Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તપસ્વીઓને ટિફિન-સર્વિસ આપવા જૈનોએ કરેલી યાચિકાની આજે કોર્ટમાં થશે સુનાવણી

તપસ્વીઓને ટિફિન-સર્વિસ આપવા જૈનોએ કરેલી યાચિકાની આજે કોર્ટમાં થશે સુનાવણી

16 April, 2021 08:28 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

હાઈ કોર્ટ પાસે ૧૯ એપ્રિલથી ૨૭ એપ્રિલ દરમ્યાન દેરાસરો પણ ખુલ્લાં રાખવાની પરવાનગી માગવામાં આવી છે

આયંબિલ હાઉસ

આયંબિલ હાઉસ


જૈનોની સોમવારથી શરૂ થતી ચૈત્ર માસની આયંબિલની ઓળીમાં દેરાસરો સાથે જોડાયેલી આયંબિલ શાળામાંથી આયંબિલના તપસ્વીઓ માટે આયંબિલ તપના જમવાના ટિફિનની સેવા આપવાની મહારાષ્ટ્ર સરકાર તરફથી પરવાનગી આપવામાં આવે એવી એક અરજી દાદર (વેસ્ટ)માં આવેલા શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ અને ભાયખલા (ઈસ્ટ)માં આવેલા શ્રી મોતીશા રિલિજિયસ ઍન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોમવાર, ૧૨ એપ્રિલે હાઈ કોર્ટમાં કરવામાં આવી છે. આ અરજી પર આજે કોર્ટમાં સુનાવણી થશે અને આજે જ કોર્ટ તરફથી આદેશ આપવામાં આવે એવી શક્યતા છે. આ પવિત્ર દિવસોમાં દેરાસરો પણ ખોલવાની સરકાર પરવાનગી આપે એવી વિનંતી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી યાચિકામાં કરવામાં આવી છે. 

જૈનોની ચૈત્ર માસની શાશ્વત ઓળી સોમવાર, ૧૯ એપ્રિલથી ૨૭ એપ્રિલ સુધી થશે. એમાં સાધુ-સંતો સહિત હજારો જૈનો મુંબઈમાં ઓળીની તપશ્ચર્યા કરશે. જૈનોની એક વર્ષમાં બે વખત શાશ્વત ઓળી આવે છે. આ ઓળીઓ ચૈત્ર માસમાં અને આસો માસમાં આવે છે. જૈનો આ નવ દિવસ તેમની આરાધના અને ઉપાસના દેરાસર સાથે જોડાયેલી આયંબિલ શાળામાં કરે છે. હજારો આયંબિલ તપના તપસ્વીઓ નવ-નવ દિવસ સુધી તેલ, ઘી, દૂધ અને સબરસ વગરના આહારથી આયંબિલ કરે છે. આ તપમાં એક જગ્યાએ બેસીને તપસ્વીએ એક જ વાર જમવાનું હોય છે. એની સાથે ઉકાળેલું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. આયંબિલ તપની રસોઈમાં બાફેલાં, મીઠું અને મરી નાખેલાં કોઈ પણ જાતના મસાલા વગરનાં કઠોળ અને દાળ, ઘી અને તેલ વગરની રોટલી-રોટલા, ખીચડી, ભાત જેવા ખાદ્ય પદાર્થો હોય છે. તળેલા ખાદ્ય પદાર્થો, શાકભાજી અને ફ્રૂટ્સનો આયંબિલ તપના આહારમાં ઉપયોગ કરવામાં આવતો નથી. નાનાં બાળકોથી લઈને વૃદ્ધ જૈન ભાવિકો અને સાધુ-સંતો હજારોની સંખ્યામાં આ આરાધનામાં જોડાય છે. 



કોરોનાની પ્રથમ વેવમાં આવેલા આસો મહિનામાં એટલે કે ઑક્ટોબર મહિનામાં કોરાનાવાઇરસને લીધે જૈન દેરાસરો અને ઉપાશ્રયો બંધ હોવાથી જૈનોએ તેમના ઘરે બેસીને આયંબિલ કરવાની નોબત આવી હતી, પરંતુ એ સમયે શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ અને શ્રી મોતીશા રિલિજિયસ ઍન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોર્ટમાં અરજી કરવાથી સરકારે તૈયાર કરેલી એસઓપીના પાલન સાથે મુંબઈની ૪૮ આયંબિલ શાળાઓમાં ભાવિકોને આયંબિલ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. 


આ આરાધના માટે મહારાષ્ટ્ર સરકાર મુંબઈની ૫૮ આયંબિલ શાળાઓમાં તપ માટેનાં રસોડાં ખોલીને એમાં આયંબિલ તપના તપસ્વીઓને ટિફિનસેવા આપવાની પરવાનગી આપે એવી અરજી શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ અને શ્રી મોતીશા રિલિજિયસ ઍન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોર્ટમાં કરવામાં આવી છે. 

આ અરજીની માહિતી આપતાં ઍડ્વોકેટ ગુંજન સંઘરાજકાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ૪ એપ્રિલ અને ૫ એપ્રિલે પ્રસિદ્ધ કરવામાં આવેલા નોટિફિકેશનમાં મહારાષ્ટ્રનાં બધાં જ ધર્મસ્થાનકો બંધ કરવાનો આદેશ આપ્યો છે. એને પગલે ફરીથી એક વાર જૈનોએ ઘરે બેસીને આયંબિલ કરવાની નોબત આવી છે. આથી અમે કોર્ટમાં અરજી કરીને જૈનોની આયંબિલ શાળામાંથી જૈન તપસ્વીઓ માટે ટિફિનસેવા આપવાની પરવાનગી આપવાની માગણી કરી છે.’ 


ગુંજન સંઘરાજકાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે અરજીમાં કોર્ટને જણાવ્યું છે કે નવા આદેશ પ્રમાણે સરકારે હોટેલો અને ફૂડ-સ્ટૉલો તથા ફેરિયાઓને ટેક-અવેની પરવાનગી આપી છે. હોટેલો અને ફૂડ-સ્ટૉલો ફૂડ સર્વ કરવાના પૈસા લે છે, જ્યારે જૈન ટ્રસ્ટો સમાજને આયંબિલના ફૂડ માટે નિઃશુલ્ક સેવા આપી રહ્યાં છે. આ સંજોગોમાં જૈન ટ્રસ્ટ્રોને સોમવાર, ૧૯ એપ્રિલથી ૨૭ એપ્રિલ સુધી આયંબિલ શાળામાંથી ટિફિનસેવાની પરવાનગી આપવાની વિનંતી કરતી અરજી અમે કરી છે.’  

આજે બન્ને ટ્રસ્ટો વતી ઍડ્વોકેટ પ્રફુલ્લ શાહ, ઍડ્વોકેટ ગુંજન સંઘરાજકા અને ઍડ્વોકેટ કેવલ શાહ કોર્ટમાં હાજર રહેશે. 

 હોટેલો અને ફૂડ-સ્ટૉલો ફૂડ સર્વ કરવાના પૈસા લે છે, જ્યારે જૈન ટ્રસ્ટો સમાજને આયંબિલના ફૂડ માટે સાવ જ નિઃશુલ્ક સેવા આપી રહ્યાં છે. આવા જ સંજોગોમાં જૈન ટ્રસ્ટ્રોને આયંબિલ શાળામાંથી ટિફિનસેવાની પરવાનગી આપવાની વિનંતી કરતી અરજી અમારા દ્વારા અદાલતમાં કરવામાં આવી છે.
ઍડ્વોકેટ ગુંજન સંઘરાજકા

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2021 08:28 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK