Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોમેસ્ટિક ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને મંજૂરી નહીં અપાય તો ખતમ થઈ જશે : સીએમએઆઇ

ડોમેસ્ટિક ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને મંજૂરી નહીં અપાય તો ખતમ થઈ જશે : સીએમએઆઇ

13 May, 2021 09:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરોનાની બીજી બાદ ત્રીજી લહેર આવવાના ભય વચ્ચે કામકાજ ઠપ : ૭૭ ટકા મૅન્યુફૅક્ચરરો ૨૫ ટકા સ્ટાફ ઘટાડવાની ફિરાકમાં

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કોરોનાની બીજી લહેર વચ્ચે મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં ૧૫ મે સુધી લૉકડાઉન લાગુ કરાયું છે ત્યારે એક્સપોર્ટ કરતા ગાર્મેન્ટ્‌સને પ્રોડક્શનની પરવાનગી છે. ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી હજી બે-ત્રણ મહિના બંધ રહેશે તો મહારાષ્ટ્રમાં ગાર્મેન્ટ્‌સનો બિઝનેસ કરતા વેપારીઓએ ધંધો સંકેલી લેવાની નોબત આવે એવી સ્થિતિ ઊભી થવાની શક્યતા ધ ક્લોધિંગ મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સીએમએઆઇ)ના સર્વેમાં જણાવાઈ છે.

સીએમએઆઇના સર્વેમાં એવું કહેવાયું છે કે કોવિડની આજની પરિસ્થિતિમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ૭૨ ટકા મૅન્યુફૅક્ચરર્સના ૫૦ ટકા ઑર્ડર કૅન્સલ થયા છે. આવી જ પરિસ્થિતિ રહી તો આવતી દિવાળી કે આવતા વર્ષની શરૂઆત સુધી વ્યવસાયમાં સુધારો નહીં થાય. બીજું, આજે ૫૦ ટકા કામગારો કોરોનાના ભયથી તેમના વતનમાં જતા રહ્યા છે. આથી અત્યારે ૭૭ ટકા મૅન્યુફૅક્ચરર્સ તેમનો સ્ટાફ ૨૫ ટકા ઘટાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.



કોરોનાની પહેલી લહેર ઓછી થયા બાદ આ વર્ષની શરૂઆતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી ૮૦ ટકા રિકવર થઈ હતી. જોકે કોરોનાની બીજી લહેર શરૂ થવાથી રાજ્યમાં લાગુ કરાયેલા લૉકડાઉનથી એપ્રિલ ૨૦૨૧માં ૫૫ ટકા મૅન્યુફૅક્ચરરોનું કામકાજ ૨૫ ટકા થઈ ગયું હતું.


સીએમએઆઇના પ્રવક્તા રાહુલ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકાર ડોમેસ્ટિક ગાર્મેન્ટ્‌સને ચાલુ કરવાની મંજૂરી નહીં આપે તો આ ઇન્ડસ્ટ્રીએ આગામી દિવાળીનો વેપાર ગુમાવવો પડશે. એટલું જ નહીં, ૨૦૨૨ની શરૂઆત સુધીમાં ૨૦ ટકા લોકોએ અહીંથી ધંધો સંકેલી લેવો પડે એવી સ્થિતિ આવી શકે છે. મહારાષ્ટ્ર સરકારને અમે રજૂઆત કરી છે કે એક્સપોર્ટના કામકાજની સાથે ડોમેસ્ટિક કામને પણ પચાસ ટકા કૅપેસિટી સાથે કોવિડના તમામ નિયમોનું પાલન કરીને મંજૂરી આપે. સરકાર આ બાબતે પૉઝિટિવ વિચારશે તો જ આ ઇન્ડસ્ટ્રી અહીં ટકી શકશે. નહીં તો બીજાં રાજ્યો તરફ નજર દોડાવવી પડશે.’

સાંતાક્રુઝમાં ઍપેક્સ ગાર્મેન્ટ્સના નામે બિઝનેસ કરતા અનિલ ગામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલા લૉકડાઉનમાં અમારી ઇન્ડસ્ટ્રીના વર્કરો હેરાન થયા હતા એટલે આ વખતે તેઓ લૉકડાઉન થયા પહેલાં જ વતન ભેગા થઈ ગયા છે. મહારાષ્ટ્ર સિવાયનાં રાજ્યોમાં પણ ધીમે-ધીમે લૉકડાઉન કરાઈ રહ્યું હોવાથી ક્યાંય મૅન્યુફૅક્ચરિંગ કરવાનું શક્ય નથી. આથી મને લાગે છે કે ઈદ તો ગઈ, હવે દિવાળી પણ આમ ને આમ જશે. ૨૦૨૧નું વર્ષ પણ ગયા વર્ષની જેમ ફેલ જવાની શક્યતા છે. આથી અમારી ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થશે. અનેક લોકોએ કામકાજ બંધ કરવું પડે એવી સ્થિતિ છે. સરકાર દ્વારા અમારી ઇન્ડસ્ટ્રીને કોઈ રાહત નથી અપાઈ એટલે પણ મુશ્કેલી થઈ રહી છે.’


દાદરમાં સ્ટુડિયો આઇસીએક્સ નામે લેડીઝ ગાર્મેન્ટ્સનું કામકાજ કરતા અશ્વિન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોતાના વતની ગયેલા કારીગરો મહિનાઓ સુધી પાછા આવવાની શક્યતા નથી. આથી લૉકડાઉનમાં ડોમેસ્ટિક મૅન્યુફૅક્ચરરોને સરકાર છૂટ આપે તો પણ નવાં કામકાજ નહીં થઈ શકે. બીજું, તમામ ખર્ચા ઊભા છે. એની સામે સરકારે કોઈ રાહત નથી આપી. કોરોનાની ત્રીજી લહેર આવવાની વાતો ચાલી રહી છે ત્યારે લોકો પોતાની પાસે કૅશ રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી અગાઉ થયેલા કામકાજની ઉઘરાણી પણ અટકી ગઈ છે. એકસાથે અનેક બાબતો માથે આવી પડી હોવાથી દિવાળી તો શું, આવતા વર્ષની શરૂઆત સુધી કામકાજ પાટે ચડે એવું અત્યારે નથી લાગી રહ્યું.’

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2021 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK