Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મર્ડરના આરોપમાં ધરપકડ, છુટકારો અને હવે ૧૯ વર્ષ બાદ પાછી અરેસ્ટ

મર્ડરના આરોપમાં ધરપકડ, છુટકારો અને હવે ૧૯ વર્ષ બાદ પાછી અરેસ્ટ

23 May, 2022 09:18 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

નીચલી અદાલતે દોષમુક્ત જાહેર કર્યા બાદ બે ગુજરાતી આરોપીમાંથી એક યુરોપ જતો રહ્યો હોવાથી પોલીસે દાખલ કરેલી અપીલમાં હાજર રહેતો નહોતો. મીરા રોડ પોલીસ શનિવારે તેનો તાબો લેવા ચેક રિપબ્લિકના પ્રાગ શહેરમાં ગઈ

અમેરિકન મૉડલ લિઓના સ્વીડેસ્કી.

Crime News

અમેરિકન મૉડલ લિઓના સ્વીડેસ્કી.



મુંબઈ : ૧૯ વર્ષ બાદ અમેરિકન મૉડલની હત્યાની ફરી તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીને પકડવા માટે પોલીસની ટીમ છેક યુરોપ જવા રવાના થઈ છે. હત્યાના કેસમાં તમામ એનઆરઆઇ આરોપીઓ ગુજરાતી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં બન્ને આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં તેઓ બહાર આવ્યા બાદ પોલીસે ચુકાદાને પડકાર્યો હોવાથી ૧૯ વર્ષ બાદ આ કેસની ફેરતપાસ થશે. 
ઘટના શું હતી? 
૩૩ વર્ષની અમેરિકન મૉડલ લિઓના સ્વીડેસ્કીનું ૨૦૦૩ની ૮ ફેબ્રુઆરીએ મુંબઈ ઍરપોર્ટ પરથી અપહરણ થયું અને એ પછી ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ છેક કાશીમીરા પોલીસ સ્ટેશનની હદમાં હાઇવે પરથી મળી આવ્યો હતો. લિઓના અમેરિકન નાગરિક હોવાથી તેની ડૅડ-બોડી મળતાં ખળભળાટ મચી ગયો હતો. એથી મુંબઈ પોલીસ અને કાશીમીરા પોલીસે તાત્કાલિક અનેક ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. એ સાથે યુએસ સરકારે પણ લિઓનાની હત્યાની ગંભીર નોંધ લઈને તેમની તપાસ-ટીમ મીરા રોડ મોકલી હતી. 
પોલીસે તપાસ બાદ આ કેસમાં મૂળ વડોદરાનો અને લિઓનાનો એનઆરઆઇ બૉયફ્રેન્ડ પ્રજ્ઞેશ દેસાઈ અને તેના મિત્ર અને વડોદરાના રહેવાસી એનઆરઆઇ વિપુલ પટેલની ધરપકડ કરી હતી, જ્યારે હત્યામાં સાથ આપનાર અને તેમના મિત્ર એમ બે આરોપીઓ ફરાર હતા. એક વર્ષમાં કેસનો ચુકાદો આવ્યો અને બન્ને આરોપીઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા. જોકે તેમને છોડી મૂકવામાં આવતાં એની અસર અમેરિકામાં જોવા મળી હતી. 
લિઓનાની હત્યા શું કામ થઈ હતી? 
લિઓના ખૂબ હસમુખ સ્વભાવની અમેરિકન મૉડલ હતી, જ્યારે આરોપી પ્રજ્ઞેશ દેસાઈ બિનનિવાસી અમેરિકન નાગરિક હતો. બન્નેની ઓળખાણ થઈ અને તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેઓ લગ્ન કરવાનાં હતાં, જ્યારે પ્રજ્ઞેશ પરિણીત હોવાની લિઓનાને ખબર પડી ત્યારે તેમની વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. જોકે પ્રજ્ઞેશને બાતમી મળી હતી કે લિઓના તેની પહેલી પત્નીને મારવા જઈ રહી છે આથી પ્રજ્ઞેશે તેના મિત્ર વિપુલ પટેલ અને અન્ય બે આરોપીઓ સાથે મળીને લિઓનાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું, જેથી તેના મૃત્યુ બાદ વીમાના ૧ મિલ્યન ડૉલર પોતે સગેવગે કરી શકે. તેમના પ્લાન પ્રમાણે તેને ૨૦૦૩ની ૮ ફેબ્રુઆરીએ ભારત બોલાવવામાં આવી હતી. જ્યારે ઍરપોર્ટથી તેને વાહનમાં બેસાડવામાં આવી ત્યારે ચારે જણે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી અને મૃતદેહ કાશીમીરા હાઇવે પર ફેંકી દીધો. હત્યાના થોડા સમય પહેલાં જ પ્રજ્ઞેશે લિઓનાના નામે એક મિલ્યન ડૉલરની પૉલીસી લીધી હતી. હવે વિપુલને યુરોપથી લવાયા બાદ અન્ય બે ફરાર આરોપીઓ સામે નવેસરથી ચાર્જશીટ દાખલ કરીને કેસ ચલાવવામાં આવશે.
૧૯ વર્ષ બાદ ફરી નવેસરથી શોધ શરૂ 
આરોપીને છોડી મૂક્યા હોવાથી અમેરિકન સરકારે એને ગંભીરતાથી લીધા બાદ પોલીસે આ નિર્ણયને મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોર્ટમાં કેસની સુનાવણી દરમ્યાન બન્ને આરોપીઓ ગેરહાજર હતા, એથી કેસમાં કોઈ પ્રગતિ નહોતી થઈ રહી, એટલે અંતે પોલીસ કમિશનર સદાનંદ દાતેએ આ મામલે પોતે ધ્યાન આપ્યું અને બન્ને આરોપીઓને શોધીને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસનો મુખ્ય આરોપી અને લિઓનાનો બૉયફ્રેન્ડ પ્રજ્ઞેશ દેસાઈ વડોદરા હોવાની જાણ થતાં તેને અહીં લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રજ્ઞેશનો મિત્ર અને અન્ય આરોપી વિપુલ પટેલ ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયો હોવાનું જાણવા મળ્યું હતું. કમિશનર સદાનંદ દાતેએ આ મામલે ઇન્ટરપોલની મદદ લીધી અને વિપુલ પટેલની શોધખોળ શરૂ કરી હતી, એથી તપાસ વખતે તેને ચેક રિપબ્લિકના પ્રાગ નામના શહેરમાં ઍરપોર્ટ પર ઇન્ટરપોલની મદદથી પકડવામાં આવ્યો હતો. 
ડિપૉર્ટેશનની પ્રક્રિયા ચાર મહિનાથી ચાલે છે
વિપુલના ડિપૉર્ટેશનની પ્રક્રિયા છેલ્લા ચાર મહિનાથી ચાલી રહી છે, એથી તે હવે પૂર્ણ થઈ હોવાથી તેની ધરપકડ કરવા શનિવારે એક વિશેષ ટીમ ચેક રિપબ્લિકના પ્રાગ જવા નીકળી છે. આ ટીમમાં સર્કલ-1ના ડેપ્યુટી પોલીસ કમિશનર અમિત કાળે, નવઘર પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર યોગેશ કાળે, કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હઝારે અને ક્રાઇમ બ્રાન્ચ-3ના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રમોદ બડાખનો સમાવેશ છે.
કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હઝારેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ કેસ વિશે સખત મહેનત લેવાઈ રહી છે, જ્યારે વિપુલ પટેલને તાબામાં લેવા પોલીસની ટીમ રવાના થઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2022 09:18 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK