Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મનસુખ હિરણ કેસમાં ભૂતપૂર્વ પોલીસ કૉન્સ્ટેબલ અને ક્રિકેટ બુકીની ધરપકડ

મનસુખ હિરણ કેસમાં ભૂતપૂર્વ પોલીસ કૉન્સ્ટેબલ અને ક્રિકેટ બુકીની ધરપકડ

22 March, 2021 11:56 AM IST | Mumbai
Faizan Khan

બુકી નરેશ ગોરે સચિન વઝે અને કૉન્સ્ટેબલ વિનાયક શિંદેને બેનામી સિમ-કાર્ડ્સ આપ્યાં હતાં

ભૂતપૂર્વ કૉન્સ્ટેબલ વિનાયક શિંદેને કોર્ટમાં લઈ જઈ રહેલા એટીએસના અધિકારીઓ

ભૂતપૂર્વ કૉન્સ્ટેબલ વિનાયક શિંદેને કોર્ટમાં લઈ જઈ રહેલા એટીએસના અધિકારીઓ


મનસુખ હિરણ હત્યા કેસમાં મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)ના અધિકારીઓએ ગઈ કાલે ભૂતપૂર્વ પોલીસ કૉન્સ્ટેબલ અને લખન ભૈયા બનાવટી એન્કાઉન્ટર કેસના આરોપી ૫૧ વર્ષના વિનાયક શિંદે તથા ક્રિકેટ પર સટ્ટો લેતા બુકી નરેશ ગોરની ધરપકડ કરી હતી. નરેશ ગોરની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી અને વિનાયક શિંદેને પોલીસ ઇન્સ્પેક્ટર દયા નાયકની ટીમે થાણેના કળવાથી ઝડપી લીધા હતા. વિનાયક શિંદેને લખન ભૈયા બનાવટી એન્કાઉન્ટર કેસના અનુસંધાનમાં પોલીસ દળમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

એટીએસના અધિકારીઓએ બન્નેને ધરપકડ કર્યા પછી થાણેના ચીફ જ્યુડિશ્યલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્યાં મૅજિસ્ટ્રેટે બન્નેને ૩૦ માર્ચ સુધી એટીએસની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. બન્ને આરોપીઓના વકીલ અૅડ્વોકેટ અશોક માનેએ જણાવ્યું હતું કે ‘બન્નેને શંકા પરથી પકડવામાં આવ્યા છે. એટીએસ તરફથી ૧૪ દિવસની કસ્ટડી માગવામાં આવી હતી તેની સામે અમે વિરોધ કર્યો હતો.’



મહારાષ્ટ્ર એટીએસના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે નરેશ ગોરે ગુજરાતમાં અજાણી વ્યક્તિને નામે નોંધાયેલા વોડાફોનના પાંચ સિમ-કાર્ડ્સ સચિન વઝેને અને એક સિમ-કાર્ડ વિનાયક શિંદેને આપ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વિનાયક શિંદે વર્ષ ૨૦૨૦ના મે મહિનાથી પેરોલ પર છૂટ્યો છે અને ત્યારથી એ સચિન વઝેના સંપર્કમાં છે. સચિન વઝે વિનાયકને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં મદદ કરતા હતા.


મનસુખ હિરણને રાતે ૮.૦૦ અને ૮.૩૦ વાગ્યા વચ્ચે છેલ્લે કરવામાં આવેલા વૉટ્સઅૅપ કૉલની ડીટેલ્સ મેળવવા માટે મહારાષ્ટ્ર એટીએસના તંત્રે તેના ટેક્નિકલ રિસોર્સિસને અસાધારણ પ્રમાણમાં સક્રિય કર્યા હતા. એટીએસના એક વરિષ્ઠ અમલદારે જણાવ્યું હતું કે અમે થાણે અને ઘોડબંદર પાસે ઘણો ડમ્પ ડેટા ચેક કર્યો હતો. મનસુખ હિરણના વૉટ્સઅૅપ કૉલ્સની ડીટેલ્સ મેળવવા માટે પ્રયત્નશીલ ટેક્નિકલ ટીમે ઘણી મહેનત કરીને નંબર મેળવ્યો હતો. એ નંબર મળ્યા પછી ફોન કરનારને પકડવા એટીએસના ચક્રો ગતિમાન કર્યા હતા. છેલ્લો વૉટ્સઅૅપ કૉલ કરનારે પોતાની ઓળખ ‘તાવડે’ તરીકે આપી હતી.

કેસની તપાસમાં સક્રિય એટીએસની બીજી ટીમે એ નંબર ગુજરાતમાં અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું હતું, તેથી તેમણે ત્યાં શોધખોળ શરૂ કરી હતી. પૂછપરછ અને તપાસમાં તેઓ નરેશ ગોર નામના ક્રિકેટ બુકી સુધી પહોંચ્યા હતા. એટીએસના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે નરેશ ગોરે અમદાવાદથી વોડાફોનના ૧૫ સિમ-કાર્ડ્સ મેળવ્યાં હતાં. નરેશે તેમાંથી કેટલાંક સિમ-કાર્ડ્સ સચિન વઝેને આપ્યાં હતાં અને એક સિમ-કાર્ડ વિનાયક શિંદેને આપ્યું હતું. વિનાયક શિંદે એ સિમ-કાર્ડ દ્વારા સચિન વઝેનો સંપર્ક સાધતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2021 11:56 AM IST | Mumbai | Faizan Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK