ગોવામાં ગઈ કાલે શિંદે ગ્રુપના વિધાનસભ્યોની બેઠક થઈ હતી

ફાઇલ તસવીર
ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી અને વિધાન પરિષદના સદસ્ય તરીકે પણ રાજીનામું આપી દીધા બાદ શિવસેનામાં મજબૂત સ્થિતિમાં આવી ગયેલા એકનાથ શિંદે સાથે જ હવે જ્યારે શિવસેનાના મોટા ભાગના વિધાનસભ્યો છે ત્યારે તેમણે તેમનું જ ગ્રુપ શિવસેના છે એવો દાવો કરીને શિવસેનાના બાકી રહી ગયેલા વિધાનસભ્યો સામે વ્હીપ જાહેર કરીને તેમને ગોવા પહોંચી જવા જણાવ્યું હતું.
ગોવામાં ગઈ કાલે શિંદે ગ્રુપના વિધાનસભ્યોની બેઠક થઈ હતી. વિધાનસભામાં હવે તેમનું જ જૂથ શિવસેના ગણાશે એવો દાવો તેમણે કર્યો હતો. શિંદે ગ્રુપે કહ્યું હતું કે તેમની પાસે શિવસેનાના અને અપક્ષ મળી કુલ ૫૦ વિધાસભ્યોનું સમર્થન છે. એ પછી તેમણે એકનાથ શિંદેની તેમના નેતા તરીકે વરણી કરી હતી. ત્યાર બાદ વ્હીપ કાઢવામાં આવ્યો હતો અને શિવસેનાના બાકી ૧૬ વિધાનસભ્યોને તેમણે ગોવા આવવા જણાવ્યું છે. શિંદે ગ્રુપે હવે ઇલેક્શન કમિશનનો સંપર્ક કરીને શિવસેના નામ અને એની તીરકામઠાની નિશાની તેમની પાસે જ રહે એ માટે પ્રયાસ કરી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.