વસઈમાં શુક્રવાર સુધીમાં સરેરાશ ૮૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો

નાલાસોપારા (ઈસ્ટ)ના આચોલે રોડ પર ભારે વરસાદને કારણે ભરાયેલાં પાણી
મુંબઈભરમાં ગઈ કાલે વરસાદ પડી રહ્યો હતો ત્યારે મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં પણ ગુરુવાર રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. એમાં પણ ખાસ કરીને વસઈ અને નાલાસોપારાના અનેક ભાગમાં પાણી ભરાયાં હોવાથી લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી આવી હતી. વસઈમાં શુક્રવાર સુધીમાં સરેરાશ ૮૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં વસઈમાં કુલ ૪૩૬ મિ.મી. વરસાદ નોંધાયો છે.
વસઈ અને નાલાસોપારાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાથી રિક્ષાવાળાઓ પ્રવાસીઓને લઈ જતા નહોતા અને એને લીધે સવારે ઑફિસ જતા લોકોને હેરાનગતિ વેઠવી પડી હતી. વસઈ-ઈસ્ટના ગોલાની નાકા પરિસરમાં અને ખાસ કરીને અગ્રવાલ હૉસ્પિટલ પાસે, નાલાસોપારા-ઈસ્ટમાં સ્ટેશન રોડ, તુલિંજ, આચોલે જેવા ભાગોમાં અને અનેક સોસાયટીની ગલીઓમાં પાણી ભરાઈ ગયેલાં જોવા મળ્યાં હતાં. વસઈ તાલુકમાં રસ્તા પર પસાર થઈ રહેલી એક એસટી બસની એકદમ પાસે જ રસ્તા પરનું મોટું ઝાડ ધરાશાયી થયું હતું. નસીબજોગે મોટી દુર્ઘટના થતાં બચી ગઈ હતી. વસઈ-ઈસ્ટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જરા વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે. હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે આવી હાલત છે તો આગામી મુશળધાર વરસાદમાં કેવી હાલત થશે એવી ચિંતા લોકોને થઈ રહી છે.