° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


કલાપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબના અગ્નિસંસ્કારમાં 3 કરોડના ફૂલ ચડાવા થયા

22 November, 2020 07:33 AM IST | Mumbai | Alpa Nirmal

કલાપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબના અગ્નિસંસ્કારમાં 3 કરોડના ફૂલ ચડાવા થયા

કલાપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબ

કલાપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબ

૮૦૦થી વધુ સાધુ-સાધ્વીજીઓ અને મુંબઈ, કચ્છ-વાગડ, રાજસ્થાન, ગુજરાત તેમ જ દક્ષિણ ભારતમાં બહોળો ભક્તગણ ધરાવતા વાગડ સમુદાયના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી કલાપ્રભસૂરીશ્વરજીના અગ્નિસંસ્કાર માટે ગઈ કાલે ૩ કરોડ ૩૮ લાખ ૨૩ હજાર ૧૧૧ રૂપિયાના કુલ ચડાવા થયા.

funeral

કોરોનાકાળમાં ૯ મહિનાથી ધંધામાં મંદી છે છતાં ચેન્નઈ, મુંબઈ અને ગુજરાતના ભક્તોએ ગુરુભક્તિમાં કોઈ ઓટ આવવા દીધી નહીં અને દિલ ખોલીને રૂપિયા આપ્યા હતા. ૭૭ વર્ષના આચાર્ય શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની તબિયત ૧૯ નવેમ્બરે સાંજે કથળતાં તેમને ગાંધીધામની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. ગુણોપાસક પરિવાર ટ્રસ્ટ, ભચાઉ મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ તેમ જ નમસ્કાર તીર્થ વોંધના ટ્રસ્ટી ઉપરાંત અને તીર્થો તથા સંસ્થાઓના ટ્રસ્ટી લાલજીભાઈ કારિયા ગાંધીધામથી ‘મિડ-ડે’ને કહે છે, ‘આચાર્ય મહારાજને બે વર્ષથી શ્વાસની બીમારી હતી. ફેફસાં નબળાં પડી ગયાં હતાં માટે દરરોજ ઑક્સિજન લેવો પડતો હતો. જોકે લાભ પાંચમ એટલે ૧૯ નવેમ્બરની મોડી બપોર સુધી તેઓ સ્વસ્થ હતા. અમે ૫૦ વ્યક્તિ દેવલાલીથી પાંચ દીક્ષાર્થીઓનાં મુહૂર્ત લેવા તેમ જ અમારે ત્યાં યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવાની વિનંતી કરવા ગાંધીધામ આવ્યા હતા. ત્યાં મુહૂર્ત પ્રદાન કાર્યક્રમમાં સાહેબજી થોડો સમય આવ્યા, માંગલિક ફરમાવ્યું અને દીક્ષાર્થીઓને દીક્ષા મુહૂર્ત પણ આપ્યું. બપોરે અમે મળ્યા અને દેવલાલી પધારવાની વિનંતી કરી ત્યારે સ્વાસ્થ્ય અને કુદરત અનુકૂળ હશે તો ૧૦૦૦ ટકા આવશે એવી વાત પણ કરી. ત્યાર બાદ સાંજે પોણાછ વાગ્યાની આસપાસ શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા.’
હૉસ્પિટલના ઍડ્મિશનની પ્રક્રિયારૂપે કોરોના ચેક કરાતાં પૂજ્યશ્રીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. જોકે ત્યાર બાદ પણ તેઓ સાંજે ભાનમાં હતા. ભક્તો અને શિષ્યોને ખૂબબધી જીવદયા કરવાની ભલામણ કરી હતી, પરંતુ એ પછી ઑક્સિજન-લેવલ વધુ ને વધુ ઘટતું ગયું અને તેઓ બેભાનાવસ્થામાં સરી પડ્યા હતા અને ૨૦ નવેમ્બરે બપોરે ૩.૨૦ વાગ્યે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા.

લાલજીભાઈ કહે છે, ‘તેમની વૈયાવચ્ચમાં રહેલા પાંચ સાધુભગવંતો હાલમાં ક્વૉરન્ટીન છે અને સ્વસ્થ છે. જોકે અચાનક આમ ગુરુજીના અવસાનથી બધા સાહેબજીઓ અવસાદમાં છે.’

૬૭ વર્ષનો સંયમ પર્યાપ્ત ધરાવનાર પૂ. કલાપ્રભસૂરિ મ.સા. મૂળ રાજસ્થાનના ફલોદી ગામના હતા. તેમણે પિતા સ્વધ્યાત્મયોગી આચાર્ચ કલાપૂર્ણસૂરિ મ.સા., નાનાજી, માતા અને નાના ભાઈ સાથે ૧૧ વર્ષની ઉંમરે સંયમ અંગીકાર કર્યો હતો. કચ્છ-વાગડ તેમ જ ગુજરાત રાજસ્થાનના લાખો જૈનોમાં તેમણે ધર્મપ્રીતિ જગાડી છે આથી આ વિસ્તાર તેમ જ દક્ષિણ ભારતમાં વસેલા રાજસ્થાનના જૈનોનો વિશાળ વર્ગ પૂજ્યશ્રીના અનુયાયીઓ છે, જેમાંથી મૂળ ફલોદી અને હાલ ચેન્નઈમાં રહેતા પરિવારે ગચ્છાધિપતિશ્રીના અગ્નિસંસ્કારનો લાભ લીધો હતો તેમ જ કચ્છ, ગુજરાત, મુંબઈના ભાવિકોએ અંતિમયાત્રાનો લાભ લીધો હતો. જૈન પ્રણાલી અનુસાર આ રકમ જૈન ધર્મનાં સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ અને સેવા-શુશ્રૂષામાં વપરાય છે.

ગઈ કાલે બપોરે સવાબાર વાગ્યે ગાંધીધામના શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ખાતેથી ગુરુદેવની પાલખીયાત્રાને ગાંધીધામના શર્મા રિસૉર્ટની સામે ખુલ્લા પ્લૉટમાં લઈ જવાઈ હતી, જેમાં ૫૦૦થી વધુ ભાવિકો સામેલ થયા હતા. પૂજ્યશ્રીની પાલખી અને અગ્નિદાહનો ચડાવો લેનાર ભાવિકોએ પીપીઈ કિટ પહેરીને ગુરુજીને લઈ ગયા હતા અને ૨.૩૭ વાગ્યે તેમને અગ્નિદાહ અપાયો હતો. આ આખો કાર્યક્રમ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. હજારો ભાવિકોએ એ ડિજિટલી નિહાળ્યો હતો.

22 November, 2020 07:33 AM IST | Mumbai | Alpa Nirmal

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હવે બ્લેક ફંગસનો ભય, મુંબઈમાં ત્રણ બાળકોની કાઢવી પડી આંખો

મુંબઈમાં બ્લેક ફંગસને લઈ ભયાનક ઘટના સામે આવી છે. બ્લેક ફંગસને કારણે ત્રણ બાળકોની આંખ કાઢવી પડી હતી.

18 June, 2021 12:13 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

બોરીવલી ફ્લાયઓવરનો ખર્ચ 161 કરોડથી ચારગણો વધીને 651 કરોડ

બોરીવલીમાં ફ્લાયઓવરના બાંધકામનો ખર્ચ ચારગણો વધી ગયો છે. બીએમસીએ ૨૦૧૮માં ૧૬૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા, પરંતુ હવે વહીવટી તંત્રએ નવા એક્સ્ટેન્શન સાથેના ફ્લાયઓવરની યોજના સાથે ૬૫૧ કરોડ રૂપિયાના સુધારેલા ખર્ચ સાથેની દરખાસ્ત રજૂ કરી છે.

18 June, 2021 10:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના ભવન વિવાદ પર નેતા સંજય રાઉતે કહ્યું.....

શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે જણાવ્યું હતું કે મુંબઈસ્થિત શિવસેના ભવન માત્ર પક્ષનું હેડ ક્વૉર્ટર જ નહીં, મહારાષ્ટ્રની ઓળખનું પ્રતીક છે અને કોઈએ એના પર ખરાબ નજર નાખવાની હિંમત ન કરવી જોઈએ.

18 June, 2021 09:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK