કોર કમિટીની બેઠકમાં વેઇટ ઍન્ડ વૉચની ભૂમિકામાં રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો

ફાઇલ તસવીર
એકનાથ શિંદે જૂથને સુપ્રીમ કોર્ટે રાહત આપ્યા બાદ રાજ્યમાં સત્તાનું સમીકરણ બદલાવાની શક્યતા વચ્ચે ગઈ કાલે બીજેપીના વરિષ્ઠ નેતાઓની બેઠક વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં મળી હતી. પક્ષના તમામ મોટા નેતાઓ વચ્ચે દોઢેક કલાક સુધી ચાલેલી બેઠકમાં એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે તરફથી કોઈ અપડેટ નહીં આવે ત્યાં સુધી ઉતાવળ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
એકનાથ શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાં રાહત મળ્યા બાદ બીજેપી સરકાર બનાવવા માટે રાજ્યપાલને ક્યારે રજૂઆત કરશે એ વિશે બીજેપીના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘બીજેપીની કોર કમિટીની બેઠક દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં યોજવામાં આવી હતી. આ સમયે સરકાર બનાવવા માટે ચર્ચા કરવાને બદલે રાજ્યના રાજકારણ પર નજર રાખવાની સાથે ભવિષ્યની હિલચાલ જોઈને બીજેપી કોઈ નિર્ણય લેશે. અત્યારે સૌએ વેઇટ ઍન્ડ વૉચની ભૂમિકામાં રહેવાનો નિર્ણય લીધો છે.’
બીજેપીના વરિષ્ઠ નેતાએ આગળ કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય, શિવસેનામાં થયેલો બળવો તથા રાજ્યની પરિસ્થિતિ પર બીજેપીની કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સરકાર બનાવવા માટે રજૂઆત કરવા બાબતે કોઈ વિચાર નહોતો કરાયો. રાજ્ય અને વિધાનસભામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની કેવી અસર થશે એનો અંદાજ એમ લગાવી રહ્યા છીએ. આથી અમે અત્યારે કોઈ પહેલ ન કરવાનો નિર્ણય લીધો છે.’
તેમણે અંતમાં કહ્યું હતું કે ‘શિવસેનામાં બળવો કરનારા વિધાનસભ્યો કહે છે કે તેઓ બળવાખોર નહીં પણ ખરા શિવસૈનિક છે. ૨૪ કૅરૅટ શિવસૈનિક હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે. સંજય રાઉતની નજરમાં બળવો કરનારા કોણ અને નૉટી કોણ એ આવનારો સમય કહેશે. આથી હું શિવસેનાના કોઈ પણ વિધાનસભ્યને બળવાખોર માનતો નથી. આનો નિર્ણય હું બીજેપીના વિધાનસભ્ય તરીકે પણ નહીં કરું. અત્યાર સુધી શિવસેના અને ગુવાહાટીમાં બેસેલા વિધાનસભ્યો તરફથી બહુમત બાબતનો કોઈ પ્રસ્તાવ નથી મળ્યો. શિવસેનાને જો તેઓ મૂળ શિવસેના માનતા હોય તો શિવસેનાનો પ્રસ્તાવ આવ્યા બાદ બીજેપીની કોર કમિટી બેસશે અને નિર્ણય લેશે. ત્યાં સુધી અમે કોઈ પહેલ નહીં કરીએ.’
કોર કમિટીની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, સુધીર મુનગંટીવાર, મંગલ પ્રભાત લોઢા, કૃપાશંકર સિંહ સહિતના રાજ્યના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર હોવાનું જાણવા મળ્યું હતું.