો હતો કે કેમ એની ચર્ચા કરી છે. એવી શંકા બદલ ડૉક્ટરે કહ્યું છે કે એવું તપાસમાં જણાતું નથી. એથી એના પર બળાત્કાર થયો હોય એવું બન્યું નથી. તેઓ એકબીજાના સંપર્કમાં હતાં. જોકે અમને યશશ્રીનો મોબાઇલ મળ્યો નથી. અમે એની શોધ કરી રહ્યા છીએ. આરોપી દાઉદ શેખ પહેલાં ઉરણમાં રહેતો હતો. એ પછી પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ તેની સામે યશશ્રીના પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ તે કોરોનાકાળમાં કર્ણાટક ચાલ્યો ગયો હતો. અમારા ઉચ્ચ અધિકારીઓ હવે તેની પૂછપરછ કરીને વધુ માહિતી મેળવશે.’
ADVERTISEMENT
દાઉદ કાંડ કરીને આવ્યો હોવાની પરિવારને પણ જાણ હતી
દાઉદ શેખને કઈ રીતે પકડ્યો એ વિશે માહિતી આપતાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ શિંદેએ કહ્યું હતું કે ‘અમારી બે ટીમ દાઉદના ગામ અલ્લર ગઈ હતી. દાઉદ હત્યા કરીને અહીં ભાગી આવ્યો છે એની જાણ તેના પરિવારને હતી. અમે તેના ગામ પહોંચ્યા ત્યારે તેને પકડીએ એ પહેલાં જ દાઉદને જાણ થઈ ગઈ કે પોલીસ તેને પકડવા પહોંચી ગઈ છે. એથી તે તેના ઘરેથી પણ નાસી ગયો હતો. જોકે અમે નજીક જ હોવાથી ૧૦ મિનિટની ચેઝ પછી તેને ઝડપી લીધો હતો.’