Mumbai News: બોરીવલીમાં સ્લૅબ તૂટી પડતાં એક જ પરિવારની ત્રણ મહિલા ઘાયલ થઈ, જુહુનો વાઇસ ગ્લોબલ તપસ બાર સીલ કરાયો અને વધુ સમાચાર
પ્રતીકાત્મક તસવીર
થાણે જિલ્લાના ભિવંડીમાં રખડતા કૂતરાઓનો આતંક મચ્યો છે અને છેલ્લા બે દિવસમાં રસ્તા પરથી પસાર થતા આશરે ૨૪૯ લોકોને કૂતરા કરડ્યાની ઘટના બની છે. ૭ જુલાઈએ ૧૧૪ અને ૮ જુલાઈએ ૧૩૫ લોકોને કૂતરા કરડ્યા હતા. આ ૨૪૯ લોકોને ભિવંડીની ઇન્દિરા ગાંધી હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ૪ વર્ષનાં નાનાં બાળકોથી લઈને ૭૦ વર્ષના વૃદ્ધોને કૂતરાઓએ તેમના શિકાર બનાવ્યાં હતાં. પાંચ વર્ષની રાબિયા શેખને શાંતિ વાડી વિસ્તારમાં કૂતરું કરડતાં તેને હવે થાણેની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના પર સર્જરી કરવી પડે એવી સ્થિતિ છે. તેના પિતા રિક્ષા-ડ્રાઇવર છે. આ વિસ્તારમાં એકસાથે ૪૫ લોકોને રખડતા કૂતરા કરડ્યા છે, એમાં પચીસ બાળકો છે. કામતનગરમાં ૬૦ લોકોને કૂતરા કરડ્યા હતા.
બોરીવલીમાં સ્લૅબ તૂટી પડતાં એક જ પરિવારની ત્રણ મહિલા ઘાયલ થઈ
ADVERTISEMENT
બોરીવલી (વેસ્ટ)ના સત્યાનગર પાસે આવેલા ચાચા નેહરુ ગાર્ડન પાસે આવેલા જીજે એસ્કે બિલ્ડિંગના ફ્લૅટનો સ્લૅબ સોમવારે રાતે ૧.૪૫ વાગ્યે ભારે વરસાદને કારણે તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ૪૫ વર્ષની મંગલમ સેલ્વાકુમાર, ૨૫ વર્ષની શાલિન સેલ્વાકુમાર અને ૧૬ વર્ષની રૂહિકા સેલ્વાકુમાર ઘાયલ થઈ હતી. બોરીવલી પોલીસે જણાવ્યા અનુસાર આ ત્રણે ઘાયલ મહિલાઓને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તેમને દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. જોકે તેમની ઈજા ગંભીર ન હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.
બસ-સ્ટૉપથી આસાનીથી ઘરે કે ઑફિસ જવા શરૂ કરવામાં આવેલી ઈ-બાઇક્સની સર્વિસ થઈ બંધ
મુંબઈના ખૂણે-ખૂણે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST-બેસ્ટ)ની બસો પહોંચી શકતી ન હોવાથી એણે એક પ્રાઇવેટ કંપની સાથે ટાઇ-અપ કરીને બસ-સ્ટૉપથી પ્રવાસીઓ આસાનીથી પોતાની જગ્યાએ જઈ શકે એ માટે ઈ-બાઇક્સ શરૂ કરી હતી. જોકે ૧૮૦ વિસ્તારોમાં વોગો ઈ-બાઇક્સના નામે શરૂ કરવામાં આવેલી આ સર્વિસ કંપનીએ બેસ્ટને જાણ કર્યા વગર જ બંધ કરી દીધી છે. બેસ્ટનું કહેવું છે કે બે મહિના પહેલાં વોગો કંપનીએ અમને જાણ કર્યા વગર જ પોતાની સર્વિસ પાછી ખેંચી લીધી હતી. ૨૦૨૨માં શરૂ થયેલી આ સર્વિસ હેઠળ મુંબઈના ૧૮૦ વિસ્તારોમાં ૧૦૦૦ બાઇક ચાલતી હતી. ઈ-બાઇક્સની સર્વિસ બંધ થઈ જવાને લીધે ઘણા મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી છે.
કલ્યાણમાં ડ્રગ-ઇન્સ્પેક્ટર અને તિલકનગરમાં સિનિયર ઇન્સ્પેક્ટર લાંચ લેતાં પકડાયા
કલ્યાણમાં નવી મેડિકલ શૉપ શરૂ કરવા માટે જરૂરી પરવાનગી આપવા કલ્યાણના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના ડ્રગ-ઇન્સ્પેક્ટર સંદીપ નરવણેએ એક લાખ રૂપિયાની લાંચ માગતાં સોમવારે સાંજે નવી મુંબઈના ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ તેમની પૈસા લેતી વખતે ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી હતી. બીજા એક કેસમાં ઘાટકોપરમાં મહિલા દ્વારા સંચાલિત ક્રેડિટ સોસાયટીમાં ચેમ્બુરમાં રહેતા એક વેપારીએ ૨૭.૫૦ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. જોકે મહિલાએ પૈસા પાછા ન આપતાં એ પૈસા કઢાવી આપવા માટે તિલકનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દીપક બાગુલે એક લાખ રૂપિયાની માગણી કરી હતી. અંતે વેપારીએ ફરિયાદ કર્યા બાદ ACBએ સોમવારે છટકું ગોઠવીને તેને પકડી પાડ્યો હતો.
જુહુનો વાઇસ ગ્લોબલ તપસ બાર સીલ કરાયો
હિટ ઍન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહે અકસ્માત કરતાં પહેલાં તેના મિત્રો સાથે જુહુના વાઇસ ગ્લોબલ તપસ બારમાં પાર્ટી કરી હતી. તેમણે એક-એક બિયર પીધો હતો. હવે જુહુના એ બાર પર કાર્યવાહી કરીને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે એને સીલ કર્યો છે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવાયું છે કે બાર દ્વારા કેટલાક નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાથી આ ઍક્શન લેવામાં આવી છે. પોલીસે આ કેસમાં બારના કેટલાક કર્મચારીઓની પણ પૂછપરછ કરી હતી.
મુંબઈનાં આઠ સ્ટેશનનાં નામ બદલવાના પ્રસ્તાવને મહારાષ્ટ્રનાં બન્ને ગૃહની પણ મંજૂરી મળી
મુંબઈનાં આઠ રેલવે-સ્ટેશનનાં નામ જે બ્રિટિશકાળથી અસ્તિત્વમાં છે એમને દેશની સંસ્કૃતિ અને ઇતિહાસ જળવાઈ રહે એ માટે બદલવાનો રાજ્યના સંસદસભ્ય રાહુલ શેવાળેએ પ્રસ્તાવ મૂક્યો હતો. એ અંતર્ગત કરી રોડને લાલબાગ, કિંગ્સ સર્કલને તીર્થંકર પાર્શ્વનાથ, ડૉકયાર્ડ રોડને માઝગાવ, કૉટનગ્રીનને કાળા ચૌકી, સૅન્ડહર્સ્ટ રોડને ડોંગરી, મરીન લાઇન્સને મુમ્બાદેવી, ચર્ની રોડને ગિરગાંવ અને મુંબઈ સેન્ટ્રલને નાના જગન્નાથ શંકરશેટ નામ આપવાનો પ્રસ્તાવ હતો. પહેલાં એ પ્રસ્તાવ પ્રધાનમંડળમાં પાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગઈ કાલે એને વિધાનસભા અને વિધાન પરિષદમાં પાસ કરવામાં આવ્યો છે. હવે એને મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.
મંત્રાલયના પાંચમા માળેથી ઝંપલાવવાની કોશિશ કરનારને ફાયર-બ્રિગેડે બચાવ્યો
મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં રહેતા પંચાવન વર્ષના અરવિંદ પાટીલે ગઈ કાલે મુંબઈમાં મંત્રાયલના પાંચમા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે સ્થાનિક પોલીસ અને ફાયર-બ્રિગેડના જવાનોએ સંયુક્ત ઑપરેશન પાર પાડીને અરવિંદ પાટીલને આશરે અડધો કલાકની જહેમત બાદ બચાવી લીધો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘કરાડ-ચિપલૂણ રાષ્ટ્રીય ધોરી માર્ગ પરના પ્રશ્નોને લઈને અરવિંદ મંત્રાલયમાં પ્રવેશ્યો હતો. ત્યાર બાદ તેણે પાંચમા માળે પ્રવેશીને ત્યાંની બારીમાંથી બહાર ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે ત્યાં હાજર પોલીસ અધિકારીઓએ બારીમાંથી ઊતરીને પેરાપેટ પર પહોંચી ગયેલા અરવિંદ પાટીલને વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો. બીજી બાજુ ફાયર-બ્રિગેડના જવાનોએ ક્રેનની મદદથી અરવિંદ સુધી પહોંચીને તેનો જીવ બચાવી લીધો હતો.’

