Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જે કરવું હોય એ કરી લો, હું નહીં જ ઊતરું

જે કરવું હોય એ કરી લો, હું નહીં જ ઊતરું

Published : 24 May, 2026 07:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લેડીઝ કોચમાં ચડી ગયેલા માથાફરેલ યુવકના વ્યવહારના કારણે મહિલાઓની સેફ્ટી સામે પ્રશ્ન

લેડીઝ કોચમાં ચડી ગયેલો માથાફરેલ યુવક વારંવાર કહેવા છતાં કોચમાંથી ઊતરવાની નફટાઈપૂર્વક ના પાડતો હતો.

લેડીઝ કોચમાં ચડી ગયેલો માથાફરેલ યુવક વારંવાર કહેવા છતાં કોચમાંથી ઊતરવાની નફટાઈપૂર્વક ના પાડતો હતો.


મુંબઈની લોકલ ટ્રેનમાં લેડીઝ કોચમાં શનિવારે એક યુવક ચડી ગયો હતો. મહિલાઓએ વિરોધ કરીને તેને કોચમાંથી ઊતરી જવા કહેતાં માથાફરેલ યુવકે રીતસર ના પાડી દીધી હતી અને મહિલા પૅસેન્જરો સાથે ઉદ્ધતાઈપૂર્વક વાતો કરી હતી. મહિલાઓ સાથે જીભાજોડી કરતા યુવકનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં મહિલાઓ તેને કોચમાંથી ઊતરવાનું કહેતી હોવાનું સાંભળી શકાય છે. 

વિડિયોમાં મહિલાઓ સૌથી પહેલાં તો યુવકને તે લેડીઝ કોચમાં ચડી ગયો હોવાથી એમાંથી ઊતરી જવાનું કહે છે. જોકે નફ્ફટ યુવક મહિલાઓને જે કરવું હોય એ કરી લો, હું નહીં ઊતરું અને હું ખાર સ્ટેશન પર જ ઊતરીશ એવું કહે છે. મહિલાઓ યુવકને ટ્રેન ખાર સ્ટેશન વટાવી ગઈ છે અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જઈ રહી હોવાનું પણ કહે છે, છતાં યુવક કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. 



તુલિકા જૈન નામની મહિલા પૅસેન્જર આ કોચમાં સફર કરી રહી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે બાંદરા સ્ટેશન પર લેડીઝ કોચમાં ચડેલો આ યુવક કોઈની વાત માનવા તૈયાર નહોતો અને અંતે તે કિંગ્સ સર્કલ સ્ટેશને એક મહિલાને ધક્કો મારીને ભાગી ગયો હતો. 


ફરિયાદ નથી મળી, પરંતુ ચોક્કસ કાર્યવાહી કરીશું : RPF
‘મિડ-ડે’એ આ બાબતે RPFનો સંપર્ક કરતાં અધિકારી બી. કે. વૈષ્ણવે જણાવ્યું હતું કે ‘અમને આ બાબતે કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી, પરંતુ અમને આ બાબતે જાણ થતાં અમે CCTV કૅમેરાની તપાસ કરીને ચોક્કસ કાર્યવાહી કરીશું. રેલવે ઍક્ટ ૧૯૮૯ની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હાલ મોટા ભાગનો રેલવે-સ્ટાફ બાંદરા-ઈસ્ટમાં ચાલી રહેલી ડિમોલિશન ડ્રાઇવમાં વ્યસ્ત છે.’

૧૫૧૨ હેલ્પલાઇન પર નિર્ભર રહેશો તો નહીં ચાલે 
તુલિકા જૈને જણાવ્યું હતું કે ‘માથાફરેલા યુવકને વારંવાર વિનંતી કરવા છતાં તે ઊતર્યો નહોતો એટલે મહિલાઓએ રેલવે પોલીસ ફોર્સ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ની હેલ્પલાઇન ૧૫૧૨ પર ફોન કર્યો હતો, પરંતુ ત્યાંથી તેમને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. જો મહિલા કોચમાં ફક્ત બે કે ૩ મહિલાઓ પ્રવાસ કરી રહી હોત તો તમે વિચારી શકો કે આ યુવકે શું કર્યું હોત. આ ઘટના લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલાઓની સુરક્ષા સામે મોટું પ્રશ્નાર્થચિહ્‌ન ઊભું કરે છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK