Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચોમાસામાં પાણી ભરાશે તો રેલવે પોલીસ પણ આવશે તમારી વહારે

ચોમાસામાં પાણી ભરાશે તો રેલવે પોલીસ પણ આવશે તમારી વહારે

15 May, 2021 10:35 AM IST | Mumbai
Rajendra B Aklekar

અંબરનાથના રેલવે ડૅમના પરિસરમાં મોટરબોટમાં નાગરિકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડવા સહિતનાં કાર્યોની લીધી તાલીમ

ઉલ્હાસ નદીમાં પૂર આવતાં બદલાપુર સ્ટેશન નજીક 700 પ્રવાસીઓ સાથે ફસાઈ ગયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસનો ફાઇલ ફોટો.

ઉલ્હાસ નદીમાં પૂર આવતાં બદલાપુર સ્ટેશન નજીક 700 પ્રવાસીઓ સાથે ફસાઈ ગયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસનો ફાઇલ ફોટો.


ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે જળબંબાકારમાંથી નાગરિકોને બચાવવાની અને રાહતકાર્યની તાલીમ રેલવે પોલીસના જવાનોને ગઈ કાલે અંબરનાથસ્થિત જીઆઇપી રેલવે ડૅમના સરોવર અને આસપાસના પરિસરમાં આપવામાં આવી હતી. રેલવે પોલીસ ફોર્સની નવી રચવામાં આવેલી સ્પેશ્યલ ફ્લડ રેસ્ક્યુ ટીમે ૧૧ મેએ અંબરનાથમાં લર્નિંગ ઍન્ડ પ્રૅક્ટિસ સેશનનું આયોજન કર્યું હતું. એમાં મોટરબોટ્સ અને લાઇફ જૅકેટ્સ સહિત વિવિધ પ્રકારનાં સાધનો અને વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.

ચોમાસામાં સબર્બન રેલવેના વ્યવહારમાં વરસાદ અડચણરૂપ બને એની તકેદારીરૂપે વિચારણા કરીને કાર્યયોજના ઘડવામાં આવી છે. ચોમાસાની પૂર્વતૈયારીરૂપે મધ્ય રેલવેએ પાંચ બોટ મેળવી છે અને પશ્ચિમ રેલવે આઠ બોટ મેળવવાની ઔપચારિકતા આગળ ધપાવે છે. મે મહિનાના અંત સુધીમાં મધ્ય રેલવેને ૮૦ અને પશ્ચિમ રેલવેને ૮૦ લાઇફ જૅકેટ તેમ જ અન્ય આવશ્યક સાધન-સામગ્રી અને યંત્રો પ્રાપ્ત થવાની ધારણા છે. અંબરનાથમાં યોજાયેલા લર્નિંગ ઍન્ડ પ્રૅક્ટિસ સેશનમાં મુંબઈ ડિવિઝનની ટ્રેઇન્ડ કમાન્ડો ટીમ તેમ જ થાણે અને બદલાપુરમાં રચાયેલી રેસ્ક્યુ ટીમ સહભાગી થઈ હતી. રેલવે પોલીસ ફોર્સ (આરપીએફ) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) ઉપરાંત લોકલ પોલીસ અને અંબરનાથ ફાયર બ્રિગેડ જેવી એજન્સીઓ પણ એમાં સામેલ થઈ હતી. ભારે વરસાદને કારણે પાણી ભરાવાને લીધે રઝળી પડેલા ટ્રેનોના પ્રવાસીઓ તથા અન્ય અટવાઈ પડેલા રાહદારીઓને બચાવવાની વિવિધ પ્રકારની કાર્યવાહીની તાલીમ-રિહર્સલ સાથે અસેમ્બલિંગ, ડિસેમ્બલિંગ અને મોટરબોટ ઑપરેટિંગનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.



બે વર્ષ પહેલાં ચોમાસામાં મુંબઈ-કોલ્હાપુર એક્સપ્રેસ બદલાપુર રેલવે સ્ટેશનની પાસે જળબંબાકારમાં ફસાઈ જવાની ઘટના વખતે રેસ્ક્યુ ટીમ મહત્ત્વપૂર્ણ બની હતી. એ વખતે ૭૦૦ મુસાફરોને બચાવવા માટે નૅશનલ ડિઝૅસ્ટર રિલીફ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનોને પણ બોલાવવામાં આવ્યા હતા. ૨૦૨૦ના જાન્યુઆરી મહિનામાં મધ્ય રેલવેએ ૧૫ રેસ્ક્યુ ટીમ બનાવી હતી. એ ટીમોને એનડીઆરએફના જવાનો તાલીમ આપવાના હતા, પરંતુ એ કાર્યક્રમ ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે ખોરવાઈ ગયો હતો.   


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2021 10:35 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK