° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

શીતલ દામાની ડેડ બૉડી અસલ્ફાથી 22 કિલોમીટર દૂર હાજી અલી કઈ રીતે પહોંચી?

06 October, 2020 07:39 AM IST | Mumbai | Rohit Parikh

શીતલ દામાની ડેડ બૉડી અસલ્ફાથી 22 કિલોમીટર દૂર હાજી અલી કઈ રીતે પહોંચી?

શીતલ હસબન્ડ સાથે.

શીતલ હસબન્ડ સાથે.

અસલ્ફા વિલેજમાં અનાજ દળાવીને ઘરે પાછી ફરી રહેલી બે બાળકોની મમ્મી શીતલ જિતેશ દામા ખુલ્લી ગટરમાં તણાઈ ગઈ હતી. તેનો મૃતદેહ રવિવારે રાતે ૧૧ વાગ્યે છેક હાજી અલીની દરગાહ પાસેના દરિયામાંથી પોલીસને મળ્યો હતો. ‘શીતલ ખોવાઈ નથી ગઈ, તેનું મૃત્યુ થયું છે’ એવું જાણ્યા બાદ દામાપરિવારના માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. આ ઘટના માટે મહાનગરપાલિકાની બેદરકારી સામે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે શીતલ દામાની ડેડ બોડી અસલ્ફાથી ૨૨ કિલોમીટર દૂર હાજીઅલી ગટરમાં તણાઈને પહોંચી કઈ રીતે? પોલીસ પણ આજુબાજુના વિસ્તારોના સીસીટીવી ફુટેજની પણ તપાસ કરી રહી છે. શીતલનું અકસ્માતથી જ મૃત્યુ થયું છે કે કેમ એ મુદ્દે શંકા સેવાઈ રહી છે. ઘાટકોપરથી હાજીઅલી એક અંદાજ મુજબ ૨૨ કિલોમીટર દૂર છે.

શનિવારે સાંજથી ૩૨ વર્ષની શીતલ દામા અચાનક ગુમ થઈ જતાં દામાપરિવાર અને ભાનુશાલી સમાજ ચિંતાતુર બન્યો હતો. એવા સમયે તે અનાજ દળાવવા માટે લઈ ગઈ હતી એ લોટની થેલી અસલ્ફા વિલેજની એક ખુલ્લી મોટી ગટર પાસેથી મળતાં પરિવારને અને સમાજના કાર્યકરોને શીતલ ભારે વરસાદ બાદ આવેલા ગટરના પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હોવાની શંકા ગઈ હતી. એટલે રવિવારે સવારથી ફાયરબ્રિગેડ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા સ્થાનિક કાર્યકરોએ શીતલને શોધવા માટે આખી ગટર ઉલેચી નાખી હતી, પણ પાણીના જબરદસ્ત ફોર્સને કારણે રાતે ૮ વાગ્યા સુધી તેઓ શીતલને શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. રાત પડી જતાં તેમણે પાણીનો ફોર્સ ઘટે અને શીતલ મળી જાય એ માટેની રાહ જોઈ હતી.

shital

હવે સિનિયર સિટિઝન સાસુ પર શીતલની દોઢ વર્ષની દીકરી અને આઠ વર્ષના દીકરાના ઉછેરની જવાબદારી આવી ગઈ.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સ્થાનિક નેતા અને ભાનુશાલી સમાજના અગ્રણી મહેન્દ્ર ભાનુશાલી અને તેમની સાથે શનિવારથી શીતલને શોધવા માટે સક્રિય બનેલા કમલેશ દામાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શીતલના પરિવાર સહિત સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકરોએ શીતલને શોધવા માટે ૨૮ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો નહોતો લાગ્યો. રવિવારે રાતે ૧૧ વાગ્યે તાડદેવ પોલીસ-સ્ટેશનની હદમાં હાજીઅલી દરગાહ પાસે એક મહિલાનો મૃતદેહ મળ્યો હોવાની માહિતી મળી હતી. એ માહિતી ઘાટકોપર પોલીસ-સ્ટેશનને આપવામાં આવી હતી. ઘાટકોપર પોલીસે રાતે અઢી વાગ્યે અમને આ માહિતી આપી હતી. માહિતી મળતાં અમે તરત હાજીઅલી પહોંચી ગયા હતા. શીતલના મેડિકલ ચેકઅપમાં તે કોવિડ-પૉઝિટિવ આવી હોવાથી અમને ફક્ત તેના દાગીના અને કપડાં બતાવવામાં આવ્યાં હતાં અને એના આધારે એ મૃતદેહ શીતલનો હોવાની અમને ખાતરી થઈ હતી. મૃતદેહ ૨૭ કલાકથી વધુ સમય સુધી પાણીમાં રહેતાં કોહવાઈ ગયો હતો. નાયર હૉસ્પિટલમાં તેનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યા બાદ બપોરે શીતલના અંતિમ સંસ્કાર કુર્લાની સ્મશાનભૂમિમાં તેના પરિવારની હાજરીમાં કરવામાં આવ્યા હતા.’

આ સંબંધે શિવસેનાના વૉર્ડ-નંબર ૧૬૦ના નગરસેવક કિરણ લાંડગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવા બનાવ બને ત્યારે હંમેશાં મહાનગરપાલિકા અને પ્રશાસન પર લોકો આક્ષેપ કરે છે. શીતલની ઘટનામાં જે નગરસેવકો આ વૉર્ડમાં કાર્ય કરી ચૂક્યા છે, જે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટરો વર્ષોથી આ કાર્યમાં વ્યસ્ત રહ્યા છે એ બધાને અસલ્ફાથી શીતલનો મૃતદેહ હાજીઅલી કેવી રીતે સુધી પહોંચ્યો એ સવાલ મૂંઝવી રહ્યો છે. તેમનું માનવું છે કે અસલ્ફાથી ૨૨ કિલોમીટર દૂર નાળામાંથી ડેડ બૉડી ત્યાં સુધી વહી જવી અશક્ય છે.

શીતલના મૃત્યુ માટે મહાનગરપાલિકા જવાબદાર હોવાનો આરોપ કરતાં મહેન્દ્ર ભાનુશાલીએ કહ્યું હતું કે ‘અસલ્ફામાં વરસાદમાં ખૂબ પાણી ભરાય છે. એવા સમયે રોડ પરની ગટર દેખાતી નથી. શીતલ શનિવારે વરસાદનાં ભરાયેલાં પાણીને લીધે બીજા રસ્તેથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે ત્યાંના ફાઇબરના ગટરનાં ઢાંકણાં મેનહોલ પરથી ઊડીને દૂર જતાં રહ્યાં હતાં. પહેલાં અહીં ગટર પર સિમેન્ટનાં ઢાંકણાં લાગતાં હતાં, પણ જ્યારથી ફાઇબરના ઢાંકણાં બેસાડવામાં આવ્યાં છે ત્યારથી રાહદારીઓ માટે ચાલવાનું જોખમી બની ગયું છે. આ ઢાંકણાં વરસાદના પાણીમાં વહી જાય છે અથવા દૂર ફંગોળાઈ જાય છે.

મહાનગરપાલિકાએ શીતલનાં સંતાનોની જેમ બીજાં બાળકો માતાવિહોણાં બની ન જાય એ માટે ફાઇબરને બદલે સિમેન્ટનાં ઢાંકણાં મેનહોલ પર બેસાડવાની તાતી જરૂર છે.’

મહેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું કે ‘મહાનગરપાલિકાની બેદરકારી સામે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગટરનાં સિમેન્ટ અને ફાઇબરનાં ઢાંકણાં પર શીતલના મૃત્યુથી રાજકારણ ગરમાયું છે. બધા જ પક્ષના નેતાઓએ મહાનગરપાલિકાની બેદરકારીની આકરી ટીકા કરી હતી.’

આ સવાલોના જવાબ નથી

અસલ્ફા વિલેજનાં નાળાં માહિમ પાસેની મીઠી નદીને મળે છે એથી જો કોઈ ડેડ બૉડી તણાઈને આવે તો એ મીઠી નદી પાસે મળવી જોઈતી હતી એને બદલે એ હાજીઅલીના દરિયા સુધી કઈ રીતે પહોંચી ગઈ?

સાકીનાકા પાસે નાળામાં ગ્રિલ બેસાડાયેલી છે. એ જગ્યાએ કચરાના ઢગલા જમા થાય છે, તો એક મહિલાનો મૃતદેહ ત્યાંથી કઈ રીતે પસાર થઈ શકે?

નાળામાં ત્રણથી વધારે જગ્યાએ જાળી બેસાડવામાં આવી છે. એવા સંજોગોમાં શીતલની ડેડ બૉડી એ જાળીમાંથી કેવી રીતે પસાર થઈ અને છેક હાજીઅલી સુધી કઈ રીતે પહોંચી?

તપાસનો આદેશ
શીતલ દામાનો મૃતદેહ અસલ્ફા વિલેજથી હાજીઅલી પહોંચ્યો કઈ રીતે એ બાબતે શંકા સેવાઈ રહી છે, એટલું જ નહીં, મુંબઈ મહાનગરપાલિકાના અસિસ્ટન્ટ કમિશનર (પ્રોજેક્ટ) પી. વેલારાસુએ આ બાબતની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

આ સવાલ શીતલના આકસ્મિક મૃત્યુ સામે શંકા ઊપજાવે છે. આથી જ પી. વેલારાસુએ આ બાબતમાં તપાસ કરીને ૧૫ દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ મહાનગરપાલિકાને આપ્યો છે.

ઘાટકોપર પોલીસ શું કહે છે?
ઘાટકોપરના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર નિગુડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનરે દાખવેલી શંકા પછી શીતલની ડેડ બૉડી અસલ્ફાથી બાવીસ કિલોમીટર દૂર હાજીઅલી કઈ રીતે પહોંચી એ બાબતની ઘાટકોપર પોલીસ પણ તપાસ કરી રહી છે.

06 October, 2020 07:39 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પોલીસ સાથે ગેરવર્તન કરવાના અને અપશબ્દ બોલવાના આરોપસર મુલુંડના વેપારીની ધરપકડ

પોતાની ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે ગેરવર્તન કરવા બદલ મુલુંડ પોલીસે એક વેપારીની ધરપકડ કરી છે.

16 April, 2021 12:30 IST | Mumbai | Mehul Jethva
મુંબઈ સમાચાર

કોરોનાનો ખોટો નેગેટિવ રિપોર્ટ બનાવવાના આરોપસર લૅબના ટેક્નિશ્યનની થઈ ધરપકડ

લોકો પાસેથી રિપોર્ટદીઠ ૧૦૦૦ રૂપિયા લઈને કોઈ પણ જાતની ટેસ્ટ વિના મોબાઇલ પર મોકલી આપતો

16 April, 2021 12:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મુંબઈ: બ્રેક ધ ચેઇન ઇફેક્ટ : રસ્તાઓ પર બહુ જ પાંખી અવરજવર

કોરોનાને રોકવા સરકાર દ્વારા કડક પ્રતિબંધ લગાડવામાં આવ્યા હોવાથી ફરી એક વાર મુંબઈગરાનું જીવન સ્થગિત થઈ ગયું છે અને એ દેખાઈ રહ્યું છે. ટ્રેનોમાં માત્ર અત્યાવશ્યક સેવા, સરકારી કર્મચારીઓ અને બહુ જ જરૂરી કામ હોય તો જ લોકો પ્રવાસ કરે છે. રસ્તાઓ પણ ખાલીખમ

16 April, 2021 12:33 IST | Mumbai | Bakulesh Trivedi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK