એમએનએસના અધ્યક્ષને ઉર્દૂ શબ્દોવાળા હિન્દીમાં લખાયેલા પત્રમાં ધમકી આપવામાં આવી : રાજ ઠાકરેનો વાળ પણ વાંકો થશે તો રાજ્ય ભડકે બળશે એવી ચીમકી પક્ષના નેતા બાળા નાંદગાંવકરે આપી

બાળા નાંદગાંવકર
મિડ-ડે પ્રતિનિધિ
feedbackgmd@mid-day.com
મુંબઈ : એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પક્ષના નેતા બાળા નાંદગાંવકરે આ વિશે માહિતી આપી હતી કે તેમની ઑફિસમાં મળેલા પત્રમાં ઉર્દૂ શબ્દોવાળા હિન્દીમાં લખવામાં આવ્યું છે કે અઝાન બાબતે જે કરી રહ્યા છો એ બંધ નહીં કરવામાં આવે તો જાનથી મારી નાખીશું. રાજ્ય અને કેન્દ્ર સરકારે આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. રાજ ઠાકરેનો વાળ પણ વાંકો થયો તો રાજ્ય ભડકે બળશે.
એમએનએસના નેતા બાળા નાંદગાંવકરે ગઈ કાલે સવારે રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ રાજ ઠાકરેને મળ્યા હતા. એ પછી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અઝાન બાબતે જે કરી રહ્યા છો તે બંધ કરો, નહીં તો તમને જાનથી મારી નાખીશ. તમારી સાથે રાજ ઠાકરેને પણ છોડીશું નહીં.’
બાળા નાંદગાંવકરે વધુમાં કહ્યું હતું કે ‘મસ્જિદો પરના લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવ્યા બાદ આવી ધમકીઓ મળી રહી છે. મારી સાથે રાજ ઠાકરેને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મેં રાજ ઠાકરેને ધમકીનો પત્ર બતાવ્યો હતો અને ગઈ કાલે જ હું પોલીસ કમિશનરને મળ્યો હતો અને પત્રની કૉપી તેમને આપી હતી. પોલીસ શું કાર્યવાહી કરે છે એ જોઈએ.’
પત્ર કોણે લખ્યો છે અને ક્યાં મળ્યો એ વિશે બાળા નાંદગાંવકરે કહ્યું હતું કે ‘ધમકીના પત્રમાં કોઈનું નામ નથી. એ પોસ્ટ દ્વારા મારી ઑફિસમાં આવ્યો હતો. ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલને મેં આ બાબતે જાણ કર્યા બાદ તેમણે પોલીસ કમિશનર સંજય પાંડે સાથે ચર્ચા કરી હતી. હું અહીં કહેવા માગું છું કે બાળા નાંદગાંવકર ઠીક છે, પરંતુ રાજ ઠાકરેને કંઈ થયું તો આખું મહારાષ્ટ્ર ભડકે બળશે એની નોંધ રાજ્ય સરકારે લેવી. મેં અનેક વખત રાજ ઠાકરે અને તેમના પરિવારજનોની સુરક્ષાની માગણી કરી છે, પરંતુ રાજ્ય સરકાર આ મામલે કંઈ કરતી નથી. કેન્દ્ર સરકારે પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. લાઉડસ્પીકરનો મુદ્દો ધાર્મિક નહીં પણ સામાજિક હોવાનું અનેક વખત રાજ ઠાકરેએ કહ્યું છે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં, આખા દેશમાં આનો ત્રાસ છે. આથી સરકારોએ એને ગંભીરતાથી લેવો જોઈએ.’
રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતના મુદ્દે બીજેપીના સંસદસભ્યો સામસામે
રાજ ઠાકરે પાંચમી જૂને અયોધ્યાની મુલાકાતે જવાના છે ત્યારે બીજેપીના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહે વિરોધ દર્શાવ્યો છે. રાજ ઠાકરે ઉત્તર ભારતીયોની માફી ન માગે ત્યાં સુધી તેમની અયોધ્યા મુલાકાતનો પોતે વિરોધ કરશે એમ તેમણે કહ્યું છે. તો બીજી તરફ બીજેપીના સંસદસભ્ય લલ્લુ સિંહે રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતને આવકારી છે. તેમણે કહ્યું હતું કે ‘કોઈ શ્રી રામનાં દર્શન કરવા અયોધ્યા આવશે તો તેમનું સ્વાગત છે. હનુમાનજીની કૃપાથી આવી મુલાકાતને પોતે આવકારે છે. પ્રભુ શ્રીરામને પ્રાર્થના છે કે રાજ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મહારાષ્ટ્રનું કલ્યાણ માટે કામ કરે.
મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ ગઈ કાલે કહ્યું હતું કે રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતનો વિરોધ કરી રહેલા બીજેપીના ઉત્તર પ્રદેશના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહ શા માટે વિરોધ કરી રહ્યા છે એ ખબર નથી, પણ હું તેમને સમજાવી લઈશ.