દાગીનાના લૂંટારાઓનો બે કિલોમીટર પીછો કરીને ફિલ્મી સ્ટાઇલમાં પકડ્યા

ફિલ્મી સ્ટાઇલમાં ચોરને પકડ્યા બાદ પોલીસ સાથે ગણેશ (એકદમ જમણે)
એક જ્વેલરની દુકાનમાંથી સોનાના દાગીના ખરીદીને નીકળેલી મહિલાના હાથથી બૅગ છીનવીને બાઇક પર ભાગી રહેલા ચોરોનો એકદમ ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને એક સ્થાનિક યુવકે એમાંના એક ચોરને પકડી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચોરોને પકડતી વખતે તે યુવક બે વખત પડી ગયો હતો અને તેને થોડો માર પણ લાગ્યો હતો. છતાં તેણે તેમનો પીછો કરવાનો છોડ્યો નહોતો. અંતે તેની મહેનત રંગ લાવી અને તે બોમાંથી એક ચોરને પકડવામાં સફળ રહ્યો હતો. પોલીસે યુવકની હિંમતની પ્રશંસા કરી છે અને તેને સન્માનિત પણ કરવામાં આવશે.
એક જ્વેલરની મીરા રોડના શીતલનગર પરિસરમાં આવેલી દુકાનમાંથી એક મહિલાએ પચાસ ગ્રામ સોનાના દાગીના ખરીદ્યા હતા, જેની કિંમત અઢી લાખ રૂપિયાની આસપાસ છે. આ મહિલા દાગીના ખરીદીને જેવી બહાર નીકળી એટલે એક બાઇક પર સવાર બે લોકો સ્પીડમાં આવીને મહિલાના હાથમાં રહેલી બૅગ છીનવીને ભાગી ગયા હતા. મહિલા બૂમો પાડતી રહી, પરંતુ ચોરો એટલી સ્પીડમાં હતા કે કોઈને કંઈ સમજાય એ પહેલાં તેઓ જતા રહ્યા હતા. સાંજના ચાર વાગ્યે બનેલી આ ઘટનામાં મહિલાએ બૂમો પાડતાં રસ્તા પર સામે બાજુથી જઈ રહેલા ગણેશ લોહકરે નામના યુવાને તરત પોતાની બાઇક ચોરો ભાગી રહ્યા હતા એ દિશામાં ફેરવીને તેમનો પીછો કર્યો હતો. ભાગી રહેલા ચોરો મીરા રોડના જાંગિડ સર્કલથી શાંતિ પાર્ક, ત્યાંથી ફરી સિલ્વર પાર્ક થઈને કાશીમીરાની દિશાએ જઈ રહ્યા હતા. બન્ને ચોરોએ તેમનો પીછો કરી રહેલા ગણેશ લોહકરેને પહેલાં તો જૅકેટ અને પછી બૅગ ફેંકીને બે વખત પછાડી દીધો હતો. પડી જવાને કારણે તેને થોડો માર પણ લાગ્યો હતો. આમ છતાં ગણેશે તેમનો પીછો છોડ્યો નહોતો અને પોતાના જીવને જોખમમાં મૂકીને ફરી બાઇક પર બેસીને તેમનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. લગભગ બે કિલોમીટર સુધી પીછો કર્યા પછી અંતે હાટકેશના સિગ્નલ પાસે ગણેશે પોતાની બાઇક ચોરોની બાઇકની આગળ આડી કરીને ઊભી રાખી દીધી હતી અને ચોરોને પછાડી દીધા હતા, જેના કારણે બેમાંથી એક ચોર પકડાઈ ગયો હતો.
ગણેશે આ વિશે જણાવ્યું હતું કે ‘ચોરોનો પીછો કરતી વખતે અમે બૂમો પણ પાડી રહ્યા હતા. એથી મારો અવાજ બેસી ગયો છે. બેમાંથી એક ચોરને પકડ્યો એટલામાં અમારો અવાજ સાંભળીને અમારી પાછળ આવી રહેલા એપીઆઇ પણ પહોંચી ગયા હતા. ચોર પાસેથી બૅગ મળતાં જોયું તો એમાં સોના સાથે થોડી રોકડ રકમ પણ હતી. મહિલા ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશને પહોંચી હતી, પરંતુ એટલામાં અમે બધા તેમનો સામાન લઈને ત્યાં પહોંચી જતાં તેમની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં હતાં. મારા બે મિત્રો સહિત અન્ય લોકોએ પણ સહકાર આપ્યો હતો. ચોરોને પકડવા જતાં મારી બાઇકને પણ નુકસાન થયું હતું, પરંતુ ચોર પકડાઈ જતાં અને બૅગ મળી જતાં લોકો ખુશ થઈ ગયા હતા.’