° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


થૅન્ક યુ...

17 June, 2022 09:38 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

‘મિડ-ડે’ જેણે સતત ફૉલોઅપ કરીને આખરે બાંદરા -ઈસ્ટમાં સ્ટેશનની બહારથી બેસ્ટની બસ ચાલુ કરાવીને હીરાના વેપારીઓ સહિત હજારો મુંબઈગરાઓની હેરાનગતિને દૂર કરાવી આપી

બાંદરા-ઇસ્ટ સ્ટેશનની સામેથી બીકેસી માટે ગઈ કાલથી બસ શરૂ થઈ હતી (તસવીર : શાદાબ ખાન) મિડ-ડે ઇમ્પૅક્ટ

બાંદરા-ઇસ્ટ સ્ટેશનની સામેથી બીકેસી માટે ગઈ કાલથી બસ શરૂ થઈ હતી (તસવીર : શાદાબ ખાન)

છેલ્લાં અઢી વર્ષથી હેરાનગતિનો સામનો કરી રહેલા હીરાબજારના વેપારીઓની કનડગતનો ગઈ કાલે ‘મિડ-ડે’ના સતત ફૉલોઅપ બાદ અંત આવ્યો હતો. આ વાત છે બાંદરા-ઈસ્ટમાં સ્ટેશનની બહારથી શરૂ થતી બેસ્ટની બસની, જે અઢી વર્ષ પહેલાં ત્યાં આવેલા નાળાના કામને લીધે બંધ કરીને અંદાજે ૫૦૦ મીટર દૂર આવેલા બાંદરા બસ-સ્ટેશનથી ચલાવવામાં આવતી હતી. જોકે નાળાનું કામ પતી ગયે મહિનાઓ વીતી ગયા હોવા છતાં બેસ્ટ તરફથી સ્ટેશનથી બસ શરૂ થતી ન હોવાથી હીરાબજારના સહિતના હજારો મુંબઈગરાઓએ રોજના પાંચ કે છ રૂપિયાને બદલે મજબૂરીવશ રિક્ષાવાળાની દાદાગીરીની સામે એક સમયના ૩૦થી ૪૦ રૂપિયા શૅર-એ-રિક્ષાના આપવા પડતા હોય છે અને જો પોતાની અલાયદી રિક્ષા કરે તો એક વખતના ૫૦ રૂપિયા થતા હોય છે. ૫૦૦ મીટર ચાલવું પડતું હોવાથી ઉનાળામાં ગરમીને લીધે અને ચોમાસામાં વરસાદને લીધે વેપારીઓ અને દલાલભાઈઓએ નાછૂટકે રિક્ષામાં જવું પડતું હતું અને જ્યાં દસ રૂપિયામાં બસમાં અવરજવર થાય એમ છે ત્યાં રોજના સો રૂપિયા ખર્ચવા પડતા હતા. હીરાબજારના વેપારીઓ માટે બસ શરૂ કરાવવા ‘મિડ-ડે’એ પહેલાં સુધરાઈને ફરિયાદ કરીને નાળાની દીવાલનું જે કામ બાકી હતું એ કરાવ્યું હતું અને ત્યાર બાદ બેસ્ટના ધારાવી ડેપોના મૅનેજરની પાછળ પડીને ઇન્સ્પેક્શન કરાવીને બસ શરૂ કરવાની તૈયારી કરાવી હતી. ત્યારે એમ લાગતું હતું કે હવે બસ શરૂ થઈ જશે, પણ ત્યાર બાદ બેસ્ટ તરફથી ‘મિડ-ડે’ને કહેવામાં આવ્યું કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે બસ શરૂ થશે તો સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યા થશે. આને લીધે ‘મિડ-ડે’એ ખેરવાડી ટ્રાફિકચોકીનાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુશીલા કોલ્હે સાથે ચર્ચા કરીને આ સમસ્યાનું સમાધાન કાઢ્યું હતું. જૂનના પહેલા અઠવાડિયામાં બસ શરૂ થઈ જશે એવું લાગતું હતું ત્યારે વધુ એક સમસ્યા આવીને ઊભી રહી અને એ હતી નાળાને અડીને આવેલી ફુટપાથની. બેસ્ટ તરફથી કહેવામાં આવ્યું કે સુધરાઈએ બનાવેલી ફુટપાથ પર બસ-શેલ્ટર લાગે એમ ન હોવાથી બસ શરૂ કરવામાં મોડું થઈ રહ્યું છે એટલે એનું પણ સમાધાન બસના થાંભલા લગાવીને કાઢવામાં આવ્યું હતું. આ રીતે હીરાના વેપારીઓ માટે બસ શરૂ કરાવવા ‘મિડ-ડે’એ ધારાવી ડેપોના મૅનેજરથી લઈને બેસ્ટના જનરલ મૅનેજર સુધી ફૉલોઅપ કર્યું હતું અને આજે રિઝલ્ટ આપણા બધાની સામે છે.

30-40
બેસ્ટની બસના છ રૂપિયા સામે હીરાવાળાઓએ શૅર રિક્ષાના આટલા રૂપિયા આપવા પડતા હતા

...તો સ્ટેશનથી ભારત ડાયમન્ડ બુર્સ માટેની બસ દિવાળી પછી શરૂ થઈ હોત

બાંદરા સ્ટેશનથી હીરાબજાર, મ્હાડા, ગવર્નમેન્ટ કૉલોની માટેની બસ ફરી ચાલુ કરાવવી એ અભિમન્યુના કોઠા પાર કરવા જેવું કામ હતું. સરકારી ઑફિસોનું વલણ, એમનો કામ કરવાનો રવૈયો અને હંમેશનો ‘કામ ચાલુ આહે’નો જવાબ મળવા છતાં એક પછી એક ઑફિસરો સાથે વાત કરીને અવારનવાર ફૉલોઅપ કર્યા બાદ આખરે બસ ચાલુ થઈ શકી છે. 
‘મિડ-ડે’માં આ બાબતનો સૌથી પહેલાં અહેવાલ ૧૧ મેએ છપાયો હતો. જોકે એ વખતે જ્યારે બેસ્ટને પૂછવામાં આવ્યું કે નાળાનું કામ તો લાંબા સમયથી પૂરું થઈ ગયું છે તો પછી કેમ બસ ચાલુ નથી કરવામાં આવતી? તો જવાબ મળ્યો હતો કે ‘નાળાની આખી દીવાલ બની નથી (અંદાજે ૧૦૦ મીટર જેટલી દીવાલનું કામ બાકી રાખવામાં આવ્યું હતું) એથી કોઈ પૅસેન્જર બસ પકડવાની ઉતાવળમાં ના‍ળામાં ન પડી જાય એ માટે બસ ચાલુ કરવામાં આવતી નથી.’

ત્યાર બાદ એના માટે બીએમસીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે બહુ ચોંકાવનારું કારણ આપવામાં આવ્યું હતું કે હવે તો મૉન્સૂન આવવામાં છે એટલે એ દીવાલ બનાવવાનું કામ તો દિવાળી પછી જ થશે. ફરી એક વખત બેસ્ટને કહેવામાં આવ્યું કે વરસાદમાં જ લોકોને ભારે હાલાકી પડશે. ઑલરેડી રિક્ષાવાળા મોં માગ્યા ભાવ પડાવે છે. ત્યાર બાદ બેસ્ટના ઉચ્ચ અધિકારીઓને કરાયેલી રજૂઆતની ધારી અસર થઈ અને તેમણે બીએમસીમાં વાત કરતાં બીજા જ દિવસે એ દીવાલ બાંધવાનું ચાલુ કરી દેવાયું હતું. બે દિવસમાં તો દીવાલ બંધાઈ ગઈ. એથી આશા બંધાઈ કે એકાદ અઠવાડિયામાં બસ ચાલુ થશે. જોકે એમ ન થયું.

બેસ્ટમાં ફરી તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્યાં કુલ ચારથી પાંચ બસ-સ્ટૉપ છે અને એ બધાં જ બસ-સ્ટૉપના ઍડ એજન્સી સાથે કૉન્ટ્રૅક્ટ થયેલા હોય છે. બસના થાંભલા તો બેસ્ટ નાખે છે, પણ બસ-સ્ટૉપના શેલ્ટર (છાપરાવાળું બસ-સ્ટૉપ) તો એ ઍડ એજન્સી દ્વારા આપવામાં આવે છે. બે એજન્સીના કૉન્ટ્રૅક્ટ કોરોનામાં કૅન્સલ થઈ ગયા છે અને બીજા સાથે વાત ચાલુ છે. એ ક્લિયર થશે અને બસ-સ્ટૉપ લાગશે એટલે બસ ચાલુ કરીશું, કારણ કે જ્યાં બસ-સ્ટૉપ હોય ત્યાં શેલ્ટર હોવું જરૂરી છે. આવો જવાબ ઑફિસરે આપ્યો હતો.

એ પછી ફરી ફૉલોઅપ ચાલુ કર્યું ત્યારે જાણવા મળ્યું કે બસ-સ્ટ‍ૉપના થાંભલા લગાડનારને કહેવાયું છે અને એ થાંભલા લગાડશે. ચાર દિવસ બાદ થાંભલા લાગ્યા, પણ તોય બસનો પત્તો નહીં. એ પછી તો વરસાદનું પણ આગમન પણ થઈ ગયું. હવે જો બસ ચાલુ ન થઈ તો દિવાળી પછી જ થશે એવી શંકા જવા લાગી. એમ છતાં ધીરજ રાખીને બેસ્ટના અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે એવું જાણવા મળ્યું કે ટ્રાફિક-પોલીસનું કહેવું છે કે જો અહીં બસ આવશે તો રોડ નાનો  હોવાથી બહુ જ ટ્રાફિક જૅમ થશે અને બસો ટ્રાફિકમાં અટવાશે, બસો મોડી પડશે તો લોકો બૂમાબૂમ કરશે. જોકે એ માટે જ્યારે ટ્રાફિક-પોલીસનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે બેસ્ટ દ્વારા અમારો સંપર્ક જ કરવામાં નથી આવ્યો કે તેઓ અહીં બસ ચાલુ કરવા માગે છે. તેમને કહો કે અમારો સંપર્ક કરે, પછી જોઈશું. આમ એક પછી એક અનેક મુદ્દા સામે આવી રહ્યા હતા, પણ બસ ચાલુ થઈ નહોતી રહી. એ પછી બેસ્ટના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે નાળાને અડીને જે ફુટપાથ બનાવાઈ છે એના પર બસ-સ્ટૉપ લાગે એમ જ નથી, કારણ કે એની વિડ્થ જ નાની છે અને એ ટેક્નિકલ ઇશ્યુ છે. આમ ફરી બસ ચાલુ થવા પર પ્રશ્નાર્થ લાગી ગયો હતો. આખરે મુંબઈમાં અનેક રેલવે-સ્ટેશનો પાસે જગ્યાની કમી હોવાથી શેલ્ટરવાળા બસ-સ્ટૉપની જગ્યાએ માત્ર થાંભલાથી​ જ કામ ચલાવાય છે તો અહીં કેમ નહીં એવી જ્યારે રજૂઆત કરાઈ ત્યારે આખરે ગઈ કાલે બસ ચાલુ કરવામાં આવી હતી. અફકોર્સ, હીરાબજાર દ્વારા પણ આ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા અને બેસ્ટને પત્ર આપવામાં આવ્યા હતા.  

આભાર ‘મિડ-ડે’: નવીન અદાણી, હીરાદલાલ 
‘મિડ-ડે’એ આ સારું કામ કર્યું છે. હવે વેપારીભાઈઓ અને દલાલભાઈઓને રાહત રહેશે. અત્યાર સુધી રિક્ષાવાળાઓની મનમાની ચાલતી હતી. જોકે હાલ ફ્રીક્વન્સી ઓછી છે અને ત્યાં ટ્રાફિક પણ બહુ રહે છે. જો એનું પણ સૉલ્યુશન આવે તો ઝડપથી આવી શકાય. જોકે ગઈ કાલે પહેલો દિવસ હતો. આગળ જતાં સરળતા રહેશે. અમે ‘મિડ-ડે’નો આભાર માનીએ છીએ.

રિક્ષાવાળાઓની એવી દાદાગીરી હતી કે વાત ન પૂછો : હીના મોદી, હીરાબજારનાં કર્મચારી
આમ તો બાંદરા સ્ટેશનથી હીરાબજારના મીટર પ્રમાણે જઈએ તો ૫૦ રૂપિયા થાય છે, પણ રિક્ષાવાળાઓની એટલી દાદાગીરી છે કે વાત ન પૂછો. એ લોકો દરેક પૅસેન્જર પાસેથી ૩૦ રૂપિયા પડાવતા હતા. સાંજે ૬ વાગ્યા પછી તો આવવા માટે દરેકના ૪૦ રૂપિયા લેતા હતા. આ તો ઉઘાડી લૂંટ હતી. ‘મિડ-ડે’એ બસ ચાલુ કરાવી એ સારું જ કર્યું. હવે અમારા જેવા કર્મચારીઓ તો ખરા જ, શેઠિયાઓ અને દલાલભાઈઓ પણ રિક્ષામાં નહીં જાય.

બસ ચાલુ કરાવવામાં ‘મિડ-ડે’એ મોટો ભાગ ભજવ્યો : માધવ ભંગારે, ધારાવી બસડેપોના મૅનેજર
બાંદરા સ્ટેશનથી બસ ચાલુ કરાવવાની ‘મિડ-ડે’એ પહેલ કરી હતી અને ત્યાર બાદ હીરાબજાર તરફથી પણ અમને રજૂઆત કરાઈ હતી. જોકે ‘મિડ-ડે’એ જે રીતે સતત ફૉલોઅપ કર્યું એને કારણે આ બસ ચાલુ થઈ શકી છે. બસ ચાલુ કરાવવામાં ‘મિડ-ડે’એ મોટો ભાગ ભજવ્યો છે. અમે પણ એક મહિનાથી અમારા સિનિયર્સને એ માટે કહી રહ્યા હતા. આખરે હવે બસ ચાલુ થઈ છે. અમારે બાંદરા ટર્મિનસ પાસે એક ચોકી બનાવવી છે. હીરાબજારના અગ્રણીઓએ આશ્વાસન આપ્યું છે કે તેઓ એ વિશે પૉઝિટિવ છે.

17 June, 2022 09:38 AM IST | Mumbai | Bakulesh Trivedi

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ભાજપે આ વ્યક્તિને સોંપી મહારાષ્ટ્રની જવાબદારી, આશિષ શેલાર મુંબઈના પ્રદેશ અધ્યક્ષ

રાજ્યના પ્રદેશ અધ્યક્ષ પદ માટે આશિષ શેલાર અને રામ શિંદેના નામ ચર્ચામાં હતા

12 August, 2022 04:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

આઉટિંગ ઍટ એની કૉસ્ટ

મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમીની રજાઓ અને એમાં શનિવાર અને રવિવારને કારણે લાંબું વેકેશન મળી ગયું હોવાથી લોકોના ફરવાના ક્રેઝમાં જબરો વધારો જોવા મળ્યો છે અને તેઓ ગમે એમ ફરવા જવા તૈયાર થયા છે ત્યારે મુંબઈના ટ્રાવેલિંગ એજન્ટોનું શું કહે છે?

12 August, 2022 11:04 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

બાંદરા દેરાસરમાં એક ભાડૂતથી તો ટ્રસ્ટીઓ તોબા

શ્રી સંભવનાથ જિનાલયે એના પરિસરમાં વર્ષોથી ઝૂંપડામાં રહેતા માણસે ટ્રસ્ટની જમીન પચાવી પાડી હોવાની, ટ્રસ્ટીઓને ત્યાં જવા દેતો ન હોવાની અને ધમકાવતો હોવાની પોલીસમાં નોંધાવી ફરિયાદ

12 August, 2022 10:01 IST | Mumbai | Bakulesh Trivedi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK