આ વર્ષે મુંબઈમાં ૩૦૬૮ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે કે ગયા વર્ષે ૨૯૭૮.૩ અને ૨૦૨૨માં ૨૬૫૮.૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો
વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં મૉન્સૂનની આ વર્ષની જૂનથી સપ્ટેમ્બર સુધીની સીઝનમાં જે વરસાદ પડ્યો એ છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ પડ્યો હોવાનું નોંધાયું છે. આ વર્ષે મુંબઈમાં ૩૦૬૮ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે કે ગયા વર્ષે ૨૯૭૮.૩ અને ૨૦૨૨માં ૨૬૫૮.૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એમાં વળી આ વર્ષે જૂન અને ઑગસ્ટ મહિનામાં ઍવરેજ કરતાં ઓછો વરસાદ પડ્યો હતો. જૂન મહિનામાં સરેરાશ ૫૩૭.૧ મિલીમીટર વરસાદ પડતો હોય છે એ સામે આ વર્ષે ૩૪૭ મિલીમીટર વરસાદ પડ્યો હતો. જ્યારે ઑગસ્ટમાં આ વર્ષે ૩૮૨.૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો જ્યારે કે ઑગસ્ટમાં સરેરાશ ૫૬૬.૪ મિલીમીટર વરસાદ પડતો હોય છે.
આ વર્ષે જુલાઈમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. સરેરાશ જુલાઈ મહિનામાં મૉન્સૂન પીક પર હોય છે અને ઍવરેજ ૮૫૫.૭ મિલીમીટર વરસાદ પડતો હોય છે, જ્યારે આ વર્ષે જુલાઈ મહિનામાં ૧૭૦૨.૩ મિલીમીટર વરસાદ પડ્યો હતો. આ વર્ષે સારો વરસાદ પડતાં મુંબઈગરાના માથેથી પાણીકાપનું સંકટ ટળી ગયું છે. મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં ૨૮ સપ્ટેમ્બરે ૯૯.૪ ટકા પાણીનો સ્ટૉક જમા થઈ ગયો હતો.