Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વરસાદથી ફરી બેહાલ

વરસાદથી ફરી બેહાલ

05 July, 2022 09:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં અનેક સ્થળે પાણી ભરાયાં, ભયંકર ટ્રાફિક જૅમ, ટ્રેનવ્યવહાર ખોરવાયો : પાંચ દિવસ માટે શહેર સહિત પાલઘર, થાણે, રાયગડમાં ઑરેન્જ અલર્ટ

દહિસરના આનંદનગરમાં રોડ પર અને ફુટપાથ પર પાણી ભરાઈ ગયાં હતાં

Mumbai Rains

દહિસરના આનંદનગરમાં રોડ પર અને ફુટપાથ પર પાણી ભરાઈ ગયાં હતાં


મૉન્સૂન ફરી સક્રિય થતાં ગઈ કાલે આખો દિવસ મુંબઈ સહિત એમએમઆર રીજન અને કોંકણપટ્ટીમાં વરસાદે જોરદાર બૅટિંગ કરી હતી. મુંબઈમાં ગઈ કાલ રાત્રે ૮.૩૦ કલાકે પુરા થયેલા ૨૪ કલાક દરમ્યાન કોલાબામાં ૬૬.૪ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૪૦.૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો. આજે અને આવતી કાલે પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હોવાથી રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર દ્વારા મુંબઈ અને થાણેમાં આજ માટે અને રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં આવતા પાંચ દિવસ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. ભારે વરસાદને કારણે ગઈ કાલે મુંબઈના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઘરમાં અને દુકાનોમાં પાણી ભરાઈ જતાં લોકોએ હાડમારી વેઠવી પડી હતી. એ સિવાય ઈસ્ટર્ન અને વેસ્ટર્ન હાઇવે પર ટ્રાફિક બહુ સ્લો મૂવિંગ હતો, બમ્પર ટુ બમ્પર ટ્રાફિકને કારણે અનેક વાહનચાલકોએ ટ્રાફિક જૅમનો ભોગ બનવું પડ્યું હતું.

રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર-મુંબઈના ડિરેક્ટર જયંત સરકારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ છત્તીસગઢ પર લો પ્રેશરનો પટ્ટો સર્જાયો છે અને પશ્ચિમ દિશામાં ઝડપી પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ મૉન્સૂન માટેનાં પૂરક પરિબળો બનતાં હોવાથી હાલ પાંચેક દિવસ કેટલાક વિસ્તારોને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. અમે હાલ મુંબઈ અને થાણેમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે, જ્યારે મંગળવારથી ચાર દિવસ માટે યલો અલર્ટ જાહેર કરી છે. રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં તો પાંચેપાંચ દિવસ જોરદાર વરસાદ પડવાની શક્યતા હોવાથી પાંચ દિવસ ઑરેન્જ અલર્ટ જાહેર કરાઈ છે. જોકે અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને જરૂર પડશે તો એમાં ફેરફાર પણ કરવામાં આવશે.’  




મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર ‘ગઈ કાલે ભારે વરસાદને કારણે મુંબઈમાં કુલ પાંચ જગ્યાએ ઘર અથવા ઘરનો કેટલોક ભાગ તૂટી પડવાની પાંચ ઘટના બની હતી, જેમાં ત્રણ ઘટના મુંબઈ સિટીમાં જ્યારે ૧ ઈસ્ટર્ન સબર્બ્સ અને એક વેસ્ટર્ન સબર્બ્સમાં બની હતી. જ્યારે સિટીમાં બે, ઈસ્ટર્ન સબર્બ્સમાં પાંચ અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૭ જગ્યાએ ઝાડ પડ્યાં હતાં. એ જ પ્રમાણે શૉર્ટ સર્કિટની પાંચ ઘટના નોંધાઈ હતી.  

ભારે વરસાદને કારણે જો કોઈ જગ્યાએ ભૂસ્ખલન થાય કે પછી પૂરની પરિસ્થિતિ સર્જાય તો એને પહોંચી વળવા મુંબઈ, થાણે, મ્હાડ, રત્નાગિરિ અને ચિપલુણમાં એનડીઆરએફની ટીમો તહેનાત કરાઈ છે. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન ગઈ કાલે સાંજ બાદ મોડી દોડી રહી હતી. સેન્ટ્રલ રેલવે ૧૫ મિનિટ અને વેસ્ટર્ન રેલવે પણ ૨૦ મિનિટ મોડી દોડી રહી હતી. લાંબા અંતરની ટ્રેનો પણ વરસાદને કારણે તેમના નિર્ધારિત સમય કરતાં મોડી દોડી રહી હતી.  


66.4
કોલાબામાં ૨૪ કલાકમાં આટલા મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2022 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK