Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મોજ નહીં, મોત...

24 July, 2021 08:50 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

માથેરાનમાં મોજમસ્તી કરવા ગયેલા ગુજરાતી યુવાનને સાપ કરડતાં મોત : રાત્રે જમ્યા બાદ હોટેલની આસપાસ રાઉન્ડ મારવા ગયેલા અશ્વિન કોળીને ખબર જ ન પડી કે તેને સાપ કરડ્યો છે

નાલાસોપારાના ગુજરાતી યુવાન અશ્વિન કોળીએ સાપ કરડતાં જીવ ગુમાવ્યો

નાલાસોપારાના ગુજરાતી યુવાન અશ્વિન કોળીએ સાપ કરડતાં જીવ ગુમાવ્યો


વરસાદ એવી મોસમ છે કે સૌકોઈને લીલીછમ જગ્યાએ એની મજા માણવાનું સારું લાગતું હોય છે. જોકે આવી જગ્યાએ જતી વખતે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી હોય છે. નાલાસોપારા (ઈસ્ટ)માં શંખેશ્વરનગરમાં સાંઈ સંકલ્પ સોસાયટીમાં રહેતો ૩૩ વર્ષનો ગુજરાતી અશ્વિન કોળી મિત્રો સાથે વરસાદની મજા માણવા માટે માથેરાન ગયો હતો. રાતના સમયે જમ્યા બાદ રાઉન્ડ મારવાનું નક્કી કરીને બધા મિત્રો ગયા ત્યારે સાપ અશ્વિનને કરડી ગયો હશે, પરંતુ એ વિશે કોઈને અંદાજ ન આવ્યો. રાતે અચાનક અશ્વિનની તબિયત ખરાબ થઈ ત્યારે જાણ થઈ. જોકે ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હોવાથી તેણે જીવ ગુમાવી દીધો હતો. ઘરના એકમાત્ર આધારસ્તંભ એવા અશ્વિને જીવ ગુમાવતાં તેના મિત્રવર્તુળથી લઈને પરિવારજનો ખૂબ આઘાતમાં ડૂબી ગયા છે. ગઈ કાલે મોડી સાંજે અશ્વિનની ડેડ-બૉડી તેના નિવાસસ્થાને લાવવામાં આવી હતી.

આ બનાવ વિશે માહિતી આપતાં અશ્વિનના વસઈમાં રહેતા મામા કિશોર સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અશ્વિન બીએમસીમાં કામ કરે છે. વરસાદનું વાતાવરણ હોવાથી મોજમસ્તી કરવા તેની સાથે કામ કરતા ૮થી ૧૦ મિત્રો મંગળવારે સાંજે માથેરાન પિકનિક મનાવવા ગયા હતા, પરંતુ ગઈ કાલે અચાનક અમને અશ્વિન મૃત્યુ પામ્યો હોવાના સમાચાર મળ્યા હોવાથી અમને તો કંઈ સમજાઈ જ રહ્યું નહોતું. તેની ડેડ-બૉડી લેવા પરિવારજનો માથેરાન ગયા હતા. અશ્વિનના પપ્પા અરુણભાઈને અશ્વિન એક દીકરો અને બોરીવલીમાં લગ્ન કરાવેલી એક દીકરી છે. અશ્વિનનાં ૩થી ૪ વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. તેને હાલમાં બાળકો નથી. અશ્વિન નોકરી કરીને ઘર ચલાવતો હતો. આ બનાવે અમારા પરિવારના માથે દુ:ખનો પહાડ ઊભો કરી દીધો છે.’



કોળી પરિવારના ઓળખીતા અને નાલાસોપારા (વેસ્ટ)માં રહેતા વસંતભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અશ્વિન મિત્રો સાથે ગુરુવારે રાતે જમ્યા બાદ લગભગ દસેક વાગ્યે રાઉન્ડ મારવા નીકળ્યો હતો. હોટેલની પાસે જ તેઓ રાઉન્ડ મારતા હશે એ વખતે અચાનક તેને સાપ કરડી ગયો હતો. વરસાદના સમયે કોઈ કીડો કરડ્યો હશે એવું લાગતાં એ વિશે તેણે ધ્યાન આપ્યું નહીં, પરંતુ રાતના સૂતા પછી અચાનક ત્રણેક વાગ્યાની આસપાસ દુખાવો શરૂ થયો હોવાથી તેના મિત્રો પણ ડરી ગયા હતા. મિત્રો તાત્કાલિક પાસે આવેલી હૉસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડૉક્ટરે તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. સાપનું ઝેર કદાચ એટલા સમયમાં આખા શરીરમાં પ્રસરી ગયું હશે. પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ બધું વધારે સ્પષ્ટ થશે. બનાવ બન્યો ત્યારે જ ખબર પડી ગઈ હોત તો અશ્વિનને બચાવી શકાયો હોત.’


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2021 08:50 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK