° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


વૅક્સિન જેન્યુઇન? ઇંતેજાર લંબાશે...

20 June, 2021 08:03 AM IST | Mumbai | Rohit Parikh

કાંદિવલીની હીરાનંદાની હેરિટેજ સોસાયટી કાંડમાં કૅમ્પ તો નકલી, પણ શું વૅક્સિન પણ નકલી હતી એવા સવાલનો જવાબ મેળવવા મેમ્બરો ઉતાવળા થયા છે; પણ આમાં વાર લાગશે : હવે વૅક્સિનના બૅચ-નંબરના આધારે તપાસ થઈ રહી છે

કાંદિવલીની હીરાનંદાની હેરિટેજ સોસાયટી અને અપાયેલી વૅક્સિનની વાયલ.

કાંદિવલીની હીરાનંદાની હેરિટેજ સોસાયટી અને અપાયેલી વૅક્સિનની વાયલ.

રોહિત પરીખ
rohit.parikh@mid-day.com
મુંબઈ ઃ કાંદિવલી (વેસ્ટ)ની હીરાનંદાની હેરિટેજ સોસાયટીના વૅક્સિન કૌભાંડમાં સોસાયટીના વૅક્સિન લેનારા ૩૯૦ સભ્યોના મનમાં અનેક સવાલો ઘૂંટાય છે કે અમે લીધેલી વૅક્સિનના ડોઝને વીસ દિવસ વીતી ગયા હોવાથી અમારી બૉડીમાં ઍન્ટિ-બૉડીઝ જનરેટ થયા હશે? શું અમે કોવિડ સામે લડત આપી શકીશું? શું અમે લીધેલી વૅક્સિન બનાવટી હશે તો હવે પછી અમને કેવી રીતે વૅક્સિનનો ડોઝ મળશે?
સોસાયટીના મેમ્બરોને આ સવાલોના જવાબ બે-ચાર દિવસમાં મળી જાય એવી શક્યતાઓ બહુ જ ઓછી છે. 
આ બાબતની માહિતી આપતાં મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા પર રોજ અનેક રહેવાસીઓના ફોન આવે છે. આ કેસમાં તપાસ કર્યા બાદ કાંદિવલી પોલીસે ચાર જણની ધરપકડ કરી છે. ત્યાર બાદ પોલીસ અને મહાનગરપાલિકા પહેલાં તો જેમને સર્ટિફિકેટો મળ્યાં છે એની તપાસ કરી રહી છે. ગઈ કાલથી સર્ટિફિકેટોમાં દર્શાવવામાં આવેલા વૅક્સિનના બૅચ-નંબરોની કંપનીમાં અને કંપનીએ જે રાજ્યની હૉસ્પિટલોમાં એ વૅક્સિન સપ્લાય કરી હશે એ બાબતની તપાસ આદરવામાં આવી છે. આ તપાસ બાદ જ અમે કોઈ નિર્ણયાત્મક તબક્કે પહોંચીને સોસાયટીના સભ્યોને માર્ગદર્શન આપી શકીશું.’
તપાસ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો બૅચ-નંબર સાચો હશે તો આ બૅચ-નંબરની વૅક્સિન કંપની તરફથી ક્યાં મોકલવામાં આવી હતી અને એ કોને આપવામાં આવી ત્યાં સુધીનો રૅકોર્ડ તપાસવામાં આવશે અને એમાંથી અમને સ્પષ્ટ થઈ જશે કે એ જેન્યુઇન હતી કે નહીં. જો સોસાયટીના સર્ટિફિકેટમાં જે બૅચ-નંબર આપવામાં આવ્યા છે એ ફેક હશે તો સ્પષ્ટ થઈ જશે કે દરેક જણને બનાવટી વૅક્સિન આપવામાં આવી હતી. ત્યાર બાદ અમારી તપાસ હશે એ જાણવાની કે દરેક મેમ્બરને વૅક્સિનને બદલે શું આપવામાં આવ્યું હતું? આ બધી તપાસમાં થોડો સમય જાય એમ છે. એક વખત બધી સ્પષ્ટતા થઈ ગયા બાદ બીએમસી તરફથી ડૉક્ટરોની એક ટીમ વૅક્સિન લેનારા લોકોએ શું કરવું એનું માર્ગદર્શન આપશે.’
આ દરમ્યાન પોલીસ અને મહાનગરપાલિકાએ હીરાનંદાની હેરિટેજમાં ૩૦ મેએ આયોજિત વૅક્સિન કૅમ્પની તપાસ શરૂ કરી હતી. એમાં સૌથી પહેલાં તો આ કૅમ્પ મહાનગરપાલિકાની પરવાનગી વગર યોજવામાં આવ્યો હતો જેમાં કોઈ ડૉક્ટર હાજર નહોતો. સોસાયટી પાસે કોણે વૅક્સિન કૅમ્પ કર્યો એ બાબતની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. સોસાયટીના સભ્યોને રજિસ્ટ્રેશનથી લઈને વૅક્સિન લીધા પછી સેલ્ફી લેવા નહોતી દીધી. આમ છતાં તેમના તરફથી એ જ સમયે કોઈ વિરોધ થયો નહોતો. હાઈ-પ્રોફાઇલ સોસાયટી હોવા છતાં ૩૯૦માંથી એક પણ રહેવાસીને કેમ શંકા ન ગઈ એને લઈને સુધરાઈને પણ નવાઈ લાગી રહી છે. 
આ બાબતનો રિપોર્ટ ઝોન-૭ના મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર વિશ્વાસ શંકરવારે ગઈ કાલે મહાનગરપાલિકાને સુપરત કર્યો હતો. આ રિપોર્ટમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ વૅક્સિન કૅમ્પ બનાવટી હતો. આ સિવાય સોસાયટીના મૅનેજમેન્ટની અનેક ક્ષતિઓની પણ આ રિપોર્ટમાં નોંધ લેવામાં આવી છે. આ કૅમ્પમાં આ સોસાયટીના સભ્યો અને સભ્યોની ફૅમિલી સાથે સંકળાયેલા અનેક સ્ટાફના સભ્યો સહિત ૩૯૦ લોકોએ વૅક્સિન લીધી હતી. એના માટે તેમણે એક વ્યક્તિના ૧૨૬૦ રૂપિયા પ્રમાણે ૩૯૦ લોકોના ૪,૫૬,૦૦૦ રૂપિયા ઇવેન્ટ મૅનૅજરને ચૂકવ્યા હતા. સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે કૅમ્પમાં લૅપટૉપ કે કમ્પ્યુટરનો રજિસ્ટ્રેશન માટે ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. ત્યાર પછી જેમણે વૅક્સિનેશનનો લાભ લીધો હતો એમાંથી ૧૨૦ લોકોને ત્રણ અલગ-અલગ હૉસ્પિટલનાં વૅક્સિન લીધાનાં સર્ટિફિકેટ મળ્યાં હતાં. આ હૉસ્પિટલોએ આ કૅમ્પનું કોઈ જ ઍગ્રીમેન્ટ તેમની સાથે થયું નથી એવી જાણકારી આપી હતી. આ હૉસ્પિટલોએ સ્પષ્ટ કર્યું હતું કે અમારો આ વૅક્સિન કૅમ્પ સાથે કોઈ જ સંબંધ નથી. 
વિશ્વાસ શંકરવારે આ સંદર્ભનો રિપોર્ટ ૪૮ કલાકમાં મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર (વેસ્ટર્ન સબર્બ્સ) સુરેશ કાકાણીને સોંપ્યો હતો. એમાં વિશ્વાસ શંકરવારે જણાવ્યું છે કે સોસાયટીએ મહાનગરપાલિકાના ૭ મેના વૅક્સિન માટેના માર્ગદર્શન માટે પ્રસિદ્ધ કરેલા કોઈ જ નિયમોનું પાલન કર્યું નહોતું. એકંદરે આ વૅક્સિન કૅમ્પ સંપૂર્ણ બનાવટી હોવાનું સ્પષ્ટ થાય છે. એટલું જ નહીં, આયોજકોએ વૅક્સિનનાં સર્ટિફિકેટ આપવા માટે હૉસ્પિટલોના યુઝર આઇડી અને પાસવર્ડનો પણ ચોરી કરીને ઉપયોગ કર્યો છે. 
કાંદિવલી (વેસ્ટ)ની હીરાનંદાની હેરિટેજ સોસાયટીના વૅક્સિન કૌભાંડનું કોકડું હજી ગૂંચવાયેલું છે ત્યાં જ ગઈ કાલે બોરીવલી (વેસ્ટ)ની આદિત્ય કૉલેજમાં આ મહિનાની શરૂઆતમાં યોજાયેલા વૅક્સિનેશન કૅમ્પમાં પણ છેતરપિંડી થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. 
આદિત્ય કૉલેજનાં સૂત્રોમાંથી મળેલી જાણકારી પ્રમાણે રાજેશ પાંડે નામના ઇવેન્ટ કંપનીના ચીફ મૅનેજર અને મુંબઈની પ્રસિદ્ધ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના ચીફ સેલ્સ મૅનેજર દ્વારા આ કૅમ્પ યોજવામાં આવ્યો હતો. જોકે હૉસ્પિટલે તેમના તરફથી આવો કોઈ કૅમ્પ યોજવામાં આવ્યો હોય એનો ઇનકાર કર્યો હતો. 
આખા મામલાની માહિતી આપતાં આદિત્ય કૉલેજના સંચાલકોએ કહ્યું હતું કે ‘રાજેશ પાંડેએ અમને જણાવ્યું હતું કે હું કાયદાકીય અને જરૂરી બધી જ પરવાનગીઓ લઈને આવું પછી જ તમે મને મારું પેમેન્ટ કરજો. એના આધારે કૉલેજમાં ૧૮થી ૪૪ વર્ષના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને તેમના પરિવારો માટે અમે વૅક્સિન કૅમ્પ યોજ્યો હતો. અત્યારે બધે જ ૧૮થી ૪૪ વર્ષના લોકો વૅક્સિન લેવા માટે અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે એટલે અમે આ કૅમ્પનું આયોજન કર્યું હતું.’ 
કૉલેજના સંચાલકોએ વધુમાં કહ્યું હતું કે કાંદિવલીની હીરાનંદાની હેરિટેજ સોસાયટીનું પ્રકરણ પ્રકાશમાં આવતાં અને અમારી કૉલેજના વૅક્સિન લેનારાઓને સર્ટિફિકેટ મળવામાં વિલંબ થતાં જ અમે અમારા કૅમ્પ બાબતની ફરિયાદ પોલીસમાં કરી હતી.
શુક્રવારે ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના ચૅરમૅન રમેશ તૌરાણીએ પણ તેમની કંપનીમાં ૩ જૂને યોજાયેલા કૅમ્પમાં ભાગ લેનારા ૩૬૫ કર્મચારીઓને હજી સુધી સર્ટિફિકેટ મળ્યાં ન હોવાની ફરિયાદ કરી હતી. 
આ સંદર્ભમાં મુંબઈ નૉર્થ રીજનના ઍડિશનલ પોલીસ કમિશનર દિલીપ સાવંતે કહ્યું હતું કે ‘અમારી પાસે મુંબઈમાં આ પ્રકારના બીજા નવ કૅમ્પ યોજાયા હોવાની માહિતી આવી છે. એના પરથી એવું લાગે છે કે આમાં હજી કોઈ ગ્રુપ કે વધારે ગ્રુપો સંડોવાયાં છે જેની અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે પાંચ વ્યક્તિની ધરપકડ કરી છે. અમને મળેલી માહિતી પ્રમાણે અમે આ વ્યક્તિઓએ કઈ હૉસ્પિટલો પાસેથી વૅક્સિન ખરીદી અથવા તો નૉટ ફૉર સેલના વૅક્સિન ડોઝ આપ્યા અથવા તો કોઈ પણ જાતના સીલ વગરની વૅક્સિનના ડોઝ લોકોને આપ્યા છે એની અમે તપાસ કરી રહ્યા છે.’
આ મામલાની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડુપ્લિકેટ વૅક્સિન કે ચોરી કરેલી વૅક્સિન બાબતના તાર અત્યારે મધ્ય પ્રદેશમાં જોડાયેલા દેખાય છે. આમ છતાં આ વૅક્સિન કૌભાંડના મામલામાં કેટલાં મોટાં માથાં સંડોવાયાં છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.’  

20 June, 2021 08:03 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાજ્ય સરકાર હવે શરૂ કરશે પોલીસ રિસ્પૉન્સ ટાઇમને સુધારવા ‘ડાયલ 112’ પ્રોજેક્ટ

કટોકટીના સમયમાં પોલીસ ઝડપથી ફરિયાદીઓ પાસે પહોંચી શકે એ હેતુથી રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્યવ્યાપી ‘ડાયલ 112’ પ્રોજેક્ટ શરૂ કરશે.

01 August, 2021 05:16 IST | mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

૧૧ વાર વિધાનસભ્ય તથા ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખનું નિધન

૯૪ વર્ષના ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખને લગભગ ૧૫ દિવસ પહેલાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધાવસ્થાને લગતી બીમારીને કારણે તેમનું નિધન થયું હતું.

01 August, 2021 05:09 IST | mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

૩.૩૮ કરોડની ચોરીના માસ્ટર માઇન્ડે ઍક્સિસ બૅન્ક સાથે કરી ૨૭ લાખની છેતરપિંડી

અનિલ દુબેએ હેડ ઑફિસમાં જમા કરવાના આ પૈસાની ઉચાપત કરી હતી, પણ ઑડિટ દરમિયાન એ પકડાઈ ગઈ.

01 August, 2021 05:05 IST | mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK