Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હિન્દુત્વ કી આન, મહારાષ્ટ્ર કી શાન

હિન્દુત્વ કી આન, મહારાષ્ટ્ર કી શાન

27 November, 2022 12:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુવાહાટીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સ્વાગત માટે રેડ કાર્પેટ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈકાલે કામાખ્યાદેવીનાં દર્શન કર્યાં હતાં (તસવીર : પી.ટી.આઈ.)

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈકાલે કામાખ્યાદેવીનાં દર્શન કર્યાં હતાં (તસવીર : પી.ટી.આઈ.)


શિવસેનામાં બળવો કરીને એકનાથ શિંદે પાંચ મહિના પહેલાં શિવસેનાના ૪૦ અને ૧૦ અપક્ષ વિધાનસભ્યો સાથે વાયા સુરત ગુવાહાટી પહોંચ્યા હતા. આ સમયે તેમણે અહીં વિખ્યાત કામાખ્યા દેવીનાં દર્શન કર્યાં હતાં અને બધું યોગ્ય રીતે થાળે પડશે તો ફરી દર્શને આવવાનું કહ્યું હતું. આથી ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમની સાથેના વિધાનસભ્યો સાથે ગુવાહાટી પહોંચ્યા હતા. ગુવાહાટીમાં તેમના સ્વાગત માટે ૧૦૦ જેટલાં હોર્ડિંગ્સ લાગ્યાં હતાં, જેમાં ‘હિન્દુત્વ કી આન, મહારાષ્ટ્ર કી શાન’ લખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, રસ્તામાં ભગવા ઝંડા ફરકાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના સાથીઓ સાથે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં રોકાયા હતા એ કામાખ્યા મંદિરથી ૨૦ મિનિટના અંતરે જ આવેલું હોવાથી બધાએ બસમાં બેસીને પ્રવાસ કર્યો હતો. હોટેલ અને કામાખ્યા મંદિર પાસે મોટા પ્રમાણમાં પોલીસબંદોબસ્ત કરવામાં આવ્યો હતો. 



રાજ્યના વિકાસના આડે આવતા વિચારની બલિ ચડાવીશું
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના સહયોગીઓ સાથે ફરી એક વખત ગુવાહાટીમાં આવેલા કામાખ્યા મંદિરની મુલાકાતે જઈ રહ્યા હોવાનું જાણ્યા બાદ વિરોધી પક્ષના નેતા અજિત પવારે શુક્રવારે કહ્યું હતું કે આ વખતે તેઓ કોની બલિ ચઢાવશે? અજિત પવારના આ સવાલનો જવાબ આપતાં એકનાથ શિંદે જૂથના પ્રવક્તા અને કૅબિનેટપ્રધાન દીપક કેસરકરે કહ્યું હતું કે ‘અમે મહારાષ્ટ્રના વિકાસવિરોધી વિચારની બલિ ચઢાવીશું. અમે કામાખ્યા દેવીનાં દર્શન કરીને મહારાષ્ટ્રના વિકાસ માટે આશીર્વાદ મેળવવા ગુવાહાટી આવ્યા હોવાનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે. વિરોધી પક્ષના નેતા અજિત પવારને માલૂમ થાય કે રાજ્યનાં સંકટો દૂર થાય, કુદરતી આપત્તિ વગેરેની સમસ્યા ન આવે એવી પ્રાર્થના કરવાની સાથે રાજ્યના વિકાસને આડે આવતા વિચારની બલિ ચઢાવીશું.’


જિતેન્દ્ર આવ્હાડની તપાસ સીબીઆઇ કરશે?
એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડ સામે તેમના બંગલાની અંદર અનંત કરમુસેની મારપીટ કરવાના ચાલી રહેલા કેસમાં સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસે યોગ્ય રીતે તપાસ ન કરી હોવાની ટિપ્પણી કર્યા બાદ રાજ્ય સરકારે આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે એપ્રિલ ૨૦૨૦માં અનંત કરમુસેએ તત્કાલીન ગૃહ નિર્માણપ્રધાન જિતેન્દ્ર આવ્હાડ બાબતે સોશ્યલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરેલી. બાદમાં જિતેન્દ્ર આવ્હાડના સિક્યૉરિટી ગાર્ડ અને કેટલાક કાર્યકરો અનંત કરમુસેને પકડીને જિતેન્દ્ર આવ્હાડના બંગલે લઈ આવ્યા હતા અને મારપીટ કરી હોવાનો આરોપ છે. 

રાજ્યપાલ ફરી વિવાદમાં સપડાયા 
છત્રપતિ શિવાજી મહારાજ સંબંધી ટિપ્પણી કર્યા બાદ વિવાદનો સામનો કરી રહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ગઈ કાલે વધુ એક વિવાદમાં સપડાયા હતા. મુંબઈમાં કરવામાં આવેલા ૨૬/૧૧ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ-કર્મચારીઓની ૧૪મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતી વખતે રાજ્યપાલે ચંપલ પહેરી રાખ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી વિરોધીઓએ તેમની ફરી ટીકા કરી હતી. જોકે રાજભવનના પ્રવક્તાએ કહ્યું હતું કે રાજ્યપાલ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમણે પોલીસને ચંપલ ઉતારવા વિશે પૂછ્યું હતું ત્યારે આ સ્થળે ચંપલ કાઢવાની જરૂર ન હોવાનું પોલીસે કહ્યું હતું.


આજે રાજ ઠાકરેની તોપ ગરજશે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે આજે ગોરેગામમાં આયોજિત સભામાં રાજ્યમાં સત્તા, હિન્દુત્વ, રાજ્યપાલ અને રામદેવ બાબાના નિવેદન વગેરે વિષયો પર ગરજવાની શક્યતા જોવાઈ રહી છે. ગોરેગામના નેસ્કો સેન્ટરમાં પક્ષ દ્વારા ગટનેતાઓની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પક્ષ પ્રમુખ રાજ ઠાકરે આ સભામાં મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કંઈ બોલે એવી શક્યતા જોવાઈ રહી છે. 

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2022 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK