બે દિવસ પહેલાં બળવાખોર વિધાનસભ્યોને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ તેમના બે પ્રતિનિધિ મિલિંદ નાર્વેકર અને રવીન્દ્ર ફાટકને સુરત મોકલ્યા હતા

ઉદ્ધવ ઠાકરે
એકનાથ શિંદેએ અલગ ગ્રુપ બનાવતાં વિધાનસભ્યોની જે હિજરત શરૂ થઈ હતી એ ગઈ કાલે પણ ચાલુ રહેતાં શિવસેનામાં સોપો પડી ગયો હતો. ગઈ કાલે બપોરે શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમના પક્ષના વિધાનસભ્યોની માતોશ્રી પર બેઠક બોલાવી હતી જેમાં ગણીને ૧૪ વિધાનસભ્યો હાજર રહ્યા હતા, જ્યારે આદિત્ય ઠાકરે (પંદરમા વિધાનસભ્ય)માતોશ્રી પર જ હાજર હતા.
બે દિવસ પહેલાં બળવાખોર વિધાનસભ્યોને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ તેમના બે પ્રતિનિધિ મિલિંદ નાર્વેકર અને રવીન્દ્ર ફાટકને સુરત મોકલ્યા હતા. ગઈ કાલે સાંજે એવા અહેવાલ હતા કે એમાંના એક રવીન્દ્ર ફાટક પણ આખરે એકનાથ શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા હતા. ગઈ કાલ બપોરની બેઠકમાં હાજર રહેલા વિધાનસભ્યોમાં અજય ચૌધરી, રવીન્દ્ર વાયકર, રાજન સાળવી, વૈભવ નાઈક, નીતિન દેશમુખ, ઉદય સામંત, સુનીલ રાઉત, સુનીલ પ્રભુ, દિલીપ લાંડે, રાહુલ પાટીલ, રમેશ કોરગાવકર, પ્રકાશ ફાતરપેકર, ઉદયસિંહ રાજપૂત અને સંતોષ બાંગરનો સમાવેશ હતો.
એ પછી સંજય રાઉતે કહ્યું હતું કે ‘જે વિધાનસભ્યોએ બળવો કર્યો છે તેમને હું બળવાખોર નહીં પણ બદમાશ કહીશ. જો ચૂંટણી થાય તો એમાંથી એક પણ ચૂંટાઈ નહીં આવે. ગઈ કાલે રાતે જે શિવસૈનિકો માતોશ્રી પર હાજર હતા તેઓ જ ખરા શિવસૈનિકો છે.’
માતોશ્રી સામે નવનીત રાણાના હનુમાન ચાલીસા પઠનને રોકવા રાતભર હજારો શિવસૈનિકો સાથે રસ્તા પર હાજર રહેલા શિવસેનાના સમર્થક અને શિવડીમાં રહેતાં અને પરેલમાં શાકભાજી વેચતાં ૮૦ વર્ષનાં ચંદ્રભાગા શિંદેએ પણ કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની સાથે છે તેઓ જ ખરા શિવસૈનિકો છે, જેઓ છોડી ગયા છે એ લોકો કંઈ ખરા શિવસૈનિકો નથી.