Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભગવાન, હૈ કહાં રે તૂ...

ભગવાન, હૈ કહાં રે તૂ...

26 July, 2022 08:45 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

દેવેન્દ્ર ફડણવીસજી, તમે જ અમને બેઘરમાંથી ફરી ફ્લૅટના ઓનર બનાવી શકો એમ છો એમ કહીને ઘાટકોપર-વેસ્ટના દામોદર પાર્ક પાસે આવેલી અને પાંચ વર્ષ પહેલાં ૨૫ જુલાઈ ૨૦૧૭ના દિવસે જમીનદોસ્ત થયેલી ઇમારતના પુનઃ નિર્માણ માટે દર્દભરી વિનંતી

ઇમારત ધ્વંસ થયાનાં પાંચ વર્ષ પછી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમને તેમનાં ઘરો પાછાં મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરવા ગઈ કાલે જમા થયેલા ઘાટકોપર-વેસ્ટની સિદ્ધિસાંઈ સોસાયટીના સભ્યો.

26th July 2005

ઇમારત ધ્વંસ થયાનાં પાંચ વર્ષ પછી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમને તેમનાં ઘરો પાછાં મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરવા ગઈ કાલે જમા થયેલા ઘાટકોપર-વેસ્ટની સિદ્ધિસાંઈ સોસાયટીના સભ્યો.


ઘાટકોપર-વેસ્ટના દામોદર પાર્ક પાસે આવેલી અને પાંચ વર્ષ પહેલાં ૨૫ જુલાઈ ૨૦૧૭ના દિવસે શિવસેનાના કાર્યકર અને સોસાયટીના સેક્રેટરીની ભૂલને કારણે જમીનદોસ્ત થઈ ગયેલી સિદ્ધિ સાંઇ સોસાયટીના સભ્યોએ ગઈ કાલે પાંચ વર્ષ પહેલાંની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રહેવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે એકઠા થયેલા સોસાયટીના રહેવાસીઓએ દુર્ઘટનાના દિવસે રાતના ઘટનાસ્થળની મુલાકાતે આવેલા એ સમયના ભારતીય જનતા પાર્ટીના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસના શબ્દોને યાદ કરીને રેઢિયાળ સરકારી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સોસાયટીના મેમ્બરોને પાંચ વર્ષ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે આશ્વાસન આપ્યું હતું કે તમારી ધ્વંસ થયેલી ઇમારતનું ફરીથી નિર્માણ કરવા માટે દસ દિવસમાં બધા જ ડૉક્યુમેન્ટ્સ તૈયાર થઈ જશે. જોકે ગઈ કાલે રહેવાસીઓએ સરકારી તંત્ર અને ભ્રષ્ટાચારી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અત્યારે અમારા પ્લૉટના અમુક ભાગને સરકારી અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને પોતાના પ્લૉટના પ્લાનમાં બતાવી દેવાથી અને પ્લૉટની સાઇઝ કલેક્ટરે સર્વેમાં ઘટાડી નાખતાં આખો મામલો કલેક્ટર ઑફિસ અને કોર્ટમાં અટવાયેલો છે. સરકારે ભલે અમે પુનર્વસન માટે રહેવા માટે ફ્લૅટ આપ્યા છે, પણ અમે અમારા ફ્લૅટ હોવા છતાં બેઘર બની ગયા છીએ અને અત્યારે તો કોર્ટકચેરીના ધક્કા ખાઈએ છીએ.

વેદનામય દિવસો
આ બાબતની માહિતી આપતાં આ સોસાયટીના સભ્ય અને સભ્યો વતી કાયદાકીય લડત લડી રહેલા બીરેન્દ્ર સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અત્યંત વેદનામય દિવસોમાં પાંચ વર્ષથી જીવી રહ્યા છીએ. અમારા સ્વજનોને તો અમારી ઇમારતની દુર્ઘટનામાં અમે ગુમાવ્યા, પણ અત્યારે તો એવું લાગે છે કે તેઓ બહુ મોટી પીડામાંથી છૂટી ગયા અને અમે કોઈ પણ જાતની ઈજા ન થઈ હોવા છતાં માનસિક પીડાથી રિબાઈ રહ્યા છીએ. નવાઈની વાત એ છે કે દેવેન્દ્ર ફડણવીસે આશ્વાસન આપ્યા પછી આજ સુધી કોઈ રાજકીય નેતાઓ અમારા હાલ પૂછવા અને અમારી પીડા જાણવા માટે આગળ આવ્યા નથી. હવે જ્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે દેવેન્દ્ર ફડણવીસ પાછા સત્તા પર આવ્યા છે ત્યારે અમે તેમને ટ્વીટ કરીને તેમણે આપેલા આશ્વાસનની યાદ અપાવી છે. જોકે હજી તેમના તરફથી કોઈ જ રિસ્પૉન્સ મળ્યો નથી.’



શું બનાવ બન્યો હતો?
અમારી સોસાયટી પ્લૉટ સીએસ નંબર-૧૨૮ના ભાગ પર ૧૯૮૩માં બાંધવામાં આવી હતી એમ જણાવીને બીરેન્દ્ર સિંહે કહ્યું હતું કે ‘આ સોસાયટીનો પ્લૉટ સિટી સર્વે ઑફિસના ૧૮૭૯માં કરવામાં આવેલા સીમાંકન સમયે ૪૯૦ ચોરસ મીટરનો પ્લૉટ હતો. સોસાયટી ૧૯૮૪-’૮૫માં રજિસ્ટર્ડ થઈ હતી જેના મૂળ માલિક પ્રેમનારાયણ િત્રવેદી અને રાજારામ એસ. બાને હતા. સોસાયટીનો કારોબાર ૨૦૦૮થી ધરાશાયી થઈ ત્યાં સુધી શિવસેનાના નેતા અને અમારી સોસાયટીના સેક્રેટરી સુનીલ શીતપ સંભાળતા હતા. સુનીલ શીતપે તેમના ગ્રાઉન્ડ ફ્લોરના ચાર ફ્લૅટનું જુલાઈ ૨૦૧૭માં નવીનીકરણ શરૂ કર્યું હતું. એમાં તેમની ઘોર બેદરકારીને લીધે અને મહાનગરપાલિકાની પરવાનગી વગર પિલર કાઢી નાખતાં આખી ઇમારત  ૨૫ જુલાઈ ૨૦૧૭માં ધરાશાયી થઈ ગઈ હતી. એમાં અમારી સોસાયટીનાં નાનાં બાળકો સહિત ૧૬ સભ્યોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. એને કારણે શીતપ સામે ફરિયાદ થઈ હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લે તેઓ જામીન પર છૂટી ગયા હતા.’


પ્લૉટની સાઇઝ ઘટી ગઈ
સુનીલ શીતપનું જે થયું એ થયું, પણ અમારા માટે ઇમારતનું નવનિર્માણ કરવામાં વિઘ્નો આવવાની શરૂઆત થઈ ગઈ, જેનો અમે આજ સુધી સામનો કરી રહ્યા છીએ એમ જણાવીને બીરેન્દ્ર સિંહે કહ્યું હતું કે ‘જેમ અમને દેવેન્દ્ર ફડણવીસે દસ દિવસમાં મહાનગરપાલિકામાં દસ્તાવેજો ક્લિયર થઈ હશે એવું આશ્વાસન આપ્યું હતું એવું જ આશ્વાસન અમને ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય અને પ્રતિષ્ઠિત બિલ્ડર પરાગ શાહે માનવતાના ધોરણે આપ્યંહ હતું કે તેઓ નો પ્રૉફિટ નો લૉસ પ્રમાણે અમારી ઇમારતનું નવનિર્માણ કરી આપશે. જોકે અમે જ્યારે અમારા પ્લૉટના નકશાને ચેક કરવા ગયા ત્યારે અમને એક અત્યંત દુખદાયક સમાચાર સિટી સર્વે કલેક્ટર તરફથી મળ્યા હતા કે અમારો પ્લૉટ ૪૯૦ ચોરસ મીટરને બદલે ૨૦૦૫ના તેમના રેકૉર્ડ પ્રમાણે ફક્ત ૩૫૯ ચોરસ મીટરનો જ છે. એ સાથે જ અમારા ઘરવાપસીના સપના પર પાણી ફરી વળ્યું હતું અને અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.’ 
બીરેન્દ્ર સિંહે કરેલી રાઇટ ટુ ઇન્ફર્મેશનની અરજીમાં તેમની સામે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. આ માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે ‘ઉપનગરીય જિલ્લા કલેક્ટરના એક અધિકારીએ અમારી બાજુમાં ઇમારત બાંધી રહેલા એક બિલ્ડરને ૨૦૦૫ની સાલમાં જ અમારી જમીનનો અમુક હિસ્સો આપી દીધો હતો. એ જમીનના માલિક નારાયણ દ્વિવેદી અને રાજારામ બનેએ તત્કાલીન સિટી સર્વેની કચેરીમાંથી માહિતી ગુમ થઈ ગઈ હતી અને તેમના રેકૉર્ડ પર અમારો પ્લૉટ ફ્ક્ત ૪૯૦ ચોરસ મીટરને બદલે ૩૫૯ ચોરસ મીટર જ હોવાથી અમારા માટે ઇમારતનું નવનિર્માણ કરવા માટે લીગલ ફાઇટ કરવા સિવાય કોઈ જ રસ્તો બચ્યો નહોતો. અમારી લાંબી લડત પછી કલેક્ટર ઑફિસે નવા સીમાંકન પ્રમાણે ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮માં અમારો પ્લૉટ ૩૫૯.૪૦ ચોરસ મીટરમાંથી ૪૪૮.૭૦ ચોરસ મીટરનો જાહેર કર્યો હતો.’

નવા મહેસૂલપ્રધાન પર મીટ
અમારી લાંબી લડત પછી આખો મામલો મહેસૂલપ્રધાન બાળાસાહેબ થોરાત પાસે ગયો હતો એમ જણાવીને બીરેન્દ્ર સિંહે કહ્યું હતું કે ‘અમારી કમનસીબીનો હજી અંત આવ્યો નથી. બાળાસાહેબ થોરાત પાસે આખો મામલો સુનાવણી માટે ગયો હતો. તેઓ ન્યાય આપે એ પહેલાં જ કોવિડ અને લૉકડાઉનને કારણે અમારી સુનાવણી થઈ શકી નહોતી. ત્યાર બાદ ૧૪ એપ્રિલ ૨૦૨૨ના દિવસે બાળાસાહેબ થોરાતે સુનાવણી  શરૂ કરી હતી જે તેમણે ૨૫ એપ્રિલ સુધીમાં પૂરી કરી હતી. તેમને ફક્ત આદેશ આપવાનો જ બાકી હતો અને રાજ્યમાં પૉલિટિકલ ક્રાઇસિસ સર્જાતાં બાળાસાહેબ થોરાત આદેશ આપી શક્યા નહોતા. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નસીમ ખાને તેમને જલદીથી આદેશ આપવાની વિનંતી કરી હતી. જોકે અમારા નસીબ બે ડગલાં પાછળ હશે તો આજ સુધી અમને અમારી ફેવરનો આદેશ મળ્યો નથી.’


અમે આથી નવી સરકારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને અમને ન્યાય આપવા વિનંતી કરતો એક મેસેજ ટ્વીટ કર્યો છે એમ જણાવીને આ સોસાયટીના સભ્ય દર્શન દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ટ્વીટમાં દેવેન્દ્ર ફડણવીસને તેમનો વાયદો યાદ અપાવીને અમારી સોસાયટીના નવનિર્માણમાં તેઓ સહયોગી બને એવી વિનંતી કરી છે. હવે અમારો આશરો ફક્ત મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ જ છે. આ બંને અમારા માટે અત્યારના સંજોગોમાં ભગવાન સ્વરૂપ છે જેઓ અમને બેઘરમાંથી ફરીથી અમારા ઘરના માલિક બનાવી શકે એમ છે.’

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2022 08:45 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK