આવા ફ્રૉડથી બચવા માર્ગદર્શન આપતાં તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓએ આ મુદ્દે જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ
નરેન્દ્ર મોદી
હાલ લોકોને ડિજિટલ-અરેસ્ટ થઈ છે એવા ફોન-કૉલ કે વિડિયો-કૉલ કરીને ફસાવીને રૂપિયા પડાવવામાં આવે છે એ વાતને નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ‘મન કી બાત’માં સમાવી લીધી હતી અને લોકોને ચેતવતાં કહ્યું હતું કે ‘આવી કોઈ અરેસ્ટ હોતી જ નથી. લોકોએ આવા સાઇબર-સ્કૅમના વિરોધમાં સક્રિયતાથી ભાગ લેવો જોઈએ અને શૈક્ષણિક સંસ્થાઓએ આ મુદ્દે જનજાગૃતિ અભિયાન ચલાવવાં જોઈએ.’
‘મન કી બાત’ના ૧૧૫મા કાર્યક્રમમાં મોદીએ કહ્યું હતું કે ‘ડિજિટલ-અરેસ્ટ જેવું કંઈ જ હોતું નથી. કાયદામાં આવી કોઈ ધરપકડની વાત જ નથી. કોઈ પણ સરકારી એજન્સી તમને ફોન કે વિડિયો-કૉલ દ્વારા તપાસ માટે સંપર્ક કરશે નહીં. ડિજિટલ-સિક્યૉરિટી માટે ત્રણ પગલાં લેવાની જરૂર છે. આવો ફોન આવે ત્યારે સૌથી પહેલાં શાંત રહેવાની જરૂર છે, તમારે આવા ફોનનું રેકૉર્ડિંગ કરવું કે સ્ક્રીનશૉટ લેવો. બીજું, કોઈ સરકારી એજન્સી તમને ધમકાવવા માટે ફોન નહીં કરે અને ત્રીજું, ૧૯૩૦ ડાયલ કરીને પગલાં લો. આ રાષ્ટ્રીય સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન છે. આવા ગુનામાં પોલીસને પણ જાણ કરવાની જરૂર છે.’
ADVERTISEMENT
આ મુદ્દે મોદીએ વધુમાં કહ્યું હતું કે ‘ફ્રૉડ કરનારાઓ પોલીસ કે સરકારી તપાસ એજન્સીના માણસ હોવાનો ઢોંગ કરતા હોય છે. તેઓ લોકોને ડર બતાવીને સંવેદનશીલ માહિતી મેળવી લે છે. આવા બનાવટી ઑફિસરો ઘણા કૉન્ફિડન્સથી વાત કરતા હોય છે, પણ ગભરાઈ જવાની જરૂર નથી.’


