Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરના વિધાનસભ્ય પ્રકાશ મહેતા સહિત ૨૦ની ધરપકડ

ઘાટકોપરના વિધાનસભ્ય પ્રકાશ મહેતા સહિત ૨૦ની ધરપકડ

27 November, 2012 03:07 AM IST |

ઘાટકોપરના વિધાનસભ્ય પ્રકાશ મહેતા સહિત ૨૦ની ધરપકડ

ઘાટકોપરના વિધાનસભ્ય પ્રકાશ મહેતા સહિત ૨૦ની ધરપકડ




રોહિત પરીખ



ઘાટકોપર, તા. ૨૭



ઘાટકોપર (ઈસ્ટ)માં ૨૦૧૧ની ૩ નવેમ્બરે ૧૦.૩૦ વાગ્યાના સુમારે દામજી શામજી ચોક અને વલ્લભબાગ લેનના કૉર્નર પર વલ્લભબાગ ક્રૉસ લેનની આનંદ મિલન સોસાયટીમાંથી નોકરીએ જઈ રહેલા ૫૪ વર્ષના કાઠિયાવાડી સ્થાનકવાસી જૈન કીર્તિ મહેતાના ટ્રાફિક વિભાગની ટોઇંગ-વૅનના ડ્રાઇવરની બેદરકારીથી ઍક્સિડન્ટ પછી ઘટનાસ્થળે જ થયેલા મૃત્યુને લીધે ઉશ્કેરાયેલા લોકોએ કરેલા રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આંદોલનનું નેતૃત્વ કરનારા ઘાટકોપર (ઈસ્ટ)ના બીજેપીના વિધાનસભ્ય પ્રકાશ મહેતા, ઘાટકોપર બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ હર્ષ મહેતા, કૉન્ગ્રેસના નગરસેવક પ્રવીણ છેડા, ભૂતપૂર્વ નગરસેવક ભાલચન્દ્ર શિરસાટ અને અન્ય ૨૦ કાર્યકરોની ગઈ કાલે પંતનગર પોલીસે ધરપકડ કરતાં ઘાટકોપરના વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જોકે વિક્રોલી કોર્ટે બધા જ આંદોલનકારીઓને જામીન આપી છોડી મૂક્યા હતા.


આ ઘટના વિશે પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ નિર્મલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની તપાસ પૂર્ણ થતાં અમે આંદોલનકારીઓની ધરપકડ કરી હતી. આ સિવાય આમાં વિશેષ કંઈ જ નથી.’ જોકે એક પોલીસ-અધિકારીએ આ ધરપકડ માટે ટ્રાફિક-હવાલદાર અરુણ કદમે હાઈ કોર્ટમાં કરેલી અપીલને જવાબદાર ગણાવી હતી, જેમાં પોતાના બચાવ સાથે અરુણ કદમે ઘટના બન્યા પછી થયેલા જનઆંદોલન માટેના જવાબદાર લોકોની ધરપકડ કેમ કરવામાં ન આવી, એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હોવાનું કહેવાય છે.

જામીનનો કર્યો ઇનકાર

ગઈ કાલે પંતનગર પોલીસે સવારે ૧૦ વાગ્યે ધરપકડ કર્યા પછી આંદોલનકારીઓને ૧૧.૩૦ વાગ્યે વિક્રોલી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં ૩૦૦૦ રૂપિયાની રોકડ પર જામીન આપી છોડી મૂક્યા હતા, પરંતુ એ પહેલાં પ્રકાશ મહેતાએ કોર્ટમાં તેમની ધરપકડ કયાં કારણોસર કરવામાં આવી છે એનાથી તેઓ અજાણ છે એમ કહી જામીન લેવાનો અને પોલીસે કરેલા આક્ષેપો માનવાનો ઇનકાર કરી દીધો હતો, જેની સામે કોર્ટે કેસ લડવાની અનુમતિ આપી હતી. આખરે અનેક ઝંઝટો પછી અને પંતનગર પોલીસની વિનંતી પછી બધાએ જામીન સ્વીકાર્યા હતા.

કીર્તિ મહેતાના કુટુંબીજનો શું કહે છે?

પ્રકાશ મહેતા, પ્રવીણ છેડા અને અન્ય કાર્યકરોની ધરપકડનો વિરોધ કરતાં કીર્તિ મહેતાના ભાઈ જસ્મિન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ભાઈનું મૃત્યુ આરટીઓની ટોઇંગ-વૅનના ૧૯ વર્ષના ડ્રાઇવર ઇમરાન ખાનની બેદરકારીને લીધે થયું હતું. આટલી નાની વયના ડ્રાઇવરના હાથમાં ટૉઇગ-વૅન સોંપવા માટે ટ્રાફિક-હવાલદાર અરુણ શંકર કદમ પણ એટલો જ જવાબદાર હતો, જેના માટે ફાસ્ટ-ટ્રૅક ર્કોટે ચુકાદામાં ૧૬ ઑક્ટોબરે ઇમરાન ખાન અને અરુણ કદમને સાત વર્ષ અને ત્રણ મહિનાની સજા જાહેર કરી હતી.’

ફાસ્ટ-ટ્રૅક કોર્ટે શું ચુકાદો આપ્યો હતો?

ટ્રાફિક-પોલીસની ટોઇંગ-વૅનથી થયેલા અકસ્માતથી ઘટનાસ્થળે જ થયેલા કીર્તિ મહેતાના મૃત્યુ બદલ જવાબદાર ટોઇંગ-વૅનના ડ્રાઇવર ઇમરાન ખાન અને તેની બાજુમાં બેઠેલા ટ્રાફિક-હવાલદાર અરુણ કદમને ૧૬ ઑક્ટોબર ૨૦૧૨એ ફાસ્ટ-ટ્રૅક કોર્ટે સાત વર્ષ અને ત્રણ મહિનાની સજા ફરમાવી હતી. 

૨૦૧૧ની ૩ નવેમ્બરે શું બન્યું હતું?

ઘાટકોપરના પ્રતિષ્ઠિત બિલ્ડર ડી. કે. પટેલની કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા કીર્તિ મહેતા તેમના રોજિંદા ક્રમ મુજબ સવારે ૧૦.૩૦ વાગ્યે નોકરીએ જઈ રહ્યા હતા ત્યારે દામજી શામજી ચોક અને વલ્લભબાગ લેનના કૉર્નર પર આર. બી. મહેતા માર્ગ (૬૦ ફૂટ રોડ) પરથી વલ્લભબાગ લેન તરફ ફુલ સ્પીડમાં આવી રહેલી ટ્રાફિક ટોઇંગ-વૅનના ડ્રાઇવરે કીર્તિ મહેતાને કચડી નાખતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ટોઇંગ-વૅનનો ડ્રાઇવર ઇમરાન ખાન અને તેની બાજુમાં બેઠેલો ટ્રાફિક-હવાલદાર અરુણ કદમ ઘટના પછી તરત જ ટોઇંગ-વૅન મૂકીને નાસી ગયા હતા. આનાથી ઉશ્કેરાયેલા સ્થાનિક રહેવાસીઓએ ડ્રાઇવર અને ટ્રાફિક-હવાલદારના મેડિકલ ચેક-અપની અને તેમની પર ૩૦૨ની કલમ લગાડવાની માગણી સાથે જનઆંદોલન કર્યું હતું, જેમાં પ્રકાશ મહેતા, પ્રવીણ છેડા અને ભાલચન્દ્ર શિરસાટ તથા અનેક સામાજિક કાર્યકરો જોડાયા હતા.

આવા ગુના અમે વારંવાર કરીશું : પ્રકાશ મહેતા

ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભ્ય પ્રકાશ મહેતાએ ગઈ કાલની પોલીસકાર્યવાહીની સામે પ્રત્યાઘાત આપતાં કહ્યું હતું કે ‘કીર્તિ મહેતાના બનાવ પછી જે કંઈ બન્યું એ સ્વયંસ્ફુરિત અને જનઆંદોલન હતું, એ સમયે ૭૦૦થી ૮૦૦ લોકોની ભાવનાને પણ એક લોકપ્રતિનિધિ તરીકે જોવાની મારી ફરજ હતી, જે મેં નિભાવી હતી. ગઈ કાલે પંતનગર પોલીસે અમારી ધરપકડ કરી, પણ અમારા પર કયા ચાર્જ દાખલ કર્યા હતા એની જાણ અમને વિક્રોલી કોર્ટમાં પહોંચ્યા પછી થઈ હતી. અમારા પર લોકોને ઉશ્કેરીને આંદોલન કર્યાનો ચાર્જ હતો, જે અમને માન્ય ન હોવાથી અમને જામીન મળ્યાં પછી આ વાત અમે જજ સમક્ષ મૂકી હતી. અમારા હાથમાં ચાર્જશીટની કૉપી આવ્યા પછી, એનો સંપૂર્ણ અભ્યાસ કરી જનહિતને ધ્યાનમાં રાખી અમે જરૂર પડશે તો આંદોલનનો માર્ગ અપનાવી જનહિતના વિષયોને સત્તા સમક્ષ મૂકતાં રોકાઈશું નહીં. પોલીસના દંડૂકાથી ડર્યા વગર અમારી જનહિત માટેની લડત સતત ચાલુ રહેશે. આવા ગુના અમે વારંવાર કરીશું. ભલે અમારે જેલમાં જવું પડે.’

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2012 03:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK