સ્કૂલના પ્રિન્સિપાલોનું કહેવું છે કે બોર્ડે પહેલેથી કહ્યું હોત તો તેઓ એ મુજબનું નિયોજન કરીને અભ્યાસક્રમ વહેલો પૂરો કરી શક્યા હોત, પણ હવે તેમના પર સમયસર સિલેબસ પૂરો કરીને એક્ઝામ લેવાનું જબરદસ્ત પ્રેશર આવી ગયું છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે દસમા અને બારમાની પરીક્ષા આ વખતે વહેલી કરી હોવાથી સ્કૂલોનું પ્રેશર વધી ગયું છે. સામાન્ય રીતે બારમાની પરીક્ષા ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં અને દસમા ધોરણની પરીક્ષા માર્ચના પહેલા અઠવાડિયામાં શરૂ થતી હોય છે, પણ આ વખતે એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવું હોવાથી બોર્ડે પરીક્ષા વહેલી કરી હોવાનો આરોપ અમુક સ્કૂલો અને એની સાથે જોડાયેલા ટીચર્સ કરી રહ્યા છે.
શિક્ષકોનું કહેવું છે કે ‘બોર્ડે પહેલેથી માહિતી આપ્યા વગર આ રીતે પરીક્ષા જાહેર કરી દેવાથી અમારું આખું શેડ્યુલ ખોરવાઈ ગયું છે. જો પહેલેથી ખબર હોત કે પરીક્ષા વહેલી છે તો એ મુજબ નિયોજન કરી શકાયું હોત.’
ADVERTISEMENT
સ્કૂલ પ્રિન્સિપાલ્સ અસોસિએશનના અધ્યક્ષ સંજય પાટીલે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારને પહેલી એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવું છે અને એના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, પણ એના માટે તેમણે સ્કૂલો સાથે ચર્ચા કરવી જરૂરી હતી. જોકે એવું કરવામાં નથી આવ્યું. અમારું આખું શેડ્યુલ ખોરવાઈ ગયું છે. દસમા ધોરણની પરીક્ષા વખતે અમારે સ્કૂલમાં અડધો દિવસ આપવો પડે છે અને એ સમયે ખાસ કંઈ ભણાવી શકાતું નથી.’
બીજા એક શિક્ષકે કહ્યું હતું કે ‘અત્યારે અમારું સૌથી પહેલું કામ દસમાનો અભ્યાસક્રમ પહેલાં પૂરો કરીને બીજા ધોરણોના સિલેબસ જલદી પૂરા કરવાનું છે. બોર્ડે અમને જુલાઈ અથવા ઑગસ્ટમાં વહેલી પરીક્ષાનું કહી દીધું હોત તો અમે એ મુજબ પ્લાનિંગ કર્યું હોત.’
જોકે એજ્યુકેશન બોર્ડનાં ભૂતપૂર્વ સેક્રેટરી બસંતી રૉયે કહ્યું હતું કે ‘સરકારે અમુક કારણોસર પરીક્ષા વહેલી કરી છે. નવેમ્બર મહિનામાં એની જાહેરાત કરી હોવાથી સ્કૂલ પાસે તૈયારી કરવા માટે બે મહિના છે અને એ પૂરતા હોવાનું મને લાગે છે. અભ્યાસક્રમ પર એની અસર પડે એવું મને જરાય નથી લાગતું.’
આ વખતે બારમા ધોરણની પરીક્ષા ૧૧ ફેબ્રુઆરીએ શરૂ થશે અને ૧૮ માર્ચે પૂરી થશે, જ્યારે દસમા ધોરણની પરીક્ષા ૨૧ ફેબ્રુઆરીએ શરૂ થઈને ૧૭ માર્ચે પૂરી થઈ જશે.