૩ લૂંટારા હેલ્મેટ અને રેઇનકોટ પહેરીને દુકાનમાં આવ્યા અને હવામાં ફાયર કરીને ૧૨ લાખના દાગીના લઈને ભાગી ગયા
જ્વેલરને બંદૂકની અણીએ લૂંટી લેવાયો
નવી મુંબઈના ખારઘરમાં એક મારવાડી જ્વેલરને બંદૂકની ધાક દાખવી લૂંટી લેવાયો છે. લૂંટની આ ઘટના દુકાનમાં લગાડેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કૅપ્ચર થઈ છે. ખારઘર પોલીસે આ સંદર્ભે લૂ્ંટનો ગુનો નોંધી લૂંટારાઓને ઝડપી લેવાં ચક્રો ગતિમાન કર્યાં છે.
ખારઘરના સેક્ટર ૩૦માં આવેલી બી. એમ. જ્વેલર્સની લૂંટની આ ઘટના વિશે માહિતી આપતાં ખારઘર પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માલિક અને તેમના પરિવારના બીજા બે સભ્યો દુકાનમાં હતા ત્યારે રવિવારે રાતે ૧૦ વાગ્યે ૩ લૂંટારાઓ હેલ્મેટ પહેરીને પ્રવેશ્યા હતા. તેમણે ઓળખ છતી ન થાય એ માટે હેલ્મેટ અને રેઇનકોટ પહેર્યો હતો. તેમની પાસે ગન હતી. તેમણે એ ગનથી દુકાનમાં હાજર માલિકને ધમકાવ્યો હતો અને બે ગોળી હવામાં ફાયર કરી હતી જે દુકાનની છતમાં લાગી હતી. એ પછી લૂંટારા દુકાનમાંથી ૧૧.૮૦ લાખની કિંમતના દાગીના લૂંટીને બાઇક પર નાસી ગયા હતા. તેઓ ભાગી રહ્યા હતા ત્યારે તેમને રોકવા પાછળથી લોકો દ્વારા હળવો પથ્થરમારો થયો હતો છતાં તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. અમે આ સંદર્ભે લૂંટનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા અલગ-અલગ ટીમ બનાવી છે.’

