Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બારમાનું પરિણામ તમામ બોર્ડે એક સમાન ફૉર્મ્યુલા મુજબ આપવું જોઈએ

બારમાનું પરિણામ તમામ બોર્ડે એક સમાન ફૉર્મ્યુલા મુજબ આપવું જોઈએ

18 June, 2021 08:23 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

ગઈ કાલે સુપ્રીમ કોર્ટે સીબીએસઈની યોજનાને મંજૂરી આપ્યા બાદ પ્રિન્સિપાલોએ આપ્યો તેમનો મત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બારમા ધોરણનું રિઝલ્ટ કેવી રીતે જાહેર કરવું એ એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો ત્યારે સીબીએસઈ બોર્ડે વિવિધ કૉલેજો અને ફોરમ પાસેથી સજેશન માગીને અંતે સીબીએસઈ બોર્ડના બારમા ધોરણના રિઝલ્ટ માટે એક કમિટી તૈયાર કરીને ગઈ કાલે સુપ્રીમ કોર્ટને એનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં બોર્ડ દ્વારા રિઝલ્ટ તૈયાર કરવા ૩૦:૩૦:૪૦ ફૉર્મ્યુલા અપનાવવામાં આવશે. એ અનુસાર દસમા અને અગિયારમાના રિઝલ્ટના ૩૦-૩૦ ટકા અને બારમા ધોરણ દરમિયાન થયેલી વિવિધ એક્ઝામ એટલે કે પ્રી-બોર્ડ અને પ્રૅક્ટિકલ્સના માર્ક્સના આધારે રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત એ પણ રિપોર્ટમાં કહેવાયું છે કે જે વિદ્યાર્થીઓ રિઝલ્ટની આ પદ્ધતિથી ખુશ ન હોય અને પરીક્ષા આપવા માગતા હોય તેઓ કોરોનાની પરિસ્થિતિ સુધરશે ત્યારે ઑફલાઇન પરીક્ષા આપી શકશે. 

સુપ્રીમ કોર્ટે આ ફૉર્મ્યુલાને મંજૂરી આપી હતી. સીબીએસઈનું પ્રતિનિધિત્વ કરતાં ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કહ્યું હતું કે ‘પ્રત્યેક સ્કૂલમાં એના પ્રિન્સિપાલના વડપણ હેઠળ એક રિઝલ્ટ કમિટીનું ગઠન કરવામાં આવશે, જેમાં સંબંધિત સ્કૂલના બે વરિષ્ઠ પોસ્ટ-ગ્રૅજ્યુએટ ટીચર્સ (પીજીટી) તેમ જ નજીકની સ્કૂલના બે પીજીટી સામેલ રહેશે. આ કમિટીને પૉલિસીનું અનુસરણ કરીને રિઝલ્ટ તૈયાર કરવાની છૂટ આપવામાં આવશે.’  



જોકે અનેક કૉલેજોના પ્રિન્સિપાલોનું માનવું છે કે આ ફૉર્મ્યુલા દરેક બોર્ડ માટે લાગુ કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને અન્ય કોર્સમાં ઍડ્મિશન મેળવવામાં સમસ્યા ન થાય. હવે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે એના પર બધાની નજર છે.


૫૦:૨૦:૩૦ ફૉર્મ્યુલા હોવી જોઈએ
વિરારમાં આવેલી સીબીએસઈ બોર્ડ ધરાવતી મુલિંજભાઈ મહેતા ઇન્ટરનૅશનલ સ્કૂલનાં સિનિયર સેકન્ડરીનાં પ્રિન્સિપાલ મનીષા કારેકરે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘સીબીએસઈ બોર્ડ દ્વારા દિલ્હીથી અમને એક સર્વે ફૉર્મ આવ્યું હતું. આ ફૉર્મમાં અમારું સજેશન આપવાનું હતું. સર્વે ફૉર્મમાં કયા ધોરણમાં કેટલા ટકા પ્રમાણેના માર્ક્સ મળવા જોઈએ એ વિશે સવાલો હતા. એથી અમે ૫૦:૨૦:૩૦ ફૉર્મ્યુલાનું સજેશન આપ્યું હતું. હાલના બારમા ધોરણના વિદ્યાર્થીઓએ દસમાની પરીક્ષા ઑફલાઇન વ્યવસ્થિત આપી હતી. વિદ્યાર્થીઓ ૧૧માની પરીક્ષા વધુ સિરિયસ્લી લેતા નથી, કારણ કે બારમાની તૈયારીઓ કરવા પર તેમનું વધુ ધ્યાન હોય છે. આ જ કારણસર ૧૧મા ધોરણમાં હંમેશાં બાળકોના માર્ક્સ સામાન્ય આવતા હોય છે. હાલમાં પૅન્ડેમિકના કારણે બારમા ધોરણની પરીક્ષાઓ અનેક કૉલેજોમાં લેવાઈ નથી તો અનેક કૉલેજોના પ્રૅક્ટિકલ થયા નથી. અનેક વિદ્યાર્થીઓ તેમના ઘરમાં કોરોનાના દરદી હોવાથી પરીક્ષા આપી શક્યા નથી. એવામાં બારમા ધોરણને ૪૦ ટકા પ્રમાણે રિઝસ્ટમાં લેવાથી તેમના રિઝલ્ટ પર અસર થઈ શકે છે. બારમા ધોરણનું રિઝલ્ટ વિદ્યાર્થીઓની કરીઅર માટે ખૂબ જરૂરી હોય છે. જોકે બોર્ડ જે નિર્ણય લેશે એ બધાએ ફૉલો કરવો પડશે.’

બધાં બોર્ડની સરખી ફૉર્મ્યુલા જોઈએ
સ્ટેટ બોર્ડ ધરાવતી આદર્શ એજ્યુકેશન સોસાયટી-કપોળ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. સુશાંત પવારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલમાં કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાયો છે, કારણ કે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નથી મૂકવા. સરકાર અને કોર્ટ બન્નેએ પણ વિદ્યાર્થીઓના ભવિષ્યથી લઈને તેમના જીવન વિશે ધ્યાનમાં રાખીને નિર્ણય આપ્યો છે. જોકે આ બધામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે જાહેર કરેલી ફૉર્મ્યુલા બધાં જ બોર્ડ માટે યુનિફૉર્મ હોવી જોઈએ. એનું કારણ એ છે કે બારમા ધોરણ બાદ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં જવાના હોય છે. જો બધાં બોર્ડ એટલે કે સીબીએસઈ, સ્ટેટ બોર્ડ કે સીઆઇએસસીઈ બોર્ડની રિઝલ્ટ બહાર પાડવાની ફૉર્મ્યુલા અલગ હશે તો ઍડ્મિશન વખતની પ્રક્રિયામાં ખૂબ સમસ્યા ઊભી થઈ શકે છે. એથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ વાતને ખાસ પ્રાધાન્ય આપવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ પણ કોઈ ચિંતામાં ન આવે.’


રિઝલ્ટ કેવી રીતે તૈયાર થશે?
બારમાનું રિઝલ્ટ તૈયાર કરવા ફૉર્મ્યુલાનો ઉપયોગ કરીને દસમા ધોરણના કુલ પાંચ વિષયમાંથી ૩ વિષયના સૌથી સારા માર્ક્સની ગણતરી એટલે કે બેસ્ટ ઑફ થ્રીને કન્સિડર કરવામાં આવશે. ત્યારે અગિયારમા ધોરણના પાંચ વિષયોમાંથી સરેરાશ કરીને એને ગણાશે તેમ જ બારમા ધોરણની પ્રી-બોર્ડ એક્ઝામ એટલે કે યુનિટ ટેસ્ટ, ​પ્રિલિમ્સ, પ્રૅક્ટિકલ એક્ઝામના માર્ક્સની ગણતરી કરીને એને રિઝલ્ટમાં ઉમેરવામાં આવશે અને રિઝલ્ટ જાહેર થશે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ ૧૦મા ધોરણનું રિઝલ્ટ ૨૦ જુલાઈ સુધીમાં અને ૧૨મા ધોરણનું રિઝલ્ટ ૩૧ જુલાઈ સુધીમાં જાહેર કરવાનું ગઈ કાલે જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2021 08:23 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK