માલિક અને તેમની પત્ની વચ્ચે વાદવિવાદ થવો ન જોઈએ એવી લાગણીએ કાંદિવલીના એક પરિવારના ત્રણ જણના જીવ લીધા? જોકે ત્યાર બાદ ડ્રાઇવરે પોતે પણ કરી આત્મહત્યા

કાંદિવલીમાં મર્ડર પછી મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયો હતો. (તસવીર : નિમેશ દવે)
કાંદિવલી-વેસ્ટમાં રઘુવંશી ડેરીની પાછળ બૅન્ક ઑફ બરોડા પાસે પહેલાં રાધાબાઈ દળવી હૉસ્પિટલ તરીકે જાણીતા બિલ્ડિંગમાં આશિષ દળવી અને તેનો પરિવાર રહેતો હતો. આ નિવાસસ્થાને ૬૦ વર્ષનો શિવદયાળ સેન નામનો ડ્રાઇવર ઘરની વસ્તુઓ લાવવામાં મદદ કરવા ઉપરાંત આશિષના પરિવાર સાથે આશરે દસ વર્ષથી સાથે રહેતો હતો. બુધવારે મોડી રાતે ઘરમાંથી બૂમોનો અવાજ આવી રહ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં એને આશિષની ૪૫ વર્ષની પત્ની કિરણ દળવી અને ૨૬ વર્ષની દીકરી મુસ્કાનની કોયતાથી વાર કરીને હત્યા કરેલી ડેડ-બૉડી મળી આવી હતી, જ્યારે ડ્રાઇવર અને દંપતીની ૧૭ વર્ષની દીકરી ભૂમિ બન્ને અન્ય બેડરૂમમાં એક જ રસીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. મુંબઈમાં દળવી પરિવારની નજીકના સભ્યો ઓછા રહેતા હોવાથી ઇન્દોરમાં નવ વર્ષના દીકરા આદિત્ય સાથે રહેતો આશિષ મુંબઈ આવે ત્યારે આ કેસ વિશે વધુ માહિતી મળી શકશે હોવાનું પોલીસનું કહેવું છે.
મોબાઇલની લાઇટથી પોલીસ ઘરમાં ગઈ
રાતે માહિતી મળતાં અમે ખૂબ સાવચેતીપૂર્વક ઘટનાસ્થળે પહોંચ્યા હતા એવી માહિતી આપતાં કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિનકર જાધવે ‘મિડ-ડે’ને જણાવ્યંા હતું કે ‘કન્ટ્રોલ પર ફોન આવવાની સાથે પોલીસ સ્ટેશને આવીને પણ એક વ્યક્તિએ જણાવ્યું હોવાથી આ બનાવની માહિતી મળતાં તરત જ અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પહેલાં અહીં રાધાબાઈ દળવી હૉસ્પિટલ હતી અને હાલમાં આશિષ દળવીનો પરિવાર રહેતો હતો. ઘટનાસ્થળે પહોંચીને અમે અંદર ગયા, પરંતુ લાઇટનું અજવાળું ઓછું હતું. અંદરથી દરવાજો બંધ હોવાથી એને તોડીને અમે અંદર ગયા હતા. અંદર જતાં લોહી જોવા મળ્યું હતું એને આધારે આગળ વધતા એક પછી એક એમ લોહીલુહાણ હાલતમાં બે ડેડ-બૉડી જોવા મળી હતી. હત્યારો અંદર હોવાની શંકાએ અમે મોબાઇલની ટૉર્ચના પ્રકાશે ધીમે-ધીમે અંદર ગયા હતા. અન્ય રૂમ અંદરથી બંધ હતી એને તોડીને અંદર જતાં ડ્રાઇવર અને ભૂમિ એક રસી પર લટકતાં જોવા મળ્યાં હતાં. કિરણ અને મુસ્કાનને મોઢા પર અને હાથમાં કોયતાથી વાર કરવામાં આવ્યા હતા. કિરણના પતિ આશિષને જાણ કરી હોવાથી તે આવ્યા બાદ વધુ માહિતી મળી શકશે. જોકે ડ્રાઇવર અને કિરણની નાની દીકરી વચ્ચે પ્રેમસંબંધ હતો કે નહીં એ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે.’
પત્નીનાં બીજાં લગ્ન
કાંદિવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દીપશિખા વારેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કિરણનાં આશિષ દળવી સાથે બીજાં લગ્ન હતાં. કિરણની દીકરી મુસ્કાન છે, જ્યારે દળવી દંપતીને ભૂમિ અને આદિત્ય નામનાં સંતાન છે. આશિષની ઇન્દોરમાં પણ પ્રૉપર્ટી હોવાથી તે આદિત્યને લઈને અમુક વખત ત્યાં અને અમુક વખત અહીં એમ રહેતો હતો. કિરણ બ્યુટીપાર્લરનું કામ કરતી હોવાથી અહીં રહેતી હતી. ડ્રાઇવર શિવદયાળ છેલ્લાં દસથી વધુ વર્ષથી દળવી પરિવાર સાથે રહેતો હતો. ડ્રાઇવરનું કામ કરવાની સાથે ઘરની વસ્તુઓ, શાકભાજી લાવવાનું વગેરે કામ પણ તે કરતો હતો. મુસ્કાન એમબીએનો અભ્યાસ કરતી હતી અને ભૂમિ બારમા ધોરણમાં હતી.’
ભૂમિની કોયતાથી હત્યા ડ્રાઇવર કરી શક્યો નહીં?
આ કેસની તપાસ કરી રહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર દીપશિખા વારેએ કહ્યું હતું કે ‘ડ્રાઇવરના ખિસ્સામાંથી હિન્દી અને ઇંગ્લિશમાં ચાર સુસાઇડ નોટ મળી આવી હતી. એમાંથી બે સુસાઇડ નોટ તેણે લખી હતી અને અન્ય એક દીકરીએ લખી હતી. આ નોટ પણ ફૉરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. અમારી પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે ડ્રાઇવરને આવું કૃત્ય કરવા માટે કોઈ મોટી દુશ્મની હોય એવું લાગતું નથી. ડ્રાઇવરે કિરણ અને મુસ્કાનની કોયતાથી અનેક વાર કરીને હત્યા કરી હતી, જ્યારે ભૂમિ સાથે તે બાળપણથી હતો અને તેને મોટી પણ કરી હતી. એથી તેની સાથે ડ્રાઇવરને ઇમોશનલ સંબંધ હતો. એથી જ ભૂમિની કોયતાથી વાર કરીને હત્યા કરવાની કદાચ તેને હિંમત થઈ નહીં હોય. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આશિષ અને કિરણ વચ્ચે વિવાદ ચાલતો રહેતો હતો. ડ્રાઇવરને એવું લાગતું હતું કે કિરણે મારા માલિક સાથે સારી રીતે રહેવું જોઈએ અને ઝઘડો ન કરવો જોઈએ, પરંતુ તેમના વારંવાર થતા ઝઘડાથી માલિક ટેન્શનમાં રહેતા હોવાથી તેણે કિરણને પતાવવાનું વિચાર્યું હશે. જોકે આશિષ મુંબઈ આવ્યા બાદ જ ચોક્કસ માહિતી મળી શકશે. એથી પોલીસે શસ્ત્ર જપ્ત કરી મૃતદેહો પોસ્ટમૉર્ટમ માટે મોકલીને બધી દિશામાં તપાસ હાથ ધરી છે.’
પોલીસ પણ હતી દિશાહીન
બુધવારે રાતે કન્ટ્રોલ રૂમમાંથી સંદેશ મળ્યો કે દેના બૅન્ક જંક્શન પર એક માણસ હાથમાં કોયતો લઈને ફરે છે. રાતે ફરજ બજાવતા પીઆઇ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. ત્યાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી ત્યારે જણાવ્યું કે તેમણે એક માણસને બે મહિલાઓ સાથે દળવી હૉસ્પિટલના બિલ્ડિંગમાં જતા જોયો હતો અને તેમની ચીસો સાંભળી હતી. ડિટેક્શન સ્ટાફ અને મોબાઇલ વૅનના સ્ટાફની મદદથી આસપાસના પરિસરની તપાસ કરવામાં આવી હતી. જોકે, નોંધનીય વાત એ હતી કે રાત્રે દસ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં રાત્રે ૧૨ વાગ્યા સુધી પોલીસ અંધારામાં ફાંફા મારી રહી હતી. તેમને ચાર મૃતદેહ મળી આવ્યા હતા, પણ શું, કેવી રીતે થયું એ સમજ નહોતું પડતું. શરૂઆતમાં તો પોલીસે કોયતો લઈને ફરી રહેલા આરોપીને પકડવા માટે સ્ટેટ રિઝર્વ પોલીસને પણ બોલાવી લીધી હતી. પોલીસના અધિકારીઓ અંધારું હોવાથી બિલ્ડિંગમાં જતા પણ ડરતા હતા. જે પણ લોકો પહેલા અને બીજા માળે ગયા હતા એ હથિયારબદ્ધ અધિકારીઓની સાથે જ હતા. એસઆરપી, લોકલ પોલીસ અને ડિટેક્શનના ઑફિસરો આખા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, પણ તેમને કંઈ નહોતું મળ્યું. છેવટે સુસાઇડ નોટના આધારે તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે ફાંસી લેનાર ડ્રાઇવરે જ ત્રણેયના મર્ડર કરીને આત્મહત્યા કરી લીધી હશે.