° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


મૈં ના ભૂલુંગા યે બરસાત કા દિન

18 June, 2021 08:08 AM IST | Mumbai | Priti Khuman Thakur

નાલાસોપારાનો ગુજરાતી ગઈ કાલનો દિવસ હંમેશાં યાદ રાખશે: વસઈના વૅક્સિનેશન સેન્ટરની બહાર તળાવ બનતાં ફસાઈ ગયો: વસઈ-વિરારના હાલ વરસાદે કર્યા બેહાલ : કામ પરથી પાછા આવેલા લોકોને રિક્ષાઓ ન મળતાં રસ્તા પર ફાંફાં મારવા પડ્યાં

વસઈના વૅક્સિનેશન સેન્ટરની બહાર પાણી ભરાતાં વૅક્સિન લેવા આવેલા લોકો પરેશાન થયા હતા.

વસઈના વૅક્સિનેશન સેન્ટરની બહાર પાણી ભરાતાં વૅક્સિન લેવા આવેલા લોકો પરેશાન થયા હતા.

વસઈ-વિરારમાં બુધવાર રાતથી પડી રહેલા વરસાદે ગઈ કાલ સુધી ​વિરામ લેવાનું નામ જ લીધું નહોતું. એને કારણે વસઈ, નાલાસોપારા અને વિરારના તમામ રસ્તાઓ પર પાણી ભરાયેલાં જોવા મળ્યાં હતાં અને અમુક રસ્તાઓએ તો તળાવનું સ્વરૂપ લીધું હતું. એટલું જ નહીં, નાલાસોપારાના મુખ્ય વૅક્સિનેશન સેન્ટરની બહાર તળાવ જેવી પરિસ્થિતિ ઊભી થવાથી વૅક્સિન લેવા આવેલા લોકોએ ભારે પરેશાની વેઠવી પડી હતી અને સુધરાઈની બસ તેમને રેસ્ક્યુ કરવા આવી એ પછી તેમનો છુટકારો થયો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સાંજના સમયે કામ પરથી પાછા આવતા લોકોએ રિક્ષા મળી રહી ન હોવાથી આમતેમ ફરવું પડ્યું હતું. 

વૅક્સિનેશન સેન્ટરમાં લોકો ફસાયા
વસઈ (ઈસ્ટ)માં ગોલાની નાકામાં આવેલી મુખ્ય અને સૌથી વધુ વૅક્સિન ઉપલબ્ધ હોય છે એ અગ્રવાલ હૉસ્પિટલમાં વૅક્સિન લેવા ગયેલા લોકોને ગઈ કાલનો દિવસ જીવનભર યાદ રહી જશે. આ હૉસ્પિટલ ઇન્ડસ્ટ્રિયલ પરિસર તરફ આવેલી છે. વસઈ-વિરારના મોટા ભાગના લોકો અને ખાસ કરીને ૧૮થી ૪૪ વર્ષની ઉંમરના લોકોને અહીં વૅક્સિન મળતી હોવાથી લોકોની અવરજવર વધુ હોય છે. વિદેશ જતા યુવાન વર્ગને પણ અહીં જ વૅક્સિન મળે છે. ગઈ કાલે મુશળધાર વરસાદને કારણે હૉસ્પિટલની બહાર પાણી ભરાઈ જતાં તળાવ જેવો રસ્તો થઈ ગયો હોવાથી લોકો હૉસ્પિટલની અંદર જ અનેક કલાક સુધી ફસાઈ ગયા હતા. 

આવો જ અનુભવ કરનાર નાલાસોપારામાં રહેતા અને વિદેશ જવા પહેલાં વૅક્સિન લેવા માગતા પરમ ચિતલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું કૅનેડાની કૉલેજમાં એચઆરનો કોર્સ કરી રહ્યો છું. ફ્લાઇટ ન હોવાથી હાલમાં ઑનલાઇન સ્ટડી કરું છું અને એક્ઝામ આપી રહ્યો છું. સવારે સાડાદસ વાગ્યાની આસપાસ હું હૉસ્પિટલ પહોંચ્યો ત્યારે વરસાદ નહોતો. હૉસ્પિટલ પહોંચીને સ્કૂટી પાર્ક કરીને અંદર જઈ રહ્યો હતો કે તરત તોફાની વરસાદ આવવા લાગ્યો હતો. સ્કૂટી પાણીની અંદર જવા લાગી હતી અને હૉસ્પિટલની બહારનો રસ્તો તળાવ જેવો થઈ ગયો હતો. મારી સાથે અનેક લોકો વૅક્સિન લેવા આવ્યા હતા. મને કોવિશીલ્ડ વૅક્સિન જોઈતી હતી. જોકે એ ઉપલબ્ધ ન હોવાથી વૅક્સિન તો ન મળી, પરંતુ હેરાનગતિ ભરપૂર મળી હતી. પાણી હૉસ્પિટલની પ્રિમાઇસિસમાં થઈને અંદર આવવા લાગ્યું હતું. મારી એક્ઝામ સાંજે છ વાગ્યે હોવાથી મારી ચિંતા વધી ગઈ હતી. શું કરવું એ સમજાઈ રહ્યું નહોતું. અંતે ૩-૪ કલાક બાદ સુધરાઈની બસ અમને રેસ્ક્યુ કરવા આવી હતી અને એણે અમને મેઇન રોડ પર છોડ્યા હતા. ’

ત્રણ ભેંસ પાણીમાં તણાઈ ગઈ
વિરાર (ઈસ્ટ)માં આવેલા ફુલપાડામાં ગઈ કાલે બપોરે આશરે એક વાગ્યે પાંચ ભેંસ સ્પીડથી જઈ રહેલા નાળાના પાણીમાં તણાઈ ગઈ હતી. આ વિશે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં એણે બચાવકાર્ય હાથ ધરીને એમાંથી બે ભેંસને બચાવી લેવામાં સફળતા મેળવી હતી.

વિરારમાં સાડાછ ઇંચ અને વસઈમાં પાંચ ઇંચ પાણી પડ્યું
નવી મુંબઈ, થાણે અને પૂર્વનાં પરાંઓમાં ગઈ કાલે સવારે ૮.૩૦થી સાંજે ૮.૩૦ સુધીના ૧૨ કલાકના સમયગાળામાં ૧૨૦ એમએમ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે કોલાબામાં આ જ સમયગાળા દરમ્યાન ૧૯.૬ એમએમ અને સાંતાક્રુઝમાં ૬૬.૨ એમએમ વરસાદ નોંધાયો હતો. વસઈ-વિરાર બેલ્ટમાં તો અતિભારે વરસાદની નોંધ થઈ હતી. 

રીજનલ મિટિરિયોલૉજિકલ સેન્ટર મુંબઈ દ્વારા આવનારા ચાર દિવસ સુધી હજી મુંબઈ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે, એ સાથે જ કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે એમ છે. ગઈ કાલે દિવસ દરમ્યાન વસઈ-વિરાર બેલ્ટમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો, જેમાં માંડવીમાં ૪૭ એમએમ, અગાસીમાં ૧૧૦ એમએમ, નિર્મલમાં ૯૩ એમએમ, વિરારમાં ૧૬૧ એમએમ, માણિકપુરમાં ૧૯ એમએમ અને વસઈમાં ૧૨૫ એમએમ વરસાદની નોંધ થઈ હતી. આવનારા ચાર દિવસ પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાનો હોવાથી લોકોને સાવચેત રહેવાની અને ઝાડની નીચે ઊભા ન રહેવાની ભલામણ રીજનલ મિટિરિયોલૉજિકલ સેન્ટર મુંબઈ દ્વારા કરાઈ છે. ગઈ કાલે મુંબઈ, રાયગડ અને પાલઘર માટે ઑરેન્જ અૅલર્ટ જાહેર કરાઈ હતી, પણ શુક્રવાર માટે યલો અૅલર્ટ જાહેર કરાઈ છે.

18 June, 2021 08:08 AM IST | Mumbai | Priti Khuman Thakur

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સીએમ ઠાકરેના જન્મદિવસે અદાણી અંબાણીએ `સામના` માં જાહેરાત આપી પાઠવી શુભેચ્છા

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર અને અદાણી અંબાણીએ સામના સમાચારપત્રમાં જાહેરાત આપી શુભેચ્છા પાઠવી હતી.

27 July, 2021 06:28 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

JBIMS:૩જો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ

બે મુખ્ય શિષ્યવૃત્તિના વિજેતાઓ વૈભવ તામ્બે અને જતીન સદ્રાણી છે. એડ-હોક શિષ્યવૃત્તિ વિજેતાઓ હેમંત આહેર, મૃણાલી બિવાલકર, દર્શ ગણાત્રા અને શૈલી કૈલ છે.

27 July, 2021 06:21 IST | Mumbai | Partnered Content
મુંબઈ સમાચાર

આંખમાં આંસુ અને ગુસ્સા સાથે શિલ્પાએ રાજ કુન્દ્રાને કહ્યું કે આપણી....

પોર્ન ફિલ્મ કેસ મામલે ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાને ખરી ખોટી સંભળાવી.

27 July, 2021 03:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK